સહિયર સમીક્ષા .
- મેં એક યુવકને પ્રેમ કર્યો. વાત લગ્ન સુધી પહોંચી ત્યારે તપાસ કરવાથી જાણવા મળ્યું કે છોકરાએ પોતાની અને પોતાના વ્યવસાય ઘર પરિવાર વિશે જે ઊંચી ઊંચી વાતો કરી છે તેમાંની ઘણીબધી ખોટી છે.
પ્રશ્ન : હું ૩૦ વર્ષનો અપરિણીત યુવક છું. હું મારા પાડોશમાં રહેતી ૨૦ વર્ષની યુવતીને પ્રેમ કરું છું. છ મહિના સુધી તો મારામાં હિંમત જ ન આવી કે હું તેની પ્રત્યેના મારા પ્રેમને વ્યક્ત કરી શકું. જોકે તે મારા દ્વારા અપાયેલી ભેટનો ખુશીથી સ્વીકાર કરતી રહી. મારી સાથે ફિલ્મ જોવા, હરવાફરવા પણ આવતી હતી. એક દિવસ તક જોઇને મેં તેને કહી દીધું કે હું તેને બહુ પ્રેમ કરું છું અનેલગ્ન કરવા ઇચ્છું છું. આ વાતથી તે ઉછળી પડી અને કહેવા લાગી કે આવું કેવી રીતે થઈ શકે. તેણે કહ્યું કે તે મને એક સારો મિત્ર માને છે, બીજું કાંઈ નહીં.
તે દિવસે મને બહુ દુ:ખ થયું. તે છોકરી મારાથી દૂર થઈ ગઈ છે. મને જોઈને તે જોયું ના જોયું કરી દે છે. જ્યારે હું ઇચ્છા હોવા છતાં તેને ભૂલી નથી શકતો. તેને જોવા, તેની એક ઝલક જોવા માટે કલાકો સુધી બાલ્કનીમાં ઊભો રહું છું. તેણે મારી સાથે દગો કેમ કર્યો? આ વાત મને સતાવે છે. તેને કેમ કરીને ભૂલી શકું?
એક યુવક (વેરાવળ)
ઉત્તર : આજની છોકરીઓ પોતાનો અધિકાર જાણે છે અને સમજે છે કે માત્ર ફરવાનો કે પિક્ચર જોવાનો અર્થ એ નથી કે લગ્નનું આમંત્રણ આપી દીધું છે. લગ્ન કરવા માટે તે ઘણું બધું જોતી હોય છે.
તમારો પ્રેમ એકતરફી હતો, એમાં કોઈ શંકા નથી. તે છોકરી તમારી ભાવનાઓ સાથે રમતી રહી. હવે જ્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં તમારા પ્રેમનો અસ્વીકાર કર્યો છે તો તમે કેમ કારણ વગર તેના માટે હજુ સુધી દુ:ખ લગાડી રહ્યા છો? આશ્ચર્યની વાત એ છે કે હજુ તમે તેની એક ઝલક જોવા માટે બેચેન રહો છો, જ્યારે તમને તેના પ્રત્યે નફરત થવી જોઈતી હતી. તેને એક ખરાબ સપનાની જેમ ભૂલી જાઓ. એ મુશ્કેલ જરૂર હશે, પરંતુ અશક્ય નથી.
પ્રશ્ન : હું ૨૦ વર્ષની યુવતી છું. મેં એક હલકા, લાલચુ યુવકને પ્રેમ કર્યો. વાત લગ્ન સુધી પહોંચી ત્યારે તપાસ કરવાથી જાણવા મળ્યું કે છોકરાએ પોતાની અને પોતાના વ્યવસાય ઘર પરિવાર વિશે જે ઊંચી ઊંચી વાતો કરી છે તેમાંની ઘણીબધી ખોટી છે. તેમણે મને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો કે તે યુવક સાથે લગ્ન પછી મને મારી ભૂલનો અહેસાસ થયો.
હું હવે પિયરમાં છું અને તેમની સાથે છૂટાછેડા થઈ ગયા છે. ઘરના લોકો મારા બીજી વાર લગ્ન કરાવવા ઇચ્છે છે, પણ મારો પુરુષ જાતિ પરથી વિશ્વાસ ઊઠી ગયો છે. હું બીજી વાર લગ્ન કરવા નથી ઇચ્છતી, પણ ઘરના લોકો નથી માનતા. હું શું કરું?
એક પત્ની (ચોટીલા)
ઉત્તર : તમે અણસજમાં તમારા જીવનનો મહત્ત્વનો નિર્ણય કર્યો, જે ખરાબ નીકળ્યો, કારણ કે તમને સારાંનરસાંની ખબર નહોતી. પણ એક વ્યક્તિ ખરાબ નીકળી તેનો અર્થ એ નથી કે બધા પુરુષ ખરાબ જ હોય છે. તમારાં માતાપિતા અનુભવી અને સમજદાર છે. તે તમારા માટે યોગ્ય જીવનસાથી પસંદ કરશે. એટલે લગ્ન માટે ના ન પાડો. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. આખી જિંદગી પડી છે, જે એકલાં વિતાવવી મુશ્કેલ થાય એટલે માતાપિતાની વાત માની લો.
પ્રશ્ન : હું પહેલીવાર માતા બનવાની છું એટલે વધારે કશું આ વિષયમાં નથી જાણતી. હું જાણવા માગું છં. કે આ સમયે જ્યારે હું ચાર મહિનાથી સગર્ભા છું. અમારે શારીરિક સંબંધ બનાવવો જોઈએ કે નહીં. મારા પતિ રોજ સંભોગ કરે છે, જ્યારે મારા મનમાં બીક રહે છે કે ક્યાંક મારા આવનાર બાળક પર કોઈ ખરાબ અસર તો નહીં પડે ને? મહેરબાની કરીને આ વિશે સલાહ આપો.
એક સ્ત્રી (જામનગર)
ઉત્તર : શરૂઆતના બે-ત્રણ મહિના અને છેલ્લા થોડા દિવસોને બાદ કરતાં સગર્ભાવસ્થામાં સંભોગ કરવામાં નુકસાન નથી. બસ, ધ્યાન એ રાખવાનું કે કોઈ ગૂંચ (કોમ્પ્લિકેશન્સ)ના ઊભી થાય. જો એવું કાંઈક હોત અર્થાત્ સંયમ રાખવાનો હોત તો તમારા ડોક્ટરે તમને કહ્યું હોત. હાલ તો તમે નોર્મલ છો, એટલે ચિંતા વગર સંભોગનો આનંદ લો. પણ ધ્યાન રાખો કે પેટ પર ભાર ના પડે.
- નયના