સહિયર સમીક્ષા .

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારા ઘરની સામે રહેતી એક છોકરીને હું પ્રેમ કરું છું. તે છોકરી પણ મને ઘણો પ્રેમ કરે છે. પણ તે છોકરીનો ભાઇ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. 

* હું ૧૮ વર્ષનો છું. મારા ઘરની સામે રહેતી એક છોકરીને હું પ્રેમ કરું છું. તે છોકરી પણ મને ઘણો પ્રેમ કરે છે. તે છોકરીનો ભાઇ મારો બેસ્ટ ફ્રેન્ડ છે. તેને આ બાબતની ખબર નથી. તે જાણશે તો શું થશે એની મને ચિંતા છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

એક યુવક (સંતરામપુર)

* આ ઉંમર પ્રેમ કરવા માટે ઘણી નાની છે. આ ઉંમરે વિજાતિય આકર્ષણ મહત્વનો ભાગ ભજવે છે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવી જોઇએ. પ્રેમ  અને લગ્ન માટે હજુ ઘણી વાર છે. હમણા એ યુવતી સાથે મૈત્રી સંબંધ રાખો. પ્રેમનું નામ આપો નહીં. ઉંમર વધતા તમારો પ્રેમ ગંભીર બને તો જ લગ્નનો વિચાર કરજો. મને નથી લાગતું કે તમે તેની બહેન સાથે એક મિત્ર તરીકે વાત કરો તો તમારો મિત્ર એનો વાંધો ઉઠાવે.

* હું ૨૦ વર્ષનો છું. હું એક છોકરીને પ્રેમ કરું છું. પરંતુ તેની સાથે નાની-નાની બાબતમાં ઝગડો થયા કરે છે. તેનો સ્વભાવ શાંત અને નિરસ છે. મારી પ્રકૃત્તિ ચંચળ છે. અમે બંને ક્યારે પણ ઝગડો ન કરીએ એવો ઉપાય બતાડશો.

એક યુવક (ભાવનગર)

* ઝઘડો ન થવાનો કોઇ  ઉપાય નથી. આનો આધાર વ્યક્તિગત છે. બંને વચ્ચે મનમેળ હોવો જરૂરી છે. આ ઉપરાંત સમાધાન વૃત્તિ, બાંધછોડ કરવાની તૈયારી રાખવી પડે છે. આ ઉપરાંત એકબીજાના સ્વભાવને અનુકૂળ થવાનો પ્રયાસ કરવો પડે છે તેમજ અહમનો ત્યાગ કરવો પડે છે. અત્યારથી જ તમારી વચ્ચે ઝગડા થતા હોય તો સમજી-વિચારીને આગળ વધજો જેથી ભવિષ્યમાં પસ્તાવાનો વારો આવે નહીં. સ્વભાવમાં મનમેળ ન હોય તો અત્યારથી જ આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવામાં જ તમારા બંનેની ભલાઇ છે. ઝગડો ન થાય એ માટે બંને પક્ષે પ્રયત્ન કરવા પડે છે. 

* હું મારી ફેક્ટરીનો વ્યવસાય સંભાળું છું. પૈસે-ટકે મને કોઇ પ્રોબ્લેમ નથી. હું ૩૧ વર્ષનો  અને પરિણીત છું અને એક પુત્રનો પિતા છું. આ મારા બીજા લગ્ન છે. મારી સમસ્યા એ છે કે હું મારી પ્રથમ પત્નીને ભૂલી શકતો નથી. તેમજ મારી બીજી પત્નીથી હું સુખી નથી.  કેટલીક વાર આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. પરંતુ પરિવારની પ્રતિષ્ઠા અને પુત્રની મમતા મને રોકે છે. મારી સમસ્યા દૂર કરવાનો ઉપાય દર્શાવવા વિનંતી.

એક ભાઇ (સુરત)

* તમે હાથે કરીને દુ:ખી થાવ છો. તમે તમારી પ્રથમ પત્નીને ખરેખર પ્રેમ કરતા હોત તો કોઇ પણ રીતે તેને મનાવીને પાછી લાવ્યા હોત. છૂટાછેડા લેવાનો પ્રશ્ન જ ઊભો થયો નહોત. એ પછી તમે બીજા લગ્ન કર્યા. તમારી મરજીથી કે બીજાની મરજીથી એ પ્રશ્ન ગૌણ છે. લગ્ન કર્યાં એટલે એક પતિ તરીકેની તમારી જવાબદારી  નિભાવવાની તમારી ફરજ છે. તમે તમારી પત્નીને પ્રેમ કરવાનો પ્રયત્ન કરો. પ્રથમ પત્નીને ભૂલી જશો તો આપોઆપ તમારો સંસાર સુધરી જશે. તમારી સમસ્યા માટે તમારા સિવાય બીજું કોઇ જવાબદાર નથી. એ વાત ફરી એકવાર કહું છું. આત્મહત્યા કરવાનું ભૂલી જાવ. પરિસ્થિતિ સાથે સમાધાન સાધી લો. સુખી થવાનો આ જ એક વિકલ્પ છે. ભૂતકાળ યાદ કરી આંસુ સારીને બેસી રહેવાથી કંઇ વળવાનું નથી. જે વસ્તુ તમારી નથી એની પાછળ ભાગવાનું છોડી દો. તમારી  પત્ની અને પુત્ર સાથે ખુશ રહો અને તમારી પ્રથમ પત્નીને પણ  એના સંસારમાં સુખી થવા દો.

* મારી ઉંમર ૫૬ વર્ષની છે. હું વિધવા છું. આજથી પંદર મહિના પૂર્વે મને માસિક આવવાનું બંધ થઇ ગયું છે. માસિક બંધ થયાના એક વર્ષ પછી મારે એક પર પુરુષ સાથે શારીરિક સંબંધ બંધાયો હતો. છેલ્લા ત્રણ માસથી ઉલટી ઉબકા અને ચક્કર આવે છે આછી હું  ગર્ભવતી હોઇશ એવો મને ડર લાગે છે. યોગ્ય ઉપાય બતાડવા વિનંતી.

એક મહિલા (અમદાવાદ)

* માસિક બંધ થયા પછી ગર્ભ રહેવાની શક્યતા નથી. પરંતુ શું તમને  માસિક ખરેખર બંધ થઇ ગયું હતું? મેનોપોઝ દરમિયાન કેટલીક વાર લાંબા સમય સુધી માસિક આવતું નથી. આથી સમય ગુમાવ્યા વિના તરત જ કોઇ ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. તમારે પ્રેગનન્સી ટેસ્ટ કરાવીને ખાતરી કરાવવી પડશે. આ સિવાય બીજો કોઇ ઉપાય જ નથી.

* શું મુખમૈથુનને કારણે પતિ-પત્ની વચ્ચે માનસિક કે શારીરિક આડ અસર થવાની શક્યતા ખરી?

એક યુવક (જામનગર)

* પતિ-પત્ની બંને એકબીજાને વફાદાર હોય અને બંનેને આ માટે વાંધો ન હોય અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે તો આનાથી કોઇ આડઅસર થવાની શક્યતા નથી.

- નયના


Google NewsGoogle News