સહિયર સમીક્ષા .
- મારા ભાવી પતિની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગઈ. ત્યાં તેમના જીવનમાં એક છોકરી આવી. હવે તેઓ મારી સાથેનો સંબંધ પણ રાખવા નથી માગતાં.
* હું ૨૨ વર્ષની અવિવાહિતા છું. મારી સગાઈ થઈ ગઈ છે, પરંતુ લગ્ન માટે મનમાં કોઈપણ પ્રકારનો ઉત્સાહ નથી, કેમકે હાલમાં હું એક માનસિક મૂંઝવણથી ઘેરાયેલી છું. થોડાં સમયથી મારો મારી બહેનપણી સાથે જાતીય સંબંધ છે. અમે બંને લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ હું ઘરના લોકોને મારી એ ઈચ્છા કહી ન શકી. મારી બહેનપણી, જે.સી.એ. કરી રહી છે, તે હવે કહે છે કે જો હું કોઈ છોકરા સાથે લગ્ન કરીશ, તો તે આત્મહત્યા કરી નાખશે અથવા આજીવન કુંવારી રહેશે. હું બહુ દ્વિધામાં છું. હું નથી ઈચ્છતી કે મારે લીધે કોઈનું જીવન બરબાદ થાય. એ ઉપરાંત હું મારાં મા-બાપને પણ નિરાશ કરવા નથી માગતી. શું કરું?
એક યુવતી (અમદાવાદ)
* તમારે અને તમારી બહેનપણીએ સત્ય સ્વીકારવું જ જોઈએ. એ યુવતી સાથે લગ્નની વાત વિચારવી જ ન જોઈએ. તમે તમારાં મા-બાપે નક્કી કરેલા ઠેકાણે લગ્ન કરી લો અને તમારી બહેનપણીને પણ સમજાવો. વહેલી મોડી તે વાસ્તવિક્તા સ્વીકારી લેશે.
* હું બી.એ. પાસ યુવતી છું. મારી સગાઈ એક એન્જિનિયર સાથે થઈ છે. સગાઈ પછી થોડાં દિવસમાં મારા ભાવી પતિની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગઈ. ત્યાં તેમના જીવનમાં એક છોકરી આવી. હવે તેઓ મારી સાથેનો સંબંધ પણ રાખવા નથી માગતાં. અમારી સગાઈ અમારા બંનેની મરજીથી જ થઈ હતી. પેલી છોકરીનાં ઘરનાંને ખબર પડી ગઈ કે છોકરાની સગાઈ થયેલી છે તેથી તે લોકો પણ પોતાની દીકરીના સંબંધ માટે ક્યારેય તૈયાર નહીં થાય. આથી છોકરીનું તેમની સાથે હળવા-મળવાનું બંધ કરાવી દીધું છે. હવે વરપક્ષવાળા લગ્ન કરવાની ઉતાવળ કરી રહ્યા છે, પરંતુ હું દ્વિધામાં છું કે તેમની સાથે લગ્ન કરું કે નહીં. કદાચ લગ્ન પછી પણ મારા પતિ તે છોકરીને ન ભૂલી શક્યા અથવા મારી સાથે તેમનું મન ન મળ્યું, તો અમારું લગ્નજીવન બરબાદ થઈ જશે. મને યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (વલસાડ)
* તમારી શંકામાં વજૂદ છે, માટે લગ્ન પહેલાં તમારા ભાવી પતિને મળીને ચોખ્ખેચોખ્ખી વાત કરી લો. જો તે સ્વેચ્છાથી લગ્ન કરવા તૈયાર હોય તો જ લગ્ન કરો, દબાણને વશ થઈને નહીં.
* હું ૨૨ વર્ષની છું. મારી સગાઇ થઇ ગઇ છે. એક મુલાકાત દરમિયાન મેં તેમની ગરદન પર એક નાનકડો સફેદ ડાઘ જોયો. આ પછી મને ઘણી ચિંતા થાય છે. શું આ કોઇ ચેપી રોગને કારણે હશે? મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
એક યુવતી (કચ્છ)
* તમારી ચિંતા દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય તમારા ભાવિ પતિને આ વિશે પૂછી લેવાનો છે. જો કે તેમને ખરાબ ન લાગે એ રીતે તેમને પૂછજો. તેમણે એની સારવાર ન લીધી હોય તો કોઇ ત્વચા નિષ્ણાતને દેખાડવાની સલાહ આપો. ત્યાર પછી તમારા વડીલોની સલાહ લઇ આગળનો નિર્ણય લો.
* હું ૨૭ વર્ષની છું. મને બે વર્ષની એક પુત્રી છે. લગ્ન પૂર્વે મારા સ્તન સુદ્દઠ હતા પરંતુ પુત્રીના જન્મ પછી નરમ અને લબડી પડયા છે. મારા સ્તન પહેલા જેવા આકર્ષક બનાવવા શું કરવું એ જણાવવા વિનંતી.
એક મહિલા (નડિયાદ)
* સુવાવડ પછી ચરબીવાળા ખોરાક પર મારો ચલાવવાને કારણે વજન વધી જાય છે. આ સમયે વ્યાયામ તેમજ શરીરની યોગ્ય સંભાળ ન લેવાને કારણે પણ આમ થઇ શકે છે. તમારે સમતોલ આહાર લેવાની જરૂર છે. વજન વધવા ન દો. નિયમિત વ્યાયામ કરો. હાથના વ્યાયામ કરો. આનાથી વક્ષસ્થળ સુદ્દઢ બનશે. વ્યાયામ શરૂ કરતા પૂર્વે કોઇ નિષ્ણાત વ્યાયામ પ્રશિક્ષકની સલાહ લેજો.
* હું ૨૨ વર્ષની છું. છેલ્લા કેટલાક વર્ષથી મને સફેદ રંગનો ઘટ્ટ તેમજ દુર્ગંધ આવે તેવો સ્ત્રાવ થાય છે. શું આનાથી હાડકા ગળી જાય છે. મારે કઇ પધ્ધતિથી ઇલાજ કરાવવો જેથી આ સમસ્યા જડમૂળથી દૂર થઇ જાય. મારા હાથ-પગ પણ ખૂબ જ દુ:ખે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી(ભરૂચ)
* દુર્ગંધમય સ્ત્રાવનું કારણ કદાચ ગર્ભાશયના મુખ (સર્વિકસ) માં કે યોનિમાર્ગમાં બેક્ટેરિયા કે અન્ય જીવાણુઓ દ્વારા ઇન્ફેક્શન હોઇ શકે છે. આટલા વર્ષ સુધી તમે ચૂપ કેમ બેસી રહ્યા તે સમજાતું નથી. શરમ છોડી તરત જ ઇલાજ શરૂ કરો. તમારે સ્વચ્છતા પર ધ્યાન આપવાની જરૂર છે. કોઇ સારા ગાયનેકોલોજીસ્ટને દેખાડો. તેમની સલાહથી જરૂર ફાયદો મળશે. આ સ્ત્રાવને હાડકા ગળાવા સાથે કોઇ જ સંબંધ નથી.
* મારી પુત્રી દસ વર્ષની છે. કેટલાક દિવસથી તેની ગરદન પર એક નાની ગાંઠ દેખાય છે. તેને સ્પર્શ કરવાથી કે દબાવવાથી દરદ થતું નથી. આ ગાંઠ કેન્સરની હશે એવી મને ચિંતા થાય છે. મારે શું કરવું?
એક મહિલા (જામનગર)
* દરેક ગાંઠ કેન્સરની જ હોય છે એવું નથી. ચિંતા કરવાની જરૂર નથી. આ પાછળ બીજા કારણો પણ જવાબદાર હોઇ શકે છે. આમ છતાં પણ સમય ન ગુમાવતા તેને કોઇ નિષ્ણાતને દેખાડી શંકાનું સમાધાન કરી લો.
- નયના