સહિયર સમીક્ષા .
- હું મારા ભૂતપૂર્વ પ્રેમીને ભૂલી શકતી નથી. બીજી એક સ્ત્રી માટે એણે મને છોડી દીધી હતી. આમ છતા પણ તેણે મારી સાથે સંબંધ ચાલુ રાખ્યો છે
હું ૨૫ વરસની છું. તાજેતરમાં જ મારા લગ્ન થયા છે. અને મારા સાસરિયાનો ત્રાસ શરૂ થઇ ગયો છે. હું મારા પિયર મળવા જાઉં એ તેમને ગમતું નથી. તેઓ મારા પિયરિયાઓ અને મારે વિશે તેઓ ખરાબ બોલે છે. અને અમને ભાંડે છે. હું તેમને સમજાવવાનો પ્રયાસ કરું છું તો વાત વધુ વણસી જાય છે. આ કારણે હું ઘણી પરેશાન છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (ગુજરાત)
* આપણે ભલે ૨૧મી સદીમાં પ્રવેશ્યા છીએ પરંતુ આપણો સમાજ આજે પણ રૂઢીચૂસ્ત છે. વર્ષો જૂની બેડીમાંથી બહાર નીકળવા તૈયાર નથી. તમારી હાલત હું સમજી શકું છું. તમારે તમારા પતિની મદદ લેવી જરૂરી છે. તેમને સમજાવવાનું તેમને કહો અને એ પછી પણ તેઓ માને નહીં તો તમારા પરિવારની સલાહ લઇને યોગ્ય નિર્ણય લો. તમારી પાસે બે વિકલ્પ છે એક તો તમારા પતિને સમજાવી તમે અલગ રહો. તમારા પતિ માને નહીં તો પરિવારની સલાહ લઇને છૂટા થઇ જવામાં જ ભલાઇ છે કારણ કે, તમારી સમજાવાની તેમના પર કોઇ અસર થતી નથી એ પરથી લાગે છે કે તેઓ સુધરે એવી કોઇ શક્યતા નથી.
ત્રીજો એક વિકલ્પ એ છે કે તમે તમારા પિયરિયાઓને તેમને જણાવ્યા વિના છાનામાના મળો. હવે કયો માર્ગ અપનાવવો એ તમારે પોતે જ તમારા સંજોગોને ધ્યાનમાં રાખીને લેવો પડશે.
હું ૧૭ વરસનો છું. અમારા જ વિસ્તારમાં રહેતી મારી જ ઉંમરની એક છોકરીને હું પ્રેમ કરું છું. મેં તેને બે વાર પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે આનો અસ્વીકાર કર્યો હતો. મને ઘણાએ એમ પણ કહ્યું છે કે તે મને પ્રેમ કરે છે. પરંતુ તેના પરિવારના લોકોના ડરને કારણે એ મને કહી શકતી નથી. તેમજ અમારા વિસ્તારના લોકોનો પણ તેને ડર લાગે છે. મારે શું કરવું એ જણાવશો.
એક યુવક (નવસારી)
* તમે એને બે વાર પ્રપોઝ કર્યું અને તેણે તેનો અસ્વીકાર કર્યો હોય તો તમારે એને ભૂલીને તમારા જીવનમાં આગળ વધી જવાની જરૂર છે. તમારો આ પ્રશ્ન જ મૂર્ખાઇથી ભરેલો છે. આમા તમને મદદની કોઇ જરૂર નથી. તેણે બે વાર ના પાડયા પછી પણ તમે તેનો કેડો કેમ મૂક્તા નથી. એની નવાઇ લાગે છે અને આમ પણ તમારી ઉંમર હમણા ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાની છે. પ્રેમ કરવાની નહીં.
હું મારા ભૂતપૂર્વ પ્રેમીને ભૂલી શકતી નથી. બીજી એક સ્ત્રી માટે એણે મને છોડી દીધી હતી. આમ છતા પણ તેણે મારી સાથે સંબંધ ચાલુ રાખ્યો છે અને અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. આથી મને લાગે છે કે તે મને હજુ સુધી પ્રેમ કરતો હશે. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.
એક યુવતી (મુંબઇ)
* તમારો આ પ્રેમી તમારી લાગણીઓ સાથે ચેડા કરી રહ્યો છે. તેને તમારી સાથે પ્રેમ હોત તો તે તમને છોડીને જાત જ નહીં. અને તમારી નજર સામે તે બીજી યુવતી સાથે પણ સંબંધ રાખી રહ્યો છે. આથી એક વાત સ્પષ્ટ છે કે તે તમને પ્રેમ કરતો નથી. તેને માત્ર તમારી સાથે શરીર સંબંધ ચાલુ રાખવામાં જ રસ છે. આથી તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાની જરૂર છે. કારણ કે, શરીર સંબંધ બાંધવો એ પ્રેમ નથી. આ પુરુષ સાથે તમારું કોઇ ભવિષ્ય નથી. આથી તેને મળવાનું બંધ કરો અને બીજો સાથી શોધી તમારા જીવનમાં આગળ વધો.
- નયના