Get The App

સહિયર સમીક્ષા .

Updated: Jan 20th, 2025


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- એક દિવસ મને અચાનક મોંમાંથી ખાંસી સાથે લોહી આવ્યું. મેં ડોક્ટરની સલાહ લીધી અને છાતીનો એક્સ-રે પડાવ્યો, જેનાથી ખબર પડી કે મને ટીબી છે. 

* હું ૧૮ વર્ષની યુવતી છું. મારી ઊંચાઈ પ ફૂટ અને વજન ૫૩ કિલોગ્રામ છે. મારાં માતા- પિતા, ભાઈ અને બહેન બધાં લાંબા અને સ્ફૂતલું શરીર ધરાવે છે. બધા મને ચીડવે છે. હું ખૂબ ચિંતિત છું. શું મારી ઊંચાઈ વધશે ખરી ? ઊંચાઈ વધારવાનો કોઈ ઉપાય જણાવો ? બજારમાં વિભિન્ન પ્રકારની કેપ્સ્યૂલ વેચાય છે, શું તેનાથી મને લાભ થઈ શકે છે?

એક યુવતી (મુંબઈ)

* ઉત્તર ભારતમાં મોટા પાયે હાથ ધરવામાં આવેલા સમુદાયોના અભ્યાસ પરથી એ તારણ આવ્યું છે કે દેશમાં યુવતીઓની લંબાઈ ૧૬-૧૭ વર્ષની ઉંમર સુધી જ વધે છે. તમે આ ઉંમર પાર કરી ચૂક્યા હોવાથી તમારી ઊંચાઈ વધવાની શક્યતા નહીંવત્ છે.

તે સાચું છે કે આપણા બધાની ઊંચાઈ પોત-પોતાનાં આનુવંશિક તત્ત્વો પર આધારિત છે. તમારા પરિવારમાં બીજા બધા લાંબા છે, પણ તમે ઠીંગણા રહી ગયા. આ તો એક સંજોગ છે. તેનો સંબંધ પણ તમારાં આનુવંશિક તત્ત્વો સાથે જ જોડાયેલો છે. કોઈ પૂર્વજના એવાં આનુવંશિક તત્ત્વો તમારામાં આવ્યાં છે, જેમાં વધુ લાંબા થવાનો ગુણ નથી. તે તમારા વશમાં નથી. તેથી તમારે ખુશીથી સત્ય સ્વીકારી લેવું જોઈએ, તેમાં જ ભલાઈ છે.

સાચું કહું તો શારીરિક બાંધા કરતાં, આપણા હાવ-ભાવ સાથે દેખાવનો સીધો અને ગહન સંબંધ છે. આપણે કેવી રીતે ઊઠીએ- બેસીએ છીએ, હર-ફર કરીએ છીએ અને સ્વયંને કેવી રીતે સંભાળીએ છીએ. આપણી શારીરિક સુંદરતાનું ગણિત મહદ્ અંશે આ બાબતો પરથી નક્કી થાય છે. આપણી ચાલમાં ઉત્સાહ હોય, શરીર ચુસ્ત-તંદુરસ્ત હોય, શરીર સ્વસ્થ હોય તો ઓછી ઊંચાઈ હોવા છતાં પણ આપણે આકર્ષક દેખાઈ શકીએ છીએ. આ સુંદરતા મેળવવા માટે દરરોજ વ્યાયામ કરો, તેનાથી તમે તમારી અંદર એક મોટું પરિવર્તન જોઈ શકશો. તમારામાં આત્મવિશ્વાસ હોય, જીવનમાં કંઈપણ કરી બતાવવાનો સંકલ્પ હોય તો કંઈપણ મેળવવું મુશ્કેલ નથી. 

લાંબા દેખાવા માટે પહેરવેશ પર પણ ધ્યાન આપો. ઊંચી એડીનાં જૂતાં-ચંપલ અને નવી ફેશનના ટૂંકા કુરતા પહેરવાથી પણ ઊંચાઈ વધુ લાગશે. કોઈપણ પ્રકારની દવા, કેપ્સ્યૂલ ઊંચાઈ વધારવામાં લાભકર્તા નથી. તેનાથી માત્ર ખિસ્સું હળવું થાય છે. 

* હું ૨૪ વર્ષનો પુરુષ છું. મારાં લગ્ન ૧ વર્ષ પહેલાં થયાં છે. એક દિવસ મને અચાનક મોંમાંથી ખાંસી સાથે લોહી આવ્યું. મેં ડોક્ટરની સલાહ લીધી અને છાતીનો એક્સ-રે પડાવ્યો, જેનાથી ખબર પડી કે મને ટીબી છે. પહેલા ૨ મહિના મેં ડોક્ટરની સલાહથી ટીબીની ૪ પ્રકારની દવા લીધી અને તે પછી હમણાં હું ૨ પ્રકારની દવા લઈ રહ્યો છું. ડોક્ટરનું કહેવું છે કે, ૬ મહિના પૂરા થતાં જ દવા બંધ કરી દેશે. આટલા સમયમાં મારું વજન પણ વધ્યું છે. નવા એક્સ-રે રિપોર્ટ પ્રમાણે ફેફસામાંથી ટીબી દૂર થઈ ગયો છે, પણ ક્યારેક છાતીમાં ડાબી બાજુ શ્વાસ લેવામાં દુખાવો થાય છે. પત્ની ઈચ્છે છે કે અમે હવે સંતાનને જન્મ આપીએ, પણ મને ડર લાગે છે કે ક્યાંક દવા છોડી દીધા પછી ફરી રોગ થાય તો. એ પણ ડર રહે છે કે સાથે સૂવાથી મારો રોગ ક્યાંક પત્નીને ન લાગી જાય. કૃપા કરી સલાહ આપશો.

એક યુવક (જામનગર)

* આ સાચું છે કે દવાઓની મદદથી શારીરિક રીતે તો તમે ટીબીથી મુક્ત થઈ ગયા છો, પણ તમારું મન હજુ પણ આ રોગના વિચારોમાંથી મુક્ત થયું નથી. તમે એ વાત સમજી લો કે ટીબી પણ એક પ્રકારનો બેક્ટેરિયાજન્ય રોગ છે. અન્ય ચેપી રોગોની જેમ તે પણ સંપૂર્ણ રીતે ઈલાજ યોગ્ય છે. તફાવત માત્ર એટલો છે કે તેના બેક્ટેરિયાને મૂળમાંથી નાશ કરવામાં સમય લાગે છે અને તેના લીધે જ ટીબીની દવા ૬ થી ૯ મહિના સુધી લેવી પડે છે. આ સંપૂર્ણ ઈલાજ કરાવ્યા પછી ટીબી ફરી થવાની શક્યતા લગભગ નહીંવત્ રહે છે.

જ્યાં સુધી રોગનો ચેપ લાગવાની વાત છે, આ ડર ઘણો પહેલાં દૂર થઈ જાય છે. તમારી દવા તો પૂરી થવાની તૈયારીમાં છે. જે લોકોએ હજુ દવાની શરૂઆત જ કરી હોય, તેમાં પણ પહેલાં ૭૨ ક્લાક પછી બીજાઓને રોગ થવાની શક્યતા બિલકુલ રહેતી નથી.

- નયના


Google NewsGoogle News