સહિયર સમીક્ષા .
- મારી જ ઉંમરના એક યુવક સાથે મને પ્રેમ છે. અમે લગ્ન કરવા માગીએ છીએ પણ અમારી જ્ઞાાતિ અલગ-અલગ હોવાથી મારા મમ્મી-પપ્પા આ લગ્નને મંજૂરી આપે એમ નથી.
* હું ૨૫ વર્ષનો પરિણિત યુવક છું. મારા લગ્ન થયે એક વર્ષ થયું છે. મારી પત્નીને હવે સંતાન જોઇએ છે. આ માટે મારે શું કરવું જોઇએ? યોગ્ય ઉપાય બતાડવા વિનંતી.
એક યુવક (અમદાવાદ)
* તમારી પત્નીને સંતાન જોઇએ એટલે બીજે જ દિવસે તેને ગર્ભ રહે એ શક્ય નથી. તમે ગર્ભ નિરોધક સાધન વાપરતા હો તો બંધ કરો. હજુ તમારી ઉંમર નાની છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી. સંભોગ દરમિયાન તમે કોઇ ચીકણો પદાર્થ જેમ કે તેલ કે જેલી વાપરતા હો તો એ બંધ કરો. ગર્ભ ધારણ કરવા માટેનો શ્રેષ્ઠ સમય સ્ત્રી બીજાશયમાંથી ઇંડું બહાર આવે ત્યારનો છે. એ સમયમાં ૨૪ કે ૪૮ કલાકમાં શુક્રજંતુનું મિલન થાય તો ગર્ભ રહેવાની શક્યતા છે. આ માટે સોનોગ્રાફી મદદરૂપ થઇ શકે છે. માસિક પછી એક અઠવાડિયા પછી બીજા અને ત્રીજા અઠવાડિયામાં સંબંધ બાંધવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા છે. સમાગમ પછી તમારી પત્નીને અડધા કલાક સુધી તેના ઘૂંટણ છાતી પાસે લાવીને સૂવાનું કહો. આ આસનથી પણ ગર્ભ રહેવાની શક્યતા છે. આ છતા પણ ગર્ભ ન રહે તો ડૉકટરની સલાહ લો.
* હું ૩૦ વર્ષનો છું. ત્રણ મહિના પૂર્વે મારા લગ્ન થયા છે. અમારે હમણા સંતાન જોઇતું નથી. અને ગર્ભ નિરોધ સાધન વાપરતા નથી. શું સંભોગ દરમિયાન વીર્ય બહાર કાઢી નાખવામાં આવે તો ગર્ભ રહેવાની શક્યતા ખરી?
એક યુવક (અમદાવાદ)
* યોનિની આસપાસ વીર્ય કાઢવામાં આવે તો શુક્રાણુ યોનિમાં દાખલ થવાની શક્યતા છે. આ પધ્ધતિ સંપૂર્ણ સલામત નથી. કોન્ડોમ વાપરવું ન હોય તો તમે તમારા ડૉક્ટરની સલાહ લઇ બીજી કોઇ ગર્ભ નિરોધક પધ્ધતિનો વપરાશ કરી શકો છો. ગર્ભ નિરોધક સાધન વાપર્યાં પછી તમે સલામત અને ટેન્શન વગર સેક્સ માણી શકશો.
* હું ૩૦ વર્ષનો પરિણિત પુરુષ છું. મારે બે સંતાન છે. મારે એક સ્ત્રી સાથે સંબંધ છે. તે પણ પરિણિત અને બે સંતાનની માતા છે. અમારી વચ્ચે શારીરિક સંબંધ છે. અમે બંને એકબીજાને અમારા જીવનસાથી કરતા વધુ પ્રેમ કરીએ છીએ. અમારે શું કરવું જોઇએ એની સલાહ આપવા વિનંતી.
એક પુરુષ (અમદાવાદ)
* તમારે આ સ્ત્રી સાથે સંબંધ ચાલું રાખવો કે નહીં એ તમારે જ નક્કી કરવાનું છે. તમે છૂટાછેડા લેવા માગતા હો તો આની અસર તમારા બંનેના સંતાનોના ભવિષ્ય પર કેવી થશે એનો વિચાર કરજો. તેમજ આ કારણે તમારા બંનેના નિર્દોષ જીવનસાથીનું જીવન પણ બરબાદ થવાની શક્યતા છે. તમારા સાથીનો વિશ્વાસઘાત કરી ડંખતા દિલે જીવવાને બદલે કેટલીક વાર લગ્ન કે સંબંધનો અંત આણવામાં જ સૌની ભલાઇ છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે ડુંગર દૂરથી જ રળિયામણા લાગે છે. એકસાથે રહેવાથી વાસ્તવિકતાનો ખ્યાલ આવતા સંબંધમાં કટુતા ભળવાની શક્યતા છે. આથી જે નિર્ણય લો તે સમજી-વિચારીને ભવિષ્યનો વિચાર કરીને જ લેજો.
* હું ૨૧ વર્ષની છું. મારી જ ઉંમરના એક યુવક સાથે મને પ્રેમ છે. અમે લગ્ન કરવા માગીએ છીએ પણ અમારી જ્ઞાાતિ અલગ-અલગ હોવાથી મારા મમ્મી-પપ્પા આ લગ્નને મંજૂરી આપે એમ નથી. અમે રજીસ્ટર લગ્ન કરવાનો વિચાર કર્યો છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (વડોદરા)
* લગ્ન માટે તમારી ઉંમર નાની છે. લગ્ન કરતા પૂર્વે વાસ્તવિકતાનો વિચાર કરજો. આ ઉંમરે લાગણીઓના બંધનમાં તણાઇ જવાય છે. જ્ઞાાતિના બંધન આ જમાનામાં વાહિયાત છે. એને ફગાવી દેવાની જરૂર છે. પરંતુ અલગ અલગ જ્ઞાાતિના રિવાજો અલગ હોય છે.
આથી તમે તમારા પ્રેમીની જ્ઞાાતિના રિવાજોને અનૂકુળ થઇ શકશો? લગ્ન પછી તમારા પિયરના રિવાજો પ્રમાણે જ થવું જોઇએ એવો આગ્રહ રાખવો નકામો છે. ઉદાહરણ સ્વરૂપે કોઇ એક શાકાહારી હોય અને બીજો બિન શાકાહારી હોય તો શું તમે એકબીજાને અનૂકુળ થઇ શકશો? આ બાબતે પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ નકામો છે. છોકરી શાકાહારી હોય તો તે તેના સાસરે જઇ તેમને બિન શાકાહારી વાનગી ખાતા બંધ કરવાની જીદ પકડે તો ઘરમાં ઝગડા થવાની શક્યતા છે. આ ઉપરાંત લગ્ન વડીલોના આશીર્વાદ સાથે થાય એ યોગ્ય છે. આથી જે નિર્ણય કરો તે સમજી-વિચારીને લાગણીના પ્રવાહમાં તણાવા વગર વાસ્તવિકતાનો વિચાર કરીને જ કરજો જેથી ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે નહીં.
- નયના