Get The App

સહિયર સમીક્ષા .

Updated: Nov 18th, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મને એક 24 વર્ષના યુવક સાથે પ્રેમ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી એક બીજાના પ્રેમમાં છીએ. મારા પ્રેમીના ઘરવાળા મને ભાગીને લગ્ન કરવાનું કહે છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

* હું ૨૧ વર્ષની છું. મને એક ૨૪ વર્ષના યુવક સાથે પ્રેમ છે. અમે છેલ્લા દોઢ વર્ષથી એક બીજાના પ્રેમમાં છીએ. છ મહિના પછી મારા પ્રેમીનું ભણવાનું પૂરું થશે. તેની લાઈન સારી હોવાથી તેને સારી નોકરી મળશે એવી મને આશા છે. મારા પ્રેમીના ઘરના લોકો  આ સંબંધ માટે રાજી છે પરંતુ અમારી જ્ઞાાતિ અલગ હોવાથી મારા મમ્મી-પપ્પા આ સંબંધ માટે રાજી નથી. મારા પ્રેમીના ઘરવાળાઓ સાથે અમારા પારિવારના સંબંધો હતા. તેમણે મારા વડીલોને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યાં પણ તેઓ રાજી થતા નથી. હવે મારા પ્રેમીના ઘરવાળા મને ભાગીને લગ્ન કરવાનું કહે છે પરંતુ પપ્પાની આબરું જાય એ માટે હું તૈયાર નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી. અમારો પ્રેમ પવિત્ર છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી.

એક યુવતી (વિદ્યાનગર)

* તમારા પ્રેમીને નોકરી ન મળે એ પૂર્વે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લો. તમારા પરિવારના કોઈ વડીલને તમારા મમ્મી-પપ્પાને સમજાવવા કહો. માતા-પિતાની મરજીથી લગ્ન કરો. તમે બંને મક્કમ હશો અને છોકરો બધી રીતે સારો હશે તો આજે નહિં તો કાલે તમારા વડીલો જરૂર તૈયાર થશે. આજકાલ જ્ઞાાતિ ભેદ લુપ્ત થઈ ગયો છે. કોઈ વડીલ મધ્યસ્થી કરશે તો તેઓ જરૂર રાજી થશે. આમ છતાં પણ તેઓ ન માને તો આસપાસની પરિસ્થિતિનો વિચાર કરી વડીલોની સલાહ લઈ તેમજ ભવિષ્યને ધ્યાનમાં રાખી નિર્ણય લેજો. નાદાનીમાં અને લાગણીના વહેણમાં તણાઈ નિર્ણય લેતા નહિં.

* હું ૨૮ વર્ષની પરિણીતા છું. લગ્નને પાંચ વર્ષ થઈ ગયાં છે અને હજી સુધી કોઈ સંતાન નથી. અમારા બંનેનો ઈલાજ ચાલે છે. આમ તો બેમાંથી કોઈનામાં કશી ખામી નથી. ૧૫ વર્ષની ઉંમરે મેં એક વાર ગર્ભપાત કરાવ્યો હતો, શું એ કારણે તો ગર્ભધારણ કરવામાં મુશ્કેલી નથી થઈ રહી ને?

એક મહિલા (મુંબઈ)

* ગર્ભપાતના કારણે પણ ઘણી વાર ગર્ભધારણ કરવામાં મુશ્કલી આવે છે. તમારો ઈલાજ તો ચાલી જ રહ્યો છે. જો થોડા વધારે સમય સુધીમાં તમને બાળક ન થાય, તો તમે કોઈ બાળકને દત્તક લઈ શકો છો.

* હું ૨૨ વર્ષની અવિવાહિતા છું. મારી સગાઈ થઈ ગઈ છે, પરંતુ લગ્ન માટે મનમાં કોઈપણ પ્રકારનો ઉત્સાહ નથી, કેમકે હાલમાં હું એક માનસિક મૂંઝવણથી ઘેરાયેલી છું. થોડાં સમયથી મારો મારી બહેનપણી સાથે જાતીય સંબંધ છે. અમે બંને લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ હું ઘરના લોકોને મારી એ ઈચ્છા કહી ન શકી. મારી બહેનપણી, જે.સી.એ. કરી રહી છે, તે હવે કહે છે કે જો હું કોઈ છોકરા સાથે લગ્ન કરીશ, તો તે આત્મહત્યા કરી નાખશે અથવા આજીવન કુંવારી રહેશે. હું બહુ દ્વિધામાં છું. હું નથી ઈચ્છતી કે મારે લીધે કોઈનું જીવન બરબાદ થાય. એ ઉપરાંત હું મારાં મા-બાપને પણ નિરાશ કરવા નથી માગતી. શું કરું?

એક યુવતી (અમદાવાદ)

* તમારે અને તમારી બહેનપણીએ સત્ય સ્વીકારવું જ જોઈએ. એ યુવતી સાથે લગ્નની વાત વિચારવી જ ન જોઈએ. તમે તમારાં મા-બાપે નક્કી કરેલા ઠેકાણે લગ્ન કરી લો અને તમારી બહેનપણીને પણ સમજાવો. વહેલી મોડી તે વાસ્તવિક્તા સ્વીકારી લેશે.

* હું બી.એ. પાસ યુવતી છું. મારી સગાઈ એક એન્જિનિયર સાથે થઈ છે. સગાઈ પછી થોડાં દિવસમાં મારા ભાવી પતિની બીજા શહેરમાં ટ્રાન્સફર થઈ ગઈ. ત્યાં તેમના જીવનમાં એક છોકરી આવી. હવે તેઓ મારી સાથેનો સંબંધ પણ રાખવા નથી માગતાં. અમારી સગાઈ અમારા બંનેની મરજીથી જ થઈ હતી. પેલી છોકરીનાં ઘરનાંને ખબર પડી ગઈ કે છોકરાની સગાઈ થયેલી છે તેથી તે લોકો પણ પોતાની દીકરીના સંબંધ માટે ક્યારેય તૈયાર નહીં થાય. આથી છોકરીનું તેમની સાથે હળવા-મળવાનું બંધ કરાવી દીધું છે. હવે વરપક્ષવાળા લગ્ન કરવાની ઉતાવળ કરી રહ્યા છે, પરંતુ હું દ્વિધામાં છું કે તેમની સાથે લગ્ન કરું કે નહીં. કદાચ લગ્ન પછી પણ મારા પતિ તે છોકરીને ન ભૂલી શક્યા અથવા મારી સાથે તેમનું મન ન મળ્યું, તો અમારું લગ્નજીવન બરબાદ થઈ જશે. મને યોગ્ય માર્ગદર્શન આપશો.

એક યુવતી (વલસાડ)

* તમારી શંકામાં વજૂદ છે, માટે લગ્ન પહેલાં તમારા ભાવી પતિને મળીને ચોખ્ખેચોખ્ખી વાત કરી લો. જો તે સ્વેચ્છાથી લગ્ન કરવા તૈયાર હોય તો જ લગ્ન કરો, દબાણને વશ થઈને નહીં. 

- નયના


Google NewsGoogle News