Get The App

સહિયર સમીક્ષા .

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


 - હું મારી માસીની છોકરીના પ્રેમમાં છું. તેની સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે. પરંતુ અમારા ભાઈ-બહેનના સંબંધને કારણે હું મારા પ્રેમનો એકરાર કરતા અચકાઉં છું.

* હું ૨૪ વર્ષની છું. મને મારા બનેવી પ્રત્યે આકર્ષણ છે. આ નૈતિક નથી એ હું જાણું છું, પણ હું મારી જાતને રોકી શકતી નથી. તેમને મારા દિલના હાલની જાણ થઈ ગઈ  છે એમ મને લાગે છે. અને તેઓ પણ મારી સામે પ્રેમની દ્દષ્ટિ ફેંકે છે. જો કે અમે હજુ આગળ વધ્યા નથી મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક યુવતી (મુંબઈ)

* તમારી બહેનનો સંસાર ભાંગો નહીં. આમ પણ કોઈનું ઘર ભાંગવાનું કામ સારું નથી અને આ  તો તમારી સગી બહેન છે. અને તમે તેની સાથે સંબંધ રાખશો તો શું તમને ખાતરી  છે કે તમારી પીઠ પાછળ એ બીજી છોકરી સાથે  આંખ-મીંચામણા નહીં કરે. તમારી બનેવીથી દૂર રહો. તમારી બહેનનું લગ્નજીવન સફળ બને એ માટે તેને મદદ કરો અને યોગ્ય જીવનસાથી શોધીને પરણી જાવ.

* હું ૩૮ વર્ષની નોકરિયાત મહિલા છું. મારે બે સંતાન છે. મારા પતિ ૪૦ વર્ષના છે અને તેમને એક પરિણીત સ્ત્રી સાથે આડા સંબંધ છે. પતિના આ સંબંધને કારણે એ સ્ત્રીનો પતિ તેને છોડીને તેના માતા-પિતા સાથે રહેવા જતો રહ્યો છે.  મારા પતિ એની સાથે જ રહે છે. હવે તેઓ ઈચ્છે છે કે હું અમારા સંતાનો સાથે આ ઘર છોડીને જતી રહું જેથી તેઓ એ સ્ત્રી સાથે અમારે ઘરે રહી શકે. હું રહું છું એ ફ્લેટ અમે લોન લઈને અમારા બંનેના નામે લીધા છે. શું મારે આ ઘર છોડીને જતા રહેવું જોઈએ? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક મહિલા  (નવસારી)

* આ ફ્લેટ છોડીને જતા રહેવાની મુર્ખાઈ કરતા જ નહીં. તમારા પતિના દબાણને વશ થતા નહીં. કદાચ તેઓ તમને ધાક-ધમકીથી કે પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરે પરંતુ તમે તમારો હક જતો કરતા નહીંૅ.  બંધ કરીને બે-ત્રણ દિવસ માટે પણ કશે જતા  નહીં તમારે તમારા બાળકોના ભવિષ્યનો વિચાર  કરવાનો છે. શક્ય હોય તો કોઈ સારા વકીલની સલાહ લો. આ ફ્લેટ  પર તમારો પણ હક છે એ વાત ભૂલતાં નહીં.

* અમે ચાર ભાઈ-બહેનો છીએ. હું સૌથી નાનો છું. મારી બે બહેનના લગ્ન થઈ ગયા છે. અત્યાર સુધી અમારા પારિવારિક સંબંધો સારા હતા.  પરંતુ મારા મોટા ભાઈના લગ્ન પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મારી ભાભીએ મારા ભાઈને અમારાથી દૂર કરી દીધો છે અને તે ઘરમાં ઝઘડા પણ કરે છે. મારા મમ્મી-પપ્પાને પણ ત્રાસ આપે છે. ઘરમાં મારા લગ્નની વાત ચાલે છે. મારી પત્ની મારા માતા-પિતાને માન નહીં આપે અને તેનો સ્વભાવ મારી ભાભી જેવો  હશે તો એ ચિંતા મને કોરી ખાય છે. અને હું લગ્ન કરતા હું ડરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવક (સુરત)

* વર્ષોથી આપણા સમાજમાં પુત્રવધુઓ ત્રાસ આપાવમાં આવે છે. અને આ કારણે નવી પરણીને આવેલી સ્ત્રીના મનમાં પૂર્વગ્રહ બંધાઈ જાય છે. આ કારણે તેઓ તેમના પતિને તેના પરિવારથી  દૂર કરી પોતા તરફ આકર્ષે છે. જો કે દરેક વખતે આ કારણ કામ કરતું નથી. કેટલીક વાર પિયરિયા પ્રત્યેનો વધુ પડતો મોહ પાછળ કારણભૂત હોય છે. લગ્ન  પછી પતિનો પરિવાર પોતાના પિયર કરતા વધુ મહત્ત્વનો છે એ વાત સ્ત્રી ન સમજે તો ઘર ભાંગી જવાની શક્યતા છે. કેટલીક માતાઓ પણ પુત્રીઓને ચઢાવી, તેમના ઘરસંસારમાં દખલ કરી પોતાની  પુત્રીનો  સંસાર નર્ક સમાન  બનાવે છે. 

ખેર, તમે બધા તમારી ભાભીને પ્રેમથી વશ કરવાનો પ્રયાસ કરો. તમારા મમ્મી-પપ્પાને પણ તેને પુત્રી સમાન ગણવાની સલાહ આપો. પરિવારના પ્રેમને કારણ કદાચ તેનું દિલ બદલાઈ પણ જાય. લગ્ન પૂર્વે તમારી પત્નીને તમારા પરિવાર વિશે માહિતી આપો અને બંને પક્ષ એકબીજાને એડજસ્ટ થાય એનો પ્રયાસ કરો. કારણ કે, તાળી એક હાથે પડતી નથી.

* હું મારી માસીની છોકરીના પ્રેમમાં છું. તેની સાથે લગ્ન કરવાની મારી ઈચ્છા છે. પરંતુ અમારા ભાઈ-બહેનના સંબંધને કારણે હું મારા પ્રેમનો એકરાર કરતા અચકાઉં છું. યોગ્ય સલાહ આપવા વિનંતી .

એક યુવક (મહેસાણા)

*  આપણા ધર્મમાં નજીકના સંબંધ ધરાવતા લોકો વચ્ચેના લગ્નને મંજુરી નથી. સમાજ  આવા લગ્નને સ્વીકારતો નથી. મેડિકલ દ્દષ્ટિએ પણ આવા લગ્ન  યોગ્ય નથી. આવા સંબંધથી ઉત્પન્ન થતા બાળકોમાં ખામી રહેવાની શક્યતા છે. આથી તમારી માસિયાઈ બહેનને ભૂલી બીજી કોઈ સારી છોકરી શોધી પરણી જાવ. આ ઉપરાંત તમારી કઝીન તમને પ્રેમ કરે છે કે નહીં એ પણ તમે જાણતા નથી. શક્ય છે એ તમને મોટા ભાઈની દ્દષ્ટિએ જોતી હોય. આ પ્રેમ નથી.  માત્ર ક્ષણિક આવેગ છે. આથી એને ભૂલતાં તમને વાર નહીં લાગે.

- નયના


Google NewsGoogle News