સહિયર સમીક્ષા .
- * હું મારી માસીના છોકરાને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ કરું છું. અમે એકબીજા વગર રહી શકતા નથી. તેથી તેની સાથે લગ્ન કરવા માગું છું.
* હું ૧૯ વર્ષની વિદ્યાર્થિની છું. હું જ્યારે સ્કૂલમાં ભણતીહતી ત્યારે મારાથી બે વર્ષ મોટી છોકરી સાથે દોસ્તી થઇ. તેણે મારી સાથે સજાતીય સંબંધ બાંધ્યો, પરંતુ હવે મને આ બધું પસંદ નથી. કારણ કે તેને ઘણાબધાની સાથે આ પ્રકારના સંબંધ છે. તેથી મેં તેની સાથે સંબંધ ઘટાડી નાખ્યો છે. અને બીજી સખીઓ સાથે વધુ રહું છું, પરંતુ આ તેને પસંદ નથી.
આજકાલ તે મને બદનામ કરવાની ધમકી આપે છે. કહે છે કે મારા તેની સાથેના સંબંધની વાત તે બધાને જણાવી દેશે. હું તેના પંજામાંથી છૂટી શકું તેવો કોઇ ઉપાય બતાવશો.
એક કન્યા (અમદાવાદ)
* આવી ચારિત્ર્યહીન છોકરીઓ ભલીભોળી છોકરીઓને ફસાવી તેની પાસે ખોટાં કામ કરાવતી હોય છે. તમે સમયસર તેના પંજામાંથી છટકી ગયા. એ સારું કર્યું. હવે તે તમને ધમકી આપીને ફક્ત ડરાવી રહી છે કે કદાચ તમે ફરીથી તેની જાળમાં ફસાઇ જાઓ, પરંતુ તમે એવી ભૂલ ક્યારેય ન કરતાં.
* હું ૧૬ વર્ષની વિદ્યાર્થિની છું. હું હોસ્ટેલમાં રહું છું. મારી સગાઇ થઇ ગઇ છે. કોઇ એ મારા ભાવિ સાસુને કહ્યું છે કે હોસ્ટેલમાં છોકરાઓ મને મળવા આવતા હોય છે. આ વાત બિલકુલ ખોટી છે. હોસ્ટેલમાં શિસ્તપાલનનો આગ્રહ રાખવામાં આવતો હોવાથી છોકરાઓ ત્યાં આવી શકતા નથી. ભાવિ સાસુના મનમાંથી મારા વિશેની ગેરસમજ દૂર કર્યાં પછી જ હું સાસરે જાઉં એવી મારી ઇચ્છા છે પરંતુ એવું કેવી રીતે શક્ય બને?
એક કન્યા (વડોદરા)
* લગ્નની બાબતમાં લોકો આ પ્રકારના વિધ્નો નાખતાં જ હોય છે. તમારા ઘરના વડીલો વરપક્ષના વડીલોને મળીને તેમની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરી શકે છે. તેઓ સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરે. અને હોસ્ટેલ સંપૂર્ણ શિસ્તવાળી છે તેવું વડીલોને સમજાવી શકાય. કોઇ પણ સમજદાર વ્યક્તિ સાંભળેલી વાતો પર વિશ્વાસ કરતી નથી. માટે તમે બિનજરૂરી ચિંતા કરવાનું છોડી દો.
* હું ૩૨ વર્ષની પરિણીત છું. મારે બે દીકરી છે, જ્યારે મારા જેઠ અને દિયરને બે-બે દીકરા છે. મારી સાસુ હંમેશા મને મહેણાં મારે છે. તેથી હું ઇચ્છુ છું કે એક ચાન્સ લઉં. કદાચ દીકરો થઈ જાય. જ્યારે મારો પતિ તેના માટે તૈયાર નથી. તે કહે છે કે દીકરીને જ સારી રીતે ભણાવી-ગણાવી શિક્ષિત બનાવીશું. હું શું કરું?
એક યુવતી (વલસાડ)
* આ વિકાસશીલ યુગમાં જ્યારે યુવતીઓ કોઈ પણ ક્ષેત્રમાં યુવકથી ઊતરતી નથી, તમે આવી નિમ્ન અને જૂનવાણી વાત કરી રહ્યા છો. પોતે મહિલા થઈને આવું વિચારો છો, જ્યારે તમારા પતિની વિચારસરણી પ્રશંસનીય છે. તેથી તમારે તેમની વિચારસરણીને સમર્થન આપવું જોઈએ અને તમારી દીકરીઓનો સારી રીતે ઉછેર કરવો જોઈએ.
* હું ૧૮ વર્ષની યુવતી છું અને મારી માસીના છોકરાને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ કરું છું. અમે એકબીજા વગર રહી શકતા નથી. તેથી તેની સાથે લગ્ન કરવા માગું છું. હું જાણવા માગું છું કે શું આ લગ્ન શક્ય છે?
એક યુવતી (સુરેન્દ્રનગર)
* તમારી ઉંમર હજી બહુ નાની છે અને તમે છેલ્લા ત્રણ વર્ષ એટલે કે કિશોરાવસ્થાથી પ્રેમ કરી રહ્યા છો. જેને તમે પ્રેમ સમજી રહ્યા છો તે પ્રેમ નહીં, માત્ર યૌનાકર્ષણ છે. આ ઉંમરમાં અપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણ હોવું સ્વાભાવિક છે અને આ જેટલી ઝડપથી ચડે છે તેટલી ઝડપથી ઊતરી પણ જાય છે. તેથી તમે આ ભ્રમને મગજમાંથી કાઢી દો. તદુપરાંત લગ્ન માટે વિચારવું હજી તમારી ઉંમર નથી. આ જવાબદારી વડીલો પર છોડો. હાલમાં મોજમસ્તી કરો અને તમારી કરિયર વિશે વિચારો.
* હું બે સંતાનની માતા છું. અમારા લગ્ન અમારા માતા-પિતાએ ગોઠવ્યા હતા. મને અને મારા પતિને એકબીજા સાથે બનતું નથી. અમારી વચ્ચે જરા પણ મનમેળ નથી. છૂટાછેડા લઈએ તો અમારા બાળકો અલગ થઈ જશે અને તેમનું ભવિષ્ય જોખમાશે. એવો કોઈ રસ્તો છે જેથી અમે કાયદેસર છૂટા પડીએ પરંતુ બાળકો સાથે એક છત હેઠળ રહી શકીએ?
એક મહિલા (અમદાવાદ)
* દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા શક્ય નથી. તમારે એક વિકલ્પ પસંદ કરવો જ પડશે. તમારા છૂટાછેડા ન થાય ત્યાં સુધી તમે કાયદેસર એકબીજા સાથે બંધાયેલા જ રહેશો. આથી તમારા સંતાનોના ભવિષ્યનો ખ્યાલ કરી તમારે સંપીને રહેવું જ પડશે. બંનેએ થોડી બાંધછોડ કરી એકબીજાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. અથવા તો નોકરી કે કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો જેથી શારીરિક રીતે તમે એકબીજાથી દૂર રહી શકો.
- નયના