સહિયર સમીક્ષા .
- હું અમારી જ કોમની છોકરીના પ્રેમમાં છું એ પણ મને પ્રેમ કરે છે. અમે એકબીજાને મળીએ પણ છીએ. પરંતુ એ યુવતી ભણેલી નથી જેથી મારા ઘરવાળા ના પાડે એનો મને ડર છે.
મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું સજાતીય સંબંધની તકલીફનો ભોગ બન્યો છં મેં હજુ સુધી એક પણ વાર સજાતીય સંબંધ બાંધ્યો નથી પણ મને વિજાતીય સંબંધ કરતા સજાતીય સંબંધમાં વધુ આકર્ષણ છે. મને મારા પ્રતિ ધિક્કારની લાગણી ઉત્પન્ન થાય છે અને દિવસે ને દિવસે મારા માનસમાં વિકૃતિઓ ઉત્પન્ન થાય છે. ઘરમાં મારા લગ્નની ચર્ચા ચાલી રહી છે. મને ખૂબ જ ડર લાગે છે. માનસિક સંતુલન ગુમાવી બેસું એવી સ્થિતિ થાય છે? શું મારે લગ્ન કરવા જોઈએ? આવા સંબંધ ઉદ્ભવવાનું કારણ શું? આનાથી છૂટી શકાય છે?
એક યુવક (અમદાવાદ)
તમારી સમસ્યાનો ઉત્તર કોઈ નિષ્ણાત મનોચિકિત્સક આપી શકશે. તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ આદત પાછળ ગુણસૂત્રો કામ કરી રહ્યા છે જે માનવી સાથે લઈને જ જન્મે છે. આ ઉપરાંત પણ બીજા ઘણા કારણો હોઈ શકે. આવા સંજોગોમાં લગ્ન ન કરવા એજ સલાહભર્યું છે. આ કારણે અન્ય જિંદગી બરબાદ થઈ શકે છે. જોકે આનો ચોક્કસ જવાબ તમને કોઈ મનોચિકિત્કસ જ તમારી તપાસ કર્યા પછી આપી શકશે. મારા પત્રને આધારે સાચો ઉત્તર આપવો શક્ય નથી તેમ જ યોગ્ય પણ નથી.
હું ૨૯ વર્ષનો કુંવારો યુવક છું. મારા લગ્ન ન થવાને કારણે હું લઘુતાગ્રંથિથી પીડાઉ છું. કોેઈ પણ ઉંમરની સ્ત્રીને જોઈને હું તેના પ્રત્યે આકર્ષાઈ જાઉં છું અને દિવસમાં બેથી ત્રણ વખત હસ્તમૈથુન કરું છું. મારું આખું શરીર ધૂ્રજવા માંડે છે. આ જોઈને મારી સાથે કામ કરતા મારા મિત્રો મને વિકૃત કહે છે. જે મારાથી સહન થતું નથી. યોગ્ય સલાહ આપવા વિનતી.
એક યુવક (ગોધરા)
તમારી સમસ્યાનો ઉત્તર છે ઝડપથી લગ્ન કરી લો. યોગ્ય પાત્ર મેળવવામાં મુશ્કેલી હોય તો કોઈ વિશ્વસનીય લગ્ન સંસ્થાનો સંપર્ક કરો. બીજું સંયમ જેવી કોઈ વસ્તુ હોય છે એ વાતનો ખ્યાલ રાખો. આજે તમારી ઉંમરના ઘણા યુવાનો અપરિણિત છે. બધાને કંઈ આ સમસ્યા નડતી નથી. તમારે તમારું ધ્યાનમાં કોઈ અન્ય માર્ગે વાળવું જરૂરી છે. મનમાંથી સેક્સના વિચાર દૂર કરો. અન્ય પ્રવૃત્તિઓમાં રસ કેળવો. શક્ય હોય તો કોઈ મનોચિકિત્સકની સલાહ લો.
મારી ઉંમર ૨૩ વર્ષની છે. હું અમારી જ કોમની છોકરીના પ્રેમમાં છું એ પણ મને પ્રેમ કરે છે. અમે એકબીજાને મળીએ પણ છીએ. પરંતુ એ યુવતી ભણેલી નથી મને એનો કોઈ વાંધો નથી. પરંતુ મારા ઘરવાળા ના પાડે એનો મને ડર છે. મારા કુટુંબીજનો ના પાડશે તો હું એને શો જવાબ આપીશ. આગળ જતા એ મને ભૂલી નહીં શકે એવું મને લાગે છે. મારી પણ શું હાલત થશે? યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (સુરત)
લગ્ન માટે તમારી ઉંમર ઘણી નાની છે. વાસ્તવિક્તાનું તમને ભાન નથી. ઠરીઠામ થયા પછી જ લગ્નનો વિચાર કરવો. બીજું તમે હજુ સુધી તમારા ઘરવાળાને વાત કરી નથી. તેણે તેના ઘરવાળાને વાત કરી નથી તો પછી અત્યારથી જ નકારાત્મક વલણ કેમ રાખો છો? રહી વાત એકબીજાને ભૂલવાની તો સમય બધા દર્દનું ઓસડ છે. વખત જતા બંને પોતપોતાના સંસારમાં પડી જશો અને યુવાનીના આ ક્ષિણક આવેગનો હસી રમતમાં ખપાવી દેશો. સૌપ્રથમ તો તમારા બંનેના ઘરવાળાએ સાથે મળીને તમે બંને એકબીજા માટે યોગ્ય છો કે નહીં તેનો નિર્ણય લેવો જરૂરી છે માટે વડીલને કાને વાત નાખો અને બાકીની વાત તેમના પર છોડી દો.
મારી સમસ્યા એ છે કે માસિક પૂર્વે મારું વજન વધે છે અને માસિક બાદ તરત જ વજન ઘટી જાય છે. આ સમસ્યા દૂર કરવાનો કોઈ ઉપાય છે ખરો?
એક યુવતી (મુંબઈ)
આ સમસ્યા સામાન્ય છે. આનું કારણ હાર્મોન્સને કારણે શરીરમાં પાણીનો ભરાવો થવાનું છે. તમે આ સમય દરમિયાન પાણી અને મીઠાનું પ્રમાણ ઘટાડી જુઓ. મને એ વાતની નવાઈ લાગે છે કે તમે તમારા ફેમિલી ડોક્ટરની સલાહ કેમ લેતા નથી.
- નયના