સહિયર સમીક્ષા .
- મારી વાગ્દત્તાને હું ઘણો પ્રેમ કરું છું. તે પણ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ કોલેજ દરમિયાન હું એક યુવતીના પ્રેમમાં હતો. તે પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. હું બંનેમાંથી કોઇને છોડી શકું તેમ નથી.
* હું ૨૩ વર્ષની છું. ૧૭ વર્ષની હતી ત્યાંરે મારી સાથે ભણતા એક યુવકે મારી પાસે રાખડી બંધાવી મને તેની બહેન બનાવી હતી. ત્યાર પછી અભ્યાસ પૂરો થયાના બે વર્ષ પછી તેણે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. મેં ના પાડવાથી તેણે ઝેર પી મને ઇમોશનલી બ્લેકમેઇલ કરવાના પ્રયત્ન કર્યાં. હું જે કોલેજમાં ભણતી હતી. ત્યાં ભણતા તેના મિત્ર દ્વારા મને આખી કોલેજમાં બદનામ કરી હતી. તે મારા પ્રેમમાં છે કે માત્ર ડોળ કરે છે એ સમજાતું નથી. એક વાર જેને ભાઇ બનાવ્યો છે. એની સાથે હું લગ્ન કરવા માંગતી નથી. શું મારો નિર્ણય યોગ્ય છે?
એક યુવતી (વડોદરા)
* તમે જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ છે. પ્રેમ જબરજસ્તીથી થતો નથી. તે અંતરની ભાવના છે અને પ્રેમ વિનાના લગ્ન સફળ થવાની શક્યતા નથી. આ યુવક સાથે લગ્ન કરવા તમારું મન ન માનતું હોય તો લગ્ન કરો નહીં. અને તમને લાગે કે તમે ખરેખર તેને પ્રેમ કરો છો અને તેની સાથે સુખી જીવન વીતાવી શકો છો તો તમારા ઘરના વડીલોની સલાહ લઇ આગળ પગલું ભરો. એ યુવક તમને સાચા દિલથી પ્રેમ કરતો હોય તો તમને બદનામ કરત નહીં. વેલ, તમારા વડીલને આ વાત જણાવો અને તેમની મદદથી આ યુવકને સમજાવવાનો પ્રયાસ કરો.
* હું ૨૪ વર્ષની છું. છેલ્લા ત્રણ વર્ષથી મને મારી એક બહેનપણી સાથે પ્રેમ છે. પરંતુ તે સમાજથી ડરે છે. તે મને પ્રેમ કરે છે પરંતુ બે છોકરીઓ વચ્ચેનો પ્રેમ સમાજને સ્વીકાર્ય ન હોવાથી તે બીજા સાથે લગ્ન કરવા તૈયાર થઇ છે. તેને સંભાળી શકું એટલી મારામાં તાકાત છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (અમદાવાદ)
* તમારી બહેનપણીનો નિર્ણય યોગ્ય છે. સમાજ સમલિંગી સંબંધને સ્વીકારતો નથી અને આમા તમારું કોઇ ભવિષ્ય નથી. તમારી બહેનપણીને તમારી સાથે રહેવા મજબૂર કર્યાં વિના તેને લગ્ન કરવા દો અને તમે પણ કોઇ સારો જીવન સાથી શોધી પરણી જાવ. શક્ય હોય તો કોઇ મનોચિકિત્સક કે સેક્સોલોજીસ્ટની સલાહ લો.
* હું ૨૨ વર્ષનો છું. બિહારનો વતની છું અને છેલ્લાં પાંચ વર્ષથી સુરતમાં નોકરી કરું છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. તે મહારાષ્ટ્રમાં રહે છે. તેના પરિવારજનોએ તેની સગાઇ કરી દીધી છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ હું તમાશો કરવા માગતો નથી અને એ છોકરીને બદનામ પણ કરવા માંગતો નથી. આ ઉપરાંત હું મારા પરિવાર કે રાજ્યને બદનામ કરવા ઇચ્છતો નથી. તેના પરિવારની સંમંતીથી અમારા લગ્ન થાય એમ મારી ઇચ્છા છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (ઉધના-સુરત)
* આ યુવતીના વેવિશાળ થઇ ગયા છે આથી તેના પરિવારના સભ્યો તમારી સાથે તેને લગ્ન કરવાની મંજુરી આપે એવી કોઇ શક્યતા નથી. તમારા પત્ર પરથી તમે ખૂબ જ સમજુ અને સજ્જન હો એવું લાગે છે. વેલ, પ્રેમ સમર્પણ માંગે છે અને સાચો પ્રેમી તેની પ્રેમિકાને સુખી જોઇ ખુશી અનુભવે છે. આથી તમે પણ એ યુવતીને ભૂલી જાવ અને તે સુખી થાય એવી ભગવાનને પ્રાર્થના કરો. આ યુવતી સાથે તમારા લગ્ન શક્ય નથી. આથી એને ભૂલવા સિવાય તમારી પાસે બીજો કોઇ વિકલ્પ જ નથી.
* હું ૨૮ વર્ષનો છું. એક મહિનામાં મારા લગ્ન છે. મારી વાગ્દત્તાને હું ઘણો પ્રેમ કરું છું. તે પણ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ કોલેજ દરમિયાન હું એક યુવતીના પ્રેમમાં હતો. તે પણ મારી સાથે લગ્ન કરવા માંગે છે. હું બંનેમાંથી કોઇને છોડી શકું તેમ નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવક (સુરેન્દ્ર નગર)
* તમે બીજી યુવતીના પ્રેમમાં હતા તો પછી સગાઇ કેમ કરી? હવે સગાઇ કર્યાં પછી એ યુવતી સાથે લગ્ન કરવાની તમારી નૈતિક ફરજ છે. બંનેમાંથી એકને પસંદ કરવી જ પડશે અને એ નિર્ણય તમારે જ લેવો પડશે. તમારે કારણે કોઇ નિર્દોષ યુવતીનું ભવિષ્ય બગડે નહીં એ વિચાર કરીને જ નિર્ણય લેજો. આ ઉંમરે તમને તમારી જવાબદારીનું ભાન થવું જોઇએ. વેવિશાળ પછી પણ તમે તમારી પ્રેમિકા સાથે સંબંધ ચાલું રાખ્યો એ વાત પણ સારી નથી.
તમારી પ્રેમિકા સાથે લગ્ન કરવા હોત તો તમે બીજી છોકરી સાથે વિવાહ કરત જ નહીં. તમારા લગ્ન છે એ વાત તમારી પ્રેનિકાને ખબર હોવા છતાં પણ તે તમને તેની સાથે લગ્ન કરવા કેમ મજબૂર કરે છે એ સમજ પડતી નથી. વેલ, બંનેમાંથી કોને પસંદ કરવી એ નિર્ણય વ્યક્તિગત છે અને તમારા સિવાય બીજું કોઇ આ નિર્ણય લઇ શકે તેમ નથી. લોકો તમને માર્ગદર્શન અને સલાહ આપી શકે બાકી શું કરવું એ તો તમારે જ નક્કી કરવું પડશે. કારણ કે, આ તમારો અંગત પ્રશ્ન છે.
- નયના