સહિયર સમીક્ષા .
- મારા પતિ રંગીન મિજાજના છે. કોઇ પણ છોકરીને જોઇને, પછી તે તેમની ઓફિસમાં સાથે કામ કરતી હોય કે પછી ઘરની કામવાળી બાઇ હોય પણ પ્રેમનો ઢોંગ કરવાનું નથી ચૂકતાં.
* હું ૧૮ વર્ષની પરિણીતા છું. મારાં માતાપિતાની મરજીથી મારાં લગ્ન નાની વયે થયાં પરંતુ મને મારા પતિ બિલકુલ પસંદ નથી. ખરેખર તો લગ્ન પહેલાં, મારા ઘર પાસે જ રહેતા એક યુવકને હું પસંદ કરતી હતી. મારા પિતાજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે ઊતાવળ કરીને મારા અને મારી મોટી બહેનનાં લગ્ન કરી નાખ્યાં. હું પણ મારાં માતાપિતાની આબરુનો વિચાર કરીને ચૂપ જ રહી અને લગ્ન માટે તૈયાર થઇ ગઇ.
મારો એ મિત્ર હજુ પણ મને પ્રેમ કરે છે. અને હું કોઇ પણ રીતે તેને ભૂલી શક્તી નથી તો મારે શું કરવું?
એક યુવતી (વલસાડ)
* તમે તમારા પતિની તુલના તમારા મિત્ર સાથે કરો છો તેથી તમે તમારા પતિ સાથે મનમેળ સાધી શકતાં નથી. પિતાની આબરુને ધ્યાનમાં રાખી તેમની મરજી મુજબ તમે ચૂપચાપ લગ્ન કરી લીધાં અને હવે તમારી પસંદગીને કોઇ અવકાશ જ નથી. ત્યારે તમે ભૂતકાળની જૂની વાતો ઉખેળી તમારાં દામ્પત્ય જીવનમાં ખોટી મુશ્કેલી ઊભી કરી રહ્યાં છો.
પતિ કોઇ ચીજવસ્તુ તો નથી કે જેની બીજા સાથે સરખામણી કરી શકાય. તે તો તમારો જીવનસાથી છે માટે તેમની બીજા સાથે તુલના કરવાનું બંધ કરી પતિ સાથે મનમેળ સાધવાનો પ્રયત્ન કરો. આ જ વાસ્તવિકતા છે.
* મારા લગ્નને ૩૦ વર્ષ થઇ ગયાં છે. ત્રણ યુવાન બાળકો છે. હું નોકરી કરતી મહિલા છું. છતાં પણ હંમેશા પતિના ત્રાસનો ભોગ બનતી રહી છું. અત્યાર સુધી તો જેમ તેમ કરીને સહન કર્યું, પરંતુ હવે સહન નથી થતું. ડર છે કે પુત્રીનાં લગ્ન પહેલાં કોઇ ખોટું પગલું ન ભરી બેસું.
પતિ રંગીન મિજાજના છે. કોઇ પણ છોકરીને જોઇને, પછી તે તેમની ઓફિસમાં સાથે કામ કરતી હોય કે પછી ઘરની કામવાળી બાઇ હોય પણ પ્રેમનો ઢોંગ કરવાનું નથી ચૂકતાં. હૂં ના પાડું છું. તો સંબંધ તોડી નાખવાની ધમકી આપે છે. સમાજમાં બદનામી થવાના ડરથી હું અત્યાર સુધી સમાધાન કરતી રહી છું. કોઇ ઉપાય જણાવો જેથી પરિસ્થિતિ સુધરે.
એક યુવતી (રાજકોટ)
* લાંબો સમય પતિ સાથે રહેવાં છતાં તમે તાલમેળ નથી બેસાડી શક્યાં. તેની પાછળ કોઇ ખાસ કારણ હશે તેમ લાગે છે. કદાચ તમે ખૂબ શંકાશીલ સ્વભાવના હશો અને પતિ પર ચોકી પહેરો રાખતા હશો.
આ જ વાત તેમને પસંદ નહીં હોય અને ઝઘડાનું કારણ પણ આ જ છે. જુવાનીની વાત છોડો હવે તો તમારા પતિ પ્રૌઢ વયના છે. યુવતીઓ એક આધેડ વ્યક્તિ તરફ શા માટે આકર્ષાય? તેથી તમે તેમના પર શક કરવાનું છોડી દો અને તમારા વર્તનનુ પૃથક્કરણ કરી તમારી ખામી દૂર કરવાનો પ્રયત્ન કરો. તમારા ઘરનું વાતાવરણ જરૂર બદલાશે. કોઇ ખોટું પગલું ભરવાની વાત ન વિચારો. આ સમય તમારાં સંતાનોને દિશા બતાવવાનો છે નહીં કે દિશાહીન બનવાનો.
* હું ૨૨ વર્ષની અપરિણીત યુવતી છું. છેલ્લાં ત્રણ વર્ષથી મારા જીજાજી સાથે મારે અનૈતિક સંબંધ છે. ના પાડવાથી તેઓ જીવ આપી દેવાની ધમકી આપે છે. તેથી હું ડરી જાઉં છું અને મારે લાચાર બની તેમની વાત માનવી પડે છે.
હવે મારા લગ્નની વાત ચાલી રહી છે તેથી હું ખૂબ ટેન્શનમાં છું. જો પતિને લગ્ન પહેલાંનાં સંબંધની ખબર પડી જશે તો હું ક્યાંયની નહીં રહું. થાય છે કે આત્મહત્યા કરી લઉં, પરંતુ મારે કારણે મારા કુટુંબની ઘણી બદનામી થશે એ ખ્યાલથી આત્મહત્યાનો વિચાર માંડી વાળું છું. આનો કોઇ ઉપાય જણાવશો.
એક બહેન (વેરાવળ)
* જો તમારી સંમતિ ન હોય તો તમારા જીજાજી કંઇ જબરજસ્તી કરીને સંબંધ ન બાંધી શકે. લગ્ન પહેલાંના અનૈતિક સંબંધો ભવિષ્યમાં ખતરો ઊભો કરે છે. લગ્ન પહેલાંનો આ પ્રકારનો સંબંધ અનૈતિક માનવામાં આવે છે. જેનો સમાજ ક્યારેય સ્વીકાર નથી કરતો. તમે તમારા જીજાજીની વાતોને માનશો નહીં અને તેમને સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દો. જીવ આપવાની ધમકી ફક્ત બહાનું છે. તેઓ એવું ક્યારેય નહીં કરે. તમે આ ઘટનાને બાળપણમાં થયેલી ભૂલ સમજીને ભૂલી જાવ.
- નયના