સહિયર સમીક્ષા .
- એક વ્યક્તિ સાથે મને પ્રેમ થઇ ગયો. એક દિવસ અમે હૉટેલમાં ગયા હતા. જો કે તે દિવસે અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયો નહોતો. મારા પતિને આ વાત ખબર પડી જતા અમારી વચ્ચે ઝગડો થયો હતો.
* હું ૨૫ વર્ષની છું. મારી સગાઇ થઇ ગઇ છે. એક મહિના પછી મારા લગ્ન છે. મારા સ્તન અવિક્સિત હોવાથી મને ચિંતા થાય છે. વિદ્યાનગરમાં કોઇ સારા ડૉક્ટર હોય તો તેમનું સરનામું આપવા વિનંતી.
એક યુવતી (વિદ્યાનગર)
* પ્રખ્યાત સેક્સોલોજીસ્ટોના જણાવ્યા મુજબ નાના સ્તનમાં સંવેદનના નર્વ્સ વધુ ફેલાયેલા હોવાથી ઉત્તેજના વધુ થાય છે. વધુ હોય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. આ કારણે તમારા લગ્ન જીવનમાં કોઇ સમસ્યા આવે તેમ નથી. અને સ્તન વધારવા માટે કોઇ દવા પણ કારગત નીવડતી નથી. ઉપરાંત અહીં બેઠા-બેઠા તમને વિદ્યાનગરના ડૉક્ટરનું સરનામું આપી શકાય તેમ નથી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી.
* હું ૨૬ વર્ષનો છું. મારા લગ્ન થઇ ગયા છે. હું પત્ની સાથે રોજ શારીરિક સંબંધ રાખું છું. આમ છતા મારી પત્નીને ગર્ભ રહેતો નથી. યોગ્ય માર્ગદર્શન આપશો. અમારે ડૉક્ટરની સલાહ જોઇતી નથી.
એક યુવક (સુરત)
* તમારા લગ્ન થયે કેટલા વર્ષ થયા છે એ તમે જણાવ્યું નથી. રોજ સમાગમ કરવાથી ગર્ભ રહે જ છે એમ ખાતરીપૂર્વક કહી શકાતું નથી. ગર્ભ રહેવા માટે સ્ત્રીબીજ અને શુક્રાણુનું મિલન થવું જરૂરી છે. ડૉક્ટરની સલાહ લેવી નથી એવી જીદ કરવી યોગ્ય નથી. તમને સંતાનની ઇચ્છા હોય તો તમારે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ લેવી જ પડશે. ગર્ભ ક્યારે રહે એ ચોક્કસપણે કહી શકાય તેમ નથી. સમાગમ પછી તમારી પત્નીને અડધો કલાક ઘૂંટણ છાતી પાસે લાવીને સુવાનું કહો. જો કે આ ઉપાય પણ કારગત નીવડશે એમ કહી શકાય નહીં. પરંતુ આ માટે ડૉક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
* હું એક બ્રાહ્મણ યુવતી છું. મારા સાસરિયા પણ બ્રાહ્મણ છે. મારે ૧૧ મહિનાની પુત્રી છે. પરંતુ મારા સાસરિયાના ત્રાસને કારણે હમણા હું મારી પુત્રી સાથે મારે પિયર રહું છું. મને મારા ધણીનું પણ સુખ નથી. હું નોકરી કરું છું. મારે કાનુની સલાહની જરૂર છે.
એક બહેન (રાજકોટ)
* તમે નોકરી કરો છો. અને પગભર છો. તમે તમારું અને તમારી પુત્રીનું ભરણપોષણ કરવા સમર્થ છો. અને કાનુની સલાહ માટે તમારે કોઇ વકીલનો સંપર્ક કરવો જ પડશે અને તમારી પુત્રી નાની હોવાથી કાનુન તમને જ તેની સોંપણી કરે એવી શક્યતા છે. તમારા પરિવારના વડીલો અને કોઇ કાનુની નિષ્ણાતની સલાહ લઇને પગલા ભરો. પિતાને ત્યાં કાયમ રહેવાનું ન ફાવતું હોય તો તેમની બાજુમાં ઘર લઇ તમે તમારી પુત્રી સાથે રહી શકો છો. જે નિર્ણય લો તે તમારા પરિવારની સલાહ પછી તમારા અને તમારી પુત્રીના ભવિષ્યનો વિચાર કરીને જ લેજો.
* હું ૧૭ વર્ષનો છું. હું એક યુવતીને મારી મિત્ર બનાવવા ઇચ્છુ છું. તે પણ ૧૭ વર્ષની છે. મેં તેની સમક્ષ મૈત્રી બાંધવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ પહેલી વાર તે સોરી કહી આગળ ચાલી ગઇ. બીજી વાર તેની બહેનપણી સાથે હતી. એટલે તે ઊભી રહી નહિં. તે રસ્તામાં મારી સામે આવે છે ત્યાંરે મારી સાથે વાત કરતી નથી. પરંતુ પાછું વળી-વળીને જોયા કરે છે. એમ એક જ સમાજના છીએ. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવક (ગુજરાત)
* એ યુવતી કદાચ શરમાતી હશે અને એક વાત સમજી લો કે તેની મરજી વિના તમે તેની સાથે મૈત્રી બાંધી શકો નહીં. તાળી એક હાથથી પડતી નથી. આ માટે બંને હાથની જરૂર પડે છે. અને તમારી ઉંમર પણ ઘણી નાની છે. આ ઉંમરે સામે મળતી વિજાતિય વ્યક્તિના આકર્ષણમાં પડી જવાય છે. મૈત્રી બાંધવા માટે તમને બીજી યુવતીઓ મળી આવશે. પ્રેમના ચક્કરમાં પડયા સિવાય મૈત્રી સંબંધ બાંધવાનું જ રાખો એ યુવતીને તમારામાં રસ હશે તો તે સામે ચાલીને તમારી સાથે વાત કરવા આવશે આથી ફાંફા મારવાનું છોડી તમારા અભ્યાસમાં ધ્યાન આપો એમા તમારી ભલાઇ છે.
* હું ૨૭ વર્ષની પરિણિત સ્ત્રી છું. મારે બે સંતાન છે. મારા પતિનો પોતાનો વ્યવસાય છે. તેમનામાં કોઇ ખામી નથી અને અમે પૈસે-ટકે પણ સુખી છીએ. પરંતુ મારાથી એક ભૂલ થઇ ગઇ છે. એક વ્યક્તિ સાથે મને પ્રેમ થઇ ગયો. એક દિવસ અમે હૉટેલમાં ગયા હતા. જો કે તે દિવસે અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયો નહોતો. મારા પતિને આ વાત ખબર પડી જતા અમારી વચ્ચે ઝગડો થયો હતો. પણ હવે બધુ ઠાળે પડી ગયું છે. આ હૉટેલમાં છૂપા કેમેરા વડે અમારી ફિલ્મ ઉતારવામાં આવી હશે એની ચિંતા મને કોરી ખાય છે. આ ફિલ્મ જાહેર થશે તો હું કોઇને મોં બતાવી શકીશ નહીં. મને મારા સંતાનોની ચિંતા છે. મારા પતિએ મને સમજાવી પણ છે. પરંતુ મારી ચિંતા દૂર થતી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક મહિલા (અમદાવાદ)
* બધી જ હૉટેલમાં આમ થાય છે. એમ માની ન લો. તમને પસ્તાવો થયો છે. એ જ વાત મોટી છે. પસ્તાવો એક એવું પવિત્ર ઝરણું છે જેમાં સ્નાન કર્યા પછી પવિત્ર બની જવાય છે. ભવિષ્યમાં આવી ભૂલ કરતા નહીં. તમારા પતિ સમજદાર છે. તેમણે તમને માફ કરી દીધા છે. આથી ચિંતા છોડી દો. દેવ જેવા પતિનો હવે વિશ્વાસઘાત કરતા નહીં. જીવનસાથીની ભૂલ માફ કરી દે એવા લોકો ખૂબ જ ઓછા હોય છે. ચિંતા છોડી તમારા પરિવાર સાથે સુખી રહો.
- નયના