સહિયર સમીક્ષા .
- મારી પત્ની હોવા છતાં પણ એક પરણેલી સ્ત્રી સાથે મને મૈત્રી સંબંધ છે. મારી પત્ની ગામડિયણ અને અભણ છે. મૈત્રીમાંથી શું પ્રેમસંબંધ થઈ શકે છે?
મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું પરિણિતા છું. મારી પત્નીને કમરના અને નાભિની નીચેના ભાગમાં દાઝ્યાના ડાઘ પડી ગયા છે. તો તે દૂર કરવા માટે યોગ્ય સલાહ આપવા વિનંતી.
રાજેશ પટેલ (મહેસાણા)
* દાઝ્યાના ડાઘ મલમ લગાડવાથી ખાસ કરીને વિટામિન ઈ યુક્ત મલમ લગાડવાથી દૂર થઈ શકે છે. પરંતુ આ માટેનો ઉપચાર કોઈ ત્વચા રોગ નિષ્ણાતની સલાહ પછી જ કરવો.
મારી ઉંમર ૨૪ વર્ષની છે. વિદેશથી આવેલા યુવક સાથે દસ દિવસની અંદર જ મારા લગ્ન થયા હતા. લગ્ન પછી ત્રણ મહિના સાથે રહ્યા પછી મારો પતિ દુબઈ જતો રહ્યો હતો અને હું ગર્ભવતી બની. ત્યાર પછી મને સાસરામાં પણ ત્રાસ આપવા લાગ્યા. હું આ ત્રાસથી બચવા પિયર જતી રહી. ત્યાં મે એક પુત્રને જન્મ આપ્યો. પતિ થોડા સમય પછી ભારત આવ્યા. પરંતુ મારી પરિસ્થિતિ સુધરવાને બદલે વધુને વધુ બગડતી ગઈ. મારા પતિ પણ મને ત્રાસ આપવા લાગ્યો. મારી પાસેથી મારા પુત્રને ખૂંચવી લેવાની ધમકી આપવા લાગ્યો. આ ઉપરાંત અન્ય સ્ત્રીઓ સાથે પણ તેના સંબંધો હોવાની મને શંકા છે. તેણે માત્ર બાળક માટે મારી સાથે લગ્ન કર્યા હતા. હવે તેમને એની પત્ની તરીકે રાખવા તૈયાર નથી. છેવટે મારું બાળક લઈ મને તરછોડી મૂકી. અત્યારે કોર્ટમાં કેસ ચાલે છે. મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી.
એક બહેન (રાજકોટ)
* તમારે પુન:લગ્ન ન કરવા હોય તો તમે તમારા બાળકની કસ્ટડી માગી શકો છો. આ અંગે કોઈ નિષ્ણાત વકીલની સલાહ લઈ આગળ વધો અને તમારે પુન:લગ્ન કરવા હોય અને તમને વિશ્વાસ હોય કે તમારા પુત્રની તમારા પતિ સારી દરકાર કરશે તો બહેતર છે કે તમારે પુત્ર તમારા પતિની કસ્ટડીમાં રહે. કારણ કે તમારા પ્રથમ લગ્નનું બાળક હોવાથી ભવિષ્યમાં કદાચ મુશ્કેલી થઈ શકે છે. અને બીજી સલાહ એ આપવાની કે બીજા લગ્ન કરવાનો નિર્ણય લો તો તમારા પ્રથમ લગ્નની તેમ જ બાળક હોવાની વાત તમારા ભાવિ પતિને અગાઉ જ કરી લેવી.
હું ૧૮ વર્ષનો કોલેજમાં ભણતો વિદ્યાર્થી છું. લગભગ ચાર વર્ષથી હું એક યુવતીના પ્રેમમાં છું. પરંતુ તે મને પ્રેમ કરે છે કે નહીં તેની મને ખબર નથી. હું તેને મારા પ્રેમ બદલ કંઈ કહી પણ શકતો નથી. એ ના પાડશે અથવા તો તેના ભાઈને ફરિયાદ કરશે એવો મને ડર સતાવે છે. પરંતુ હું તેના વિના જીવી શકું તેમ નથી. મને યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
હેમંત ફતેપૂરા (અમદાવાદ)
* અત્યારે તમારી ઉંમર અભ્યાસ કરવાની છે એટલે ભણીગણીને સારી કારકિર્દી બનાવવા પર ધ્યાન આપો તો બહેતર છે. બીજુ એ યુવતી તમને પ્રેમ કરે છે કે નહીં એ તમને ખબર નથી. અને તેને પૂછતા ડર લાગે છે. આમ દૂધ અને દહીં બંનેમાં પગ રાખવાની તમારી ઈચ્છા ઠીક નથી. બાકી કોઈ કોઈના વગર જીવી શકતું નથી. એ વાત વાહિયાત છે. આ ઉંમરમાં ક્ષણિક આવેગને પ્રેમનું નામ આપી દેતા વાર લાગતી નથી. આવેગનો ઉભરો શાંત થઈ જતાં આ પ્રેમ ક્યાં ઓગળી જાય છે તે ખબર પડતી નથી અને તમને એમ જ લાગતું હોય કે તમે તેને ઘણો પ્રેમ કરો છો અને એના વિના જીવી શકો તેમ નથી. તો હિંમત કરીએને પૂછી લો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને પ્યાર કરવો હોય તો માર ખાવાની તેમજ ઈન્કાર સાંભળવાની પણ તૈયારી રાખ્યે જ છૂટકો.
મારી ઉંમર ૨૫ વર્ષની છે. હું સેલ્સમેન છું. મારી પત્ની હોવા છતાં પણ એક પરણેલી સ્ત્રી સાથે મને મૈત્રી સંબંધ છે. મારી પત્ની ગામડિયણ અને અભણ છે. મૈત્રીમાંથી શું પ્રેમસંબંધ થઈ શકે છે? મારી મિત્ર તેના પતિને છોડવા તૈયાર નથી તેમજ તે મૈત્રીથી આગળ વધવા પણ તૈયાર નથી. શું ભવિષ્યમાં તે મારી સાથે શરીર સંબંધ બાંધશે? અમારી મૈત્રીને ત્રણ વરસ થયા છે પરંતુ અમે મર્યાદા ઓળંગી નથી. શું આવા સંબંધો ચાલુ રાખવા કે બંધ કરી દેવા?
મહેશ શાહ (વડોદરા)
* નિર્મળ મૈત્રીને કલુષિત કરવાનો વિચાર ત્યાગી દો. પરિણીત સ્ત્રી સાથે સંબંધ બાંધી તમે એક નહીં ચાર જિંદગીઓ અને બાળકો હોય તો તેમની જિંદગી બરબાદ કરી રહ્યા છે. તમારી પત્ની અભણ અને ગામડિયણ છે તો તેને ભણાવવાનો પ્રયત્ન કરો. તેને સમજાવવાનો પ્રયત્ન કરો. લગ્ન કરતા પૂર્વે આ બધી વાતો તમે શા માટે ધ્યાનમાં ન લીધી? હવે પસ્તાઈને ફાયદો શો છે? મારી સલાહ છે કે તમારી પત્નીને તમારા અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરો. તેને કોઈ ક્લાસમાં પ્રવેશ અપાવો. ધીરે ધીરે તેને સુધારો. અને તમારી મિત્રને ભૂલી જાવ. એની જિંદગીમાંથી ખસી જાવ. પરંતુ મનમાંથી સેક્સના વિચાર કાઢી નિર્મળ મૈત્રી બાંધવાની ઈચ્છા હોય તો તેને તમારી પત્ની અને તેના પતિની હાજરીમાં મળો. એકાંતમાં મળવાનો મોહ ટાળો. પરંતુ મારી સલાહ તો એને ભૂલી જઈ તમારી પત્ની સાથે નવેસરથી જીવન શરૂ કરવાની છે.
-નયના