સહિયર સમીક્ષા .
- મને એક છોકરા સાથે પ્રેમ હતો. લગ્ન કરવાનું વચન આપી તેણે મારી સાથે શરીરસુખ માણ્યું હતું. આ કારણે મેં એક વાર અબોર્શન પણ કરાવ્યું હતું.
* હું અઠાર વર્ષની છું. હું ઘણી પાતળી છું. મારી છાતીમાં હમેશા દરદ રહેતું હોવાથી મેં ડૉક્ટરને દેખાડયું હતું. એક્સ રે પરથી ખબર પડી હતી કે મારા ફેફસામાં સોજો છે. હવે દુઃખાવો ઓછો છે. પરંતુ ઉધરસ આવવાથી શ્વાસ ફૂલી જાય છે. ભૂખ પણ ઓછી લાગે છે તો મારે શું કરવું?
એક યુવતી (મહેમદાવાદ)
* ભૂખ ઓછી લાગવી, વજન વધવું નહીં. છાતીમાં દુઃખાવો, શ્વાસ ફૂલવો જેવા લક્ષણો ફેફસામાં ટીબી હોવાની શંકા ઉપજાવે તેવા છે. આથી તમારે વધુ તપાસ કરાવવાની જરૂર છે. કોઇ નિષ્ણાત પાસે આની તપાસ કરાવી યોગ્ય ઉપાય કરો.
* હું ૧૮ વરસની છું. છેલ્લા એક વરસથી મને યોનિના બહારના ભાગ પર ખંજવાળ આવે છે. થોડા મહિના પછી મારા લગ્ન છે. આ કારણે મને ચિંતા થાય છે. મારી ચિંતા દૂર કરવાનો માર્ગ દેખાડો.
એક યુવતી (સુરત)
* આ પાછળ ઘણા કારણો ભાગ ભજવે છે. લ્યુકોરિયા, સાબુની એલેર્જી, ટ્રાઇકોમોનસ કે કેન્ડિડાનું ઇન્ફેક્શન ઘણી વાર સાફ-સફાઇ વ્યવસ્થિત કરવામાં આવે નહીં તો પણ આ પ્રોબ્લેમ થાય છે. ચિંતા કરવાની જરૂર નથી. આ ગંભીર સમસ્યા નથી. ડૉક્ટરને દેખાડી યોગ્ય ઇલાજ કરો.
* હું ૧૯ વરસની છું. ૧૪ વરસની હતી ત્યારથી જ માસિકની શરૂઆત થઇ ગઇ હતી. પરંતુ મારું માસિક ઘણું અનિયમિત છે. કોઇ વાર બે-ત્રણ મહિના પછી આવે છે. મારા બધા ટેસ્ટ નોર્મલ છે. લગ્ન પછી આ સમસ્યા સતાવશે એનો ડર લાગે છે.
એક યુવતી (વડોદરા)
* તમારા બધા રિપોર્ટ નોર્મલ આવ્યા છે. આથી ચિંતાનું કોઇ કારણ નથી. અંડકોશમાંથી ઇંડું નહીં નીકળવાને કારણે માસિક અનિયમિત થઇ શકે છે. થોડી રાહ જુઓ. છ મહિના પછી તમારી તકલીફ દૂર થાય નહીં તો કોઇ ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. તેમની સલાહ અનુસાર હાર્મોનલ તેમજ અન્ય જરૂરી ટેસ્ટ કરાવો.
* મને એક છોકરા સાથે પ્રેમ હતો. લગ્ન કરવાનું વચન આપી તેણે મારી સાથે શરીર સુખ માણ્યું હતું. આ કારણે મેં એકવાર એબોર્શન પણ કરાવ્યું હતું. હવે તેણે બીજી છોકરી સાથે લગ્ન કરી લીધા છે. તે તેની પત્ની સાથે ખુશ છે. આ કારણે હું ડિપ્રેશનમાં આવી ગઇ છું.
એક યુવતી (નવસારી)
* તમારી સમસ્યાનું સમાધાન શક્ય છે. પરંતુ એ તમારા જ હાથમાં છે. તમારી સાથે જે થયું એ કારણે તમને આવું લાગે એ સ્વાભાવિક છે. હવે તમારે તમારું મન કઠણ કરી ભૂતકાળ ભૂલી આગળ વધવું જરૂરી છે. એ છોકરો એની જિંદગીમાં ખુશ છે તો તમે પણ ખુશ રહો અને કોઇ યોગ્ય જીવનસાથી મેળવી તમારો સંસાર વસાવી લો. ડિપ્રેશન દૂર કરી કોઇ રચનાત્મક કાર્યોમાં ધ્યાન પરોવો.
* કેટલાક દિવસો પૂર્વે મારા વેવિશાળ થયા છે. મારા પતિ અમદાવાદ રહે છે. મારી સમસ્યા એ છે કે શરૂઆતમાં તેઓ ફોન પર સામાન્ય વાતો કરતા હતા. પરંતુ હવે માત્ર સેક્સની જ વાતો કરે છે. રાત્રે દસ વાગ્યા પછી ફોન કરી મને પરેશાન કરે છે. તેઓ આવી વાત કરે છે ત્યારે મારા શરીરમાં ગજબની લાગણી થાય છે. અને યોનિમાંથી સ્ત્રાવ થાય છે. હું ગર્ભવતી થઇશ એવો મને ડર લાગે છે. જો કે અત્યાર સુધી તેમણે મારો સ્પર્શ કર્યો નથી. હું બહુ ડિપ્રેશનનમાં છું. યોગ્ય માર્ગ સૂઝાડવા વિનંતી.
એક યુવતી (વલસાડ)
* આપણા સમાજના નૈતિક મૂલ્યો, ખાસ કરીને મધ્યમ વર્ગના, છોકરીઓને તેની શારીરિક જરૂરિયાતો વિશે વિચારવાની મંજુરી આપતા નથી. સેક્સ પર વાત કરવાને આજે પણ અપરાધ સમજવામાં આવે છે. આથી તમને એમની વાતો પરેશાન કરે છે અને અશ્લીલ લાગે છે. તમારા શરીરમાં આ કારણે જે લાગણી થાય છે એનો અર્થ એ છે કે તમે પણ આ વાતોનો આનંદ લઇ રહ્યા છો. અને તમારી સાથે લગ્ન થવાના હોવાથી તેઓ પણ તમારી સાથે છૂટથી વાત કરે છે. આ ઉપરાંત ફોન પર કે માત્ર વાતો કરવાથી ગર્ભ રહેવાની શક્યતા નથી. આ બાબતે તમે તમારી કોઇ પરિણીત બહેનપણી સાથે વાત કરી શકો છો. આમા ડિપ્રેશ થવાનું કોઇ કારણ નથી.
- નયના