સહિયર સમીક્ષા .
- હું આઈબ્રોને થ્રોડિંગથી ઘાટ આપું છું, પણ બે-ત્રણ દિવસમાં જ આઈબ્રોની નીચેની ત્વચા પર લીલાશ દેખાય છે. આ માટે શું કરવું જોઈએ?
* થોડા સમય પહેલાં મેં એક દીકરીને જન્મ આપ્યો છે. બાળકને કઈ રસી ક્યારે આપવી જરૂરી છે. જેનાથી એ જીવલેણ રોગથી બચી શકે? તે માટે કોઈ દવા આપવાની હોય છે? આ રસી અને દવાઓ ક્યાંથી લેવી યોગ્ય ગણાય?
એક મહિલા (રાજકોટ)
* તમે નજીકની કોઈ મોટી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં જઈને જાણી લો કે ત્યાં અઠવાડિયામાં ક્યાં દિવસે બાળકોને રોગ પ્રતિકારક રસી આપવામાં આવે છે. તે પછી જરૂર પ્રમાણે યોગ્ય વયે દીકરીને ત્યાં રસી પિવડાવવા લઈ જાવ. એજ તમારી દીકરી માટે હિતાવહ છે.
સરકારી હોસ્પિટલમાં મોટાભાગે ટી.બી., ડિપ્થેરીયા, ઊટાંટિયું, ધનુર અને બાળલકવા પ્રતિકારક રસી આપવાની વ્યવસ્થા હોય છે. બાળકને ટી.બી.નો ચેપ ન લાગે તે માટે તેને પ્રથમ ત્રણ માસમાં બી.સી.જી.ની રસી એક જ વાર આપવામાં આવે છે. ડિપ્થેરીયા, ઉટાંટિયું અને ધનુરથી બચવા માટે બાળક દોઢ મહિનાનું થાય ત્યારથી તેને ત્રિગુણી રસી આપવાનું શરૂ કરાય છે. તે મહિના કે બે મહિનાના અંતરે ત્રણ વાર અપાય છે. બાળક ૧ ૧/૨ વર્ષનું થાય ત્યારે ફરી આનો બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે.
બાળલકવા વિરોધી રસીનાં ટીપાં બાળકને પિવડાવવામાં આવે છે. ઓપીવીનો આ ડોઝ બાળકોને મહિના-બે મહિનાના અંતરે ૩ થી ૫ વાર અપાય છે અને બાળક ૧ ૧/૨ વર્ષનું થાય ત્યારે તેનો બૂસ્ટર ડોઝ અપાય છે.
આ સિવાય ૯ થી ૧૨ મહિનાના બાળકને ઓરી-અછબડા વિરોધી રસી અને સવાથી દોઢ વર્ષમાં બાળકને ઓરી-અછબડા અને ગાલપચોળા સામે રક્ષણ આપતી એમએમઆર રસી પણ અપાવી દેવી જોઈએ.
આ તમામ રસીઓ બાળકને ગંભીર જીવલેણ રોગોથી બચાવવામાં મદદ કરે છે. દવાઓ વિશે તો બાળકને કોઈપણ દવા આપવામાં ન આવે, તે હિતાવહ છે. હા, તે માંદુ પડે ત્યારે બાળરોગ નિષ્ણાતની સલાહ પ્રમાણે જ એને દવા આપવી જોઈએ. પહેલાં ૩-૪ મહિના સુધી બાળકને સ્તનપાન કરાવવામાં આવે, તો તે વધુ સ્વસ્થ રહે છે. પાઉડરનું, ગાય કે ભેંસનું દૂધ સ્વસ્થ રહે છે. પાઉડરનું, ગાય કે ભેંસનું દૂધ બાળક માટે હાનિકારક નીવડી શકે છે, કેમકે તેનાથી ચેપી રોગ ઉત્પન્ન કરતાં જીવાણું શરીરમાં પહોંચી શકે છે.
* મારી ઉંમર ૧૬ વર્ષ છે. મને દસ વીસ દિવસે જ માસિક આવવા લાગે છે. છેલ્લાં એક વર્ષથી આ તકલીફ રહે છે. મેં મારા મમ્મીને આ વિશે ઘણીવાર કહ્યું હોવા છતાં એ મારી દવા કરાવતાં નથી. તમે જ કોઈ ઉપચાર બતાવો.
એક યુવતી (મુંબઈ)
* યુવાનીની શરૂઆતમાં ૨૮ને બદલે તેથી ઓછા દિવસે માસિક આવે, તે સામાન્ય બાબત છે. તમે નાહકનાં ચિંતા કરો છો. ધીમે ધીમે દિવસોનું અંતર વધતું જશે.
હા, આ દરમિયાન એટલું જરૂર ધ્યાન રાખો કે તમારા શરીરમાં લોહીની ઉણપ ન વરતાય. લીલાં શાકભાજી, કઠોળ, દૂધ, ગોળ અને પૌષ્ટિક ગુણ ધરાવતી અન્ય વસ્તુઓ વધારે પ્રમાણમાં ખાવ-પીવો. જો જરૂર જણાય તો ફેમિલી અને ફિફોલ, હિમેટિનિક વગેરે જેવી વિટામિન યુક્ત કેપ્સ્યૂલ થોડા દિવસ સુધી લો.
* મારા હાથ પર ખૂબ જ રૃંવાટી છે. તે દૂર કરવા કયો ઉપચાર શ્રેષ્ઠ છે? તે રેઝરથી દૂર કરી શકાય?
એક યુવક (અમદાવાદ)
* હાથ પરની રૃંવાટી દૂર કરવા વેક્સિંગ જ સૌથી સારો ઉપાય છે. તેનાથી અણગમતા વાળની સાથોસાથ મૃત ત્વચા પણ નીકળી જવાથી હાથ સાફ લાગે છે. વેક્સિંગ કર્યા પછી રૃંવાટીની વૃધ્ધિ પ્રમાણે અઠવાડિયા, દસ દિવસ કે પંદર દિવસ સુધી વાળ ઉગતા નથી. રેઝરથી ત્વચાની ઉપરની રૃંવાટી દૂર થવાથી કાળાં ટપકાં સ્પષ્ટ દેખાય છે. રેઝરથી ત્વચા પણ થોડી કડક બની જાય છે. વળી, રેઝરથી દૂર કરેલા વાળ બીજા જ દિવસથી ફરી ઉગવા લાગે છે. સામાન્ય રીતે પુરુષ રૃંવાટીની બહુ ચિંતા કરતો નથી. પરંતુ યુવતીએ રૃંવાટીની સમસ્યા માટે સાવચેત રહેવું જોઈએ.
* મારી ઉંમર ૩૨ વર્ષ છે. મારા ચહેરાના પ્રમાણમાં કાન મોટા છે અને તેમના પર ઉગેલા કાળા વાળ ખરાબ લાગે છે. કોઈ ઉપાય બતાવશો?
એક પુરુષ (જામનગર)
* તમારી સમસ્યાનો સર્વશ્રેષ્ઠ ઉપાય બ્લીચ છે. જો આ વાળને થોડા થોડા સમયે સાવધાનીપૂર્વક સહેજ બ્લીચ કરી દેવાય, તો તે ખરાબ નહીં દેખાય. તદુપરાંત, તમારા વાળને એવી રીતે સેટ કરાવો કે કાન આપોઆપ ઢંકાઈ જાય. મોટા કાન દેખાઈ નહીં આવે અને વણજોઈતા વાળ પણ નહીં દેખાય. કોઈ નિપુણ હેરસ્ટાઈલ નિષ્ણાતની સલાહ લઈ તમારા ચહેરા અને ઉંચાઈને અનુરૂપ આધુનિક ફેશનને ધ્યાનમાં રાખીને પણ વાળ કપાવી શકાય.
- નયના