સહિયર સમીક્ષા .
- મારે આખો દિવસ મેકઅપ સાથે જ રહેવું પડે છે. આને કારણે હું સ્વીમીંગ કરી શકતી નથી કે નથી કોઈ પુરુષ સાથે સહચર્ય માણી શકતી.
* હું એક નોકરીયાત મહિલા છું. અત્યાર સુધી હું મારો પગાર મારા પતિના હાથમાં જ મુકી દેતી હતી. પરંતુ થોડાં મહિના પૂર્વે મને ખબર પડી કે મારા પતિ ફાવે તેમ ધનનો દુર્વ્યય કરે છે અને મને ઘરખર્ચ માટે પણ પૈસા આપતા નથી. આથી મેં મારો પગાર તેમને આપવો બંધ કર્યો. મારા આ પગલાં પછી તેમણે મારી સાથે બોલવા-ચાલવાનો વ્યવહાર બંધ કરી દીધો છે. હવે તો તેમણે નોકરી પર જવાનું પણ બંધ કરી દીધું છે. હવે મારે શું કરવું?
પ્રજ્ઞાા જોશી (અમલસાડ)
* કેટલીક વ્યક્તિઓના ભાગ્યમાં સુખી લગ્નજીવન હોતું નથી. એમાંનું એક દ્રષ્ટાંત તમારું છે. સર્વપ્રથમ તમે આ વાતની ચર્ચા મુક્ત મને તમારા પતિ સાથે કરો કે તેમણે નોકરી ચાલુ રાખવી છે કે નહીં કે તેઓ લગ્નજીવન ટકાવી રાખવા માગે છે કે નહીં. જો તમારા પ્રશ્નોના ઉત્તર નકારમાં મળે તો તમારી પાસે બેજ વિકલ્પ છે. એક તો તમે એમનાથી અલગ થઈ જાવ અને તમારું જીવન તમારી રીતે જીવો અથવા તો પછી તેમના વર્તમાન સામે આંખ આડા કાન કરી તમારું લગ્નજીવન ટકાવી રાખો. તમારી કારકિર્દી પર વિશેષ ધ્યાન આપો. તમને બાળકો હોય તો તેમનો યોગ્ય રીતે ઉછેર થાય એ વાતને મહત્ત્વ આપો.
* મારે આખો દિવસ મેકઅપ સાથે જ રહેવું પડે છે. આને કારણે હું સ્વીમીંગ કરી શકતી નથી કે નથી કોઈ પુરુષ સાથે સહચર્ય માણી શકતી. કારણ કે મને મેકઅપ વગર કોઈ જુએ એ વાત હું સાંખી શકતી નથી. મારા સહકર્મચારીઓ પણ મારી મજાક ઉડાવે છે. શું આ કોઈ પ્રકારની સમસ્યા છે?
અમીતા શાહ (મુંબઈ)
* તમે એમ કહો છો કે તમને કોઈ મેકઅપ વગર જુએ એ પસંદ નથી. પરંતુ હકીકતતો એ છે કે તમે તમારા વાસ્તવિક સ્વરૂપને છુપાવી રાખવા માગો છો. આ એક ગંભીર સમસ્યા છે. તમારી વાસ્તવિકતાને છુપાવી રાખવા તમે સમય, શક્તિ તેમજ પૈસાને વેડફો છો. તમારે કોઈ કુશળ મનોચિકિત્સકની સલાહ લેવાની જરૂર છે.
* થોડા સમય પૂર્વે મેં એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. બીજી બાજુ મારા ભાઈની પત્નીને ગયે વર્ષે કસુવાવડ થઈ હતી ત્યારબાદ તેને ગર્ભ રહ્યો નથી. અમારા કૌટુંબિક મેળાવડા દરમિયાન બધા મારી નીની પુત્રીને રમાડતા હોય છે ત્યારે મારી ભાભી ત્યાંથી ઉઠીને અંદરના રૂમમાં જઈ ચોપડી વાંચ્યા કરે છે. તે મારે સાથે વાતો કરવાનું ટાળે છે તેમજ તેણે મારી પુત્રીને રમાડી પણ નથી. અમારા ભાઈ-બહેનના સંબંધોમાં પણ તે તિરાડ પડાવવા માગે છે. મારે શું કરવું?
મમતા દોશી (નાલાસોપારા)
* યુવાન સ્ત્રીના જીવનમાં કસુવાવડનો પ્રસંગ ખૂબ જ કરૂણ હોય છે. તમારી ભાભી તમને જુએ છે ત્યારે તેને તેનું દુ:ખ યાદ આવી જતું હશે. તમારા કુટુંબીજનો પણ તમારી બેબીને રમાડતા હશે ત્યારે તેને હતાશાની લાગણી જન્મતી હશે. કદાચ લોકોની સામે રડી ન પડાય એ ડરથી તે ઊઠીને બીજા ઓરડામાં જતી રહેતી હશે. તમે કોઈ પરાક્રમ કર્યું હોય તેવો દેખાવ ન કરો. તમે તેની સાથે પ્રસુતિ કે બાળજન્મ સિવાયની ચર્ચા કરવાનો પ્રયત્ન કરો. તેને સ્નેહ અને અનુકંપાની જરૂર છે. આ ઉપરાંત કોઈ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ તેને ગર્ભ રહે એ અંગેના ઉપચાર કરો.
* મેં અને મારી બહેને એકબીજા સાથે બે વર્ષથી વાતો કરી નથી. એક નાની એવી બોલાચાલીને કારણે અમારા સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. હું આવું એટલે તે તરત જ ત્યાંથી ઉઠીને જતી રહે છે અને આખો દિવસ મારી વિરુદ્ધ બોલ્યા કરે છે. મને તેની આ વર્તણુકથી ઘણીવાર ગુસ્સો આવે છે. મારે શું કરવું તેની જ સમજ પડતી નથી.
સરોજ પટેલ (મીરારોડ)
* કોઈપણ વ્યક્તિ બીજી વ્યક્તિનું માનસ બદલી શકતું નથી. તમારી બહેનની આ વર્તણુક સુધારવા તમે કંઈ કરી શકો તેમ નથી. પરંતુ તમે પણ તેની અવગણના કરવી શરૂ કરો. સામેની વ્યક્તિને માનસિક રીતે ખલાસ કરી નાખવા અવગણના કરવા સિવાય શ્રેષ્ઠ વિકલ્પ બીજો કોઈ નથી.
* મારી ઉંમર ૩૦ વર્ષની છે. મારા લગ્નનને સાત વર્ષ થયા છે. મારે ચાર વર્ષનો એક પુત્ર પણ છે. મારા સસરાએ બે લગ્ન કર્યાં છે અને તેઓ તેમની બંને પત્નીઓ સાથે રહે છે. મારી સાવકી સાસુનું વર્તન ખૂબ જ અપમાનજનક છે. હવે મારી સહનશક્તિની હદ આવી ગઈ છે. અમે રહીએ છીએ એ ઘર મારી સાસુનું હોવાથી અમારે ના છૂટકે આ વર્તન સહન કરવું પડે છે. મારે બ્યુટીશીયનનો કોર્સ કરવો છે પરંતુ અમારા ઘરવાળા રૂઢીચુસ્ત હોવાથી આની મંજુરી આપશે કે નહી તેની મને શંકા છે. મારે શું કરવું તે સમજ પડતી નથી.
વર્ષા દરૂ (ઓલપાડ)
* સૌ પ્રથમ તો તમે તમારા પતિને વિશ્વાસમાં લો અને શક્ય હોય તો તમારો અલગ સંસાર વસાવો અથવા તો બ્યુટિશિયનનો કોર્સ શરૂ કરવાની મંજુરી આપવા માટે પતિને મનાવી લો. તમારા મનને ઘરના વાતાવરણથી થોડા સમય માટે મુક્ત રાખવાનાં પ્રયત્ન કરો.
- નયના