સહિયર સમીક્ષા .
- હું બે સંતાનની માતા છું. મને અને મારા પતિને એકબીજા સાથે બનતું નથી. અમે છૂટાછેડા લઈએ તો એવો કોઈ રસ્તો છે જેથી કાયદેસર છૂટા પડીએ, પરંતુ બાળકો સાથે એક છત હેઠળ રહી શકીએ?
* મારી ત્વચા પર મોટી મોટી ફોલ્લીઓ થઈ જાય છે. તેનો કોઈ ઉપચાર બતાવશો?
એક યુવતી(વ્યારા)
* ત્વચા પર થતી ફોલ્લીઓ ઘણીવાર વધારે પડતી કેરી ખાધા પછી શરીરમાં ગરમી વધી જવાને લીધે પણ થાય છે. ત્વચા પર મુલતાની માટી, ચંદનનનો પાઉડર અને ગુલાબજળ મિશ્રિત ફેસપેકનો ઉપયોગ કરો. કાકડીનો રસ પણ લગાવી શકો છો. ત્વચાને બને એટલી સ્વચ્છ રાખો. કેરી જેવાં ફળ વધારે પ્રમાણમાં ખાવ, તો સાથે ઠંડી પ્રકૃતિવાળા ખાદ્યપદાર્થો પણ વધારે ખાવ. આમ કરવાથી ઠંડી ગરમ તાસીરનું સંતુલન જળવાઈ રહેશે અને ત્વચા પર તેનું દુષ્પરિણામ નહીં જણાય.
* હું નખ વધારું છું. પણ થોડા જ વખતમાં મારા નખ ઘસાઈને વાંકાચૂંકા થઈ જાય છે. હું શું કરું?
વારિણી દવે (સુરત)
* આવી સ્થિતિ હોય ત્યારે થોડા થોડા સમયે નખને નેલ ફાઈલરથી ઘસીને યોગ્ય ઘાટ આપો. 'નેલ પ્લેટ' જાડી છે કે પાતળી તેના પર નખના ઘસવાનો આધાર છે. વળી, તમે ક્યાં પ્રકારનું કામ કરો છો, તે પણ મહત્ત્વનું છે. જો તમે નખ વધુ ઘસાય એવું કોઈ કામ કરતાં હશો, તો તે ઘસાવાના જ છે.
* મારી આંખો ખૂબ નાની છે. બીજી છોકરીઓની મોટી આંખો જોઈ મનેય ઈચ્છા થાય છે કે મારી આંખો પણ મોટી હોય, શું એ થઈ શકે?
મંજરી વારસિયા (વડોદરા)
* આંખોનું કદ વધારી-ઘટાડી શકાતું નથી. હા, બ્યૂટીશિયન પાસે મેકઅપ કરાવીને આંખોને નાની, મોટી કે ઝીણી હોવાનો આભાસ ઊભો કરી શકાય છે, આમ, તમારી ઈચ્છા મેકઅપ દ્વારા પૂર્ણ થઈ શકે.
* મારી આંખો ફરતાં કાળાં કુંડાળાં થઈ ગયા છે. જે ખરાબ દેખાય છે. તેમને ચહેરાની ત્વચા જેવા રંગનાં કરી શકાય ખરાં?
હંસા દરજી-કુમુદ દરજી (વાપી)
* થોડાં થોડાં સમયે આંખો પર સ્વચ્છ પાણીની છાલક મારો. રાતે સમયસર ઊંઘવાનું રાખો. પૂરતી ઊંઘ થવાથી તમારી સમસ્યાનું સારા એવા પ્રમાણમાં આપોઆપ નિવારણ થઈ જશે. સમતોલ આહાર લો. આંખોની આસપાસ દરરોજ કાકડી અને બટાકાનો રસ લગાવો. તડકામાં બહાર નીકળતી વખતે ગોગલ્સ પહેરો. ટી.વી. જોતી વખતે ટી.વી.થી પૂરતું અંતર રાખીને બેસો. સૂતાં સૂતાં વાંચવાનું બંધ કરી દો.
* ચોમાસામાં મારી ત્વચા પર ઝીણી ઝીણી ફોલ્લીઓ થઈ જાય છે. હું શું કરું?
કનકબહેન (નડિયાદ)
* ચોમાસામાં મચ્છર કરડે ત્યારે ખંજવાળવાથી ત્વચા પર ફોલ્લીઓ થઈ જાય છે. આ સિવાય, ગંદા રસાયણયુક્ત પાણીના સંપર્કમાં આવવાથી પણ ફોલ્લીઓ થાય છે. ભેજવાળા વાતાવરણને લીધે ત્વચા પર ચેપ ઝડપથી પ્રસરે છે. ચોમાસામાં ભીંજાયા પછી ડેટોલવાળા પાણીથી સ્નાન અવશ્ય કરવું. ત્વચાની સ્વચ્છતાનો ખ્યાલ રાખવો. અળાઈ જેવી ફોલ્લીઓ થાય, તો ફોલ્લીવાળા બધા ભાગ પર મુલતાની માટી અને સુખડનો લેપ લગાવો. પાણીમાં લીમડાનાં પાન ઉકાળીને એ પાણીથી સ્નાન કરવાથી પણ ત્વચાનો ચેપ દૂર થાય છે. થોડા થોડા સમયે ફોલ્લીઓ પર કોઈ એન્ટિસેપ્ટિક ક્રિમ લગાવતાં રહો.
* મારા વાળ શોલ્ડર કટ છે. છેલ્લાં કેટલાંક દિવસથી મને તે છેડેથી બળી ગયેલા અને શુષ્ક લાગે છે. કોઈ ઉપચાર બતાવશો.
શાલિની શાહ (મુંબઈ)
* વાળ સેટ કરવા માટે કર્લિંગટીંગ, હેરડ્રાયર વગેરેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. વાળનું નિયમિત કન્ડિંશનિંગ કરો.
અત્યાકે જ વાળ બળેલા લાગતા હોય, તો કપાવી નાખો. જો સહેજ ટ્રિમિંગ કરવાથી જ સારા લાગે તો ઠીક છે, નહીંતર નવી સ્ટાઈલમાં વાળ કપાવી 'હેરસ્ટાઈલ' બદલી નાખો.
* હું બે સંતાનની માતા છું. અમારા લગ્ન અમારા માતા-પિતાએ ગોઠવ્યા હતા. મને અને મારા પતિને એકબીજા સાથે બનતું નથી. અમારી વચ્ચે જરા પણ મનમેળ નથી. છૂટાછેડા લઈએ તો અમારા બાળકો અલગ થઈ જશે અને તેમનું ભવિષ્ય જોખમાશે. એવો કોઈ રસ્તો છે જેથી અમે કાયદેસર છૂટા પડીએ પરંતુ બાળકો સાથે એક છત હેઠળ રહી શકીએ?
એક મહિલા (અમદાવાદ)
* દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા શક્ય નથી. તમારે એક વિકલ્પ પસંદ કરવો જ પડશે. તમારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી તમે કાયદેસર એકબીજા સાથે બંધાયેલા જ રહેશો. આથી તમારા સંતાનોના ભવિષ્યનો ખ્યાલ કરી તમારે સંપીને રહેવું જ પડશે. બંનેએ થોડી બાંધછોડ કરી એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. અથવા તો નોકરી કે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો જેથી શારીરિક રીતે તમે એકબીજાથી દૂર રહી શકો.
- નયના