સહિયર સમીક્ષા .
- મારી પત્નીને તેના બોસ સાથે પ્રેમસંબંધ છે બોસ સાથેના આ સંબંધોને કારણે ઓફિસના કામમાં પણ તેની દખલગીરી દિવસે દિવસે વધતી જાય છે.
* મારા લગ્ન છ મહિના પૂર્વે થયા છે. અમારા વેવિશાળ પણ લગભગ એકાદ વર્ષ રહ્યા હતા. તે સમયે મને લાગતું હતું કે આવો પતિ મેળવવા માટે હું ઘણી ભાગ્યશાળી છું. પરંતુ હવે મારો આ ભ્રમ ભાંગી ગયો છે. મારા પતિ અસલામતી ભાવનાથી પીડાય છે. પોતાના લાભ માટે અને મારી સામે સારા થવા તેઓ જૂઠું બોલતા પણ અચકાતા નથી. તેમનો સ્વભાવ સુધરશે નહીં તો મને ડર છે કે હું અમારું લગ્નજીવન ટકાવી શકીશ નહીં. તેમની ખોટું બોલવાની આદત મારે કેવી રીતે છોડાવવી?
એક બહેન (અમદાવાદ)
* તમને લાગતું હતું કે તમારા પતિ સર્વગુણસંપન્ન છે. પરંતુ તેમનો વિચાર અલગ હતો. મને લાગે છે કે તમારા પતિ તમારું અપમાન કરવા નહીં પરંતુ તમે નિરાશ ન થાવ એ માટે ખોટું બોલે છે. તમારા પતિમાં એ વાતનો વિશ્વાસ જગાડો કે તેમનામાં રહેલી ત્રૃટીને સ્વીકારીને તમે તેમને પ્રેમ કરો છો તેમના બનાવટી જુઠાણાને રાઈનો પહાડ બનાવવાનો પ્રયત્ન કરો નહીં. આમ કરવાથી તેમની અસલામતીની લાગણી વધી જશે અને તેઓ વધુ અસત્ય બોલશે. આટલી ક્ષુલ્લક બાબતમાં છૂટાછેડા લેવાનો વિચાર કરવો એ મુર્ખામી છે.
* મારી પત્નીને તેના બોસ સાથે પ્રેમસંબંધ છે આ વાત સૌ જાણે છે. ઓફિસમાં પણ લોકો તેમના આ સંબંધોની ઠઠ્ઠા કરે છે. બોસ સાથેના આ સંબંધોને કારણે ઓફિસના કામમાં પણ તેની દખલગીરી દિવસે દિવસે વધતી જાય છે. મને આ વાતની જાણ બહારથી થઈ છે. મેં એને સમજાવવાના બધા પ્રયત્નો કર્યા પણ તે સમજતી નથી. મને જાણવા મળ્યા એ બંને એક દિવસ માટે ખંડાલા ગયા હતા. તે સમયે તે અમારા સંતાનોને તેના મામાને ઘરે મૂકી ગઈ હતી તેનો બોસ પણ પરિણિત છે અને તેને પણ બે સંતાનો છે. ઓફિસમાં પણ તેઓ આખો દિવસ કામના બહાના હેઠળ એક સાથે જ બેસી રહે છે. હું બે-ત્રણવાર તેની ઓફિસમાં ગયો હતો ત્યારે પણ તેઓ એક સાથે જ બેઠા હતા. અને એકાદવાર તો તેઓ બંને તેમની નીચે આવેલી હોટેલમાં ચા-નાસ્તો કરવા પણ ગયા હતા. મારે શું કરવું તેની સલાહ આપવા વિનંતી. શું મારે છૂટાછેડા લેવા?
એક ભાઈ (મુંબઈ)
* તમારી પત્ની તમારું ન માનતી હોય તો તમે તેના બોસને સમજાવો. બોસની પત્નીને વાત કરી આ સંબંધનો અંત લાવવાનો રસ્તો શોધી કાઢો. શક્ય હોય તો તમારી પત્નીને આ નોકરી છોડી દેવાનું કહો. પરંતુ મને નથી લાગતું કે તે આ વાત સાંભળે. શું ઓફિસમાં તે ઠઠ્ઠા મશ્કરીનો વિષય બની છે તે વાત તે જાણે છે? ખેર, ઓફિસમાં તેના પર રોકટોક રાખવા તમે કશું કરી શકો તેમ નથી. તેને સમજાવવાનો પ્રયત્ન કરો. ન સમજે તો તમે છૂટાછેડાની વાતે તે ગભરાઈ તેના આ સંબંધો તોડી નાખે. કોઈ વડીલને મધ્યસ્થ બનાવી તેને સમજાવવાનું કહો. શક્ય હોય તો તેના માતા-પિતા કે મોટા ભાઈને કહો. જે પગલા લો તે તમારા સંતાનોના ભવિષ્યનો વિચાર કર્યા પછી જ લેજો.
* મારા લગ્નને દસ વર્ષ થયા છે. પરંતુ હું ખુશ નથી. લગ્ન પછી મને ખબર પડી કે મારા પતિ કોઈ અન્ય યુવતીને ચાહતા હતા. પરંતુ ઘરવાળાની મરજીને કારણે તેમણે મારી સાથે લગ્ન કર્યા હતા. મારા પતિ મને પ્રેમ કરે છે. મારું ધ્યાન પણ રાખે છે પરંતુ મારી સાથે લડે છે ત્યારે મને અસુરક્ષાની ભાવના સતાવે છે. મારી જાણ પ્રમાણે મારા પતિને હવે તેની પ્રેમિકા સાથે કોઈ સંબંધ નથી. તેના પણ લગ્ન થઈ ગયા છે. તે પણ તેના ઘરસંસારમાં સુખી છે. પરંતુ મારા મગજમાંથી આ વાત દૂર થતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક મહિલા (ભરુચ)
* તમારા પતિનો વ્યવહાર અનુચિત નથી તો પણ તમે ગભરાવ છો. આમાં વાંક તમારો છે. તમારે તમારા પતિના ભૂતકાળને મોટો ઈશ્યુ બનાવવાની શી જરૂર છે? એ જ વાત મને સમજાતી નથી. ભૂતકાળને ભૂલી વર્તમાનકાળમોં જીવવાનું શીખો. ઉપરથી તમારા પતિની ભૂતપૂર્વ પ્રેમિકા તેના સંસારમાં સુખી છે. તો પછી તમારે આ વાત ભૂલી જવામાં જ હિત છે. યુવાનીમાં પ્રેમસંબંધ બંધાય એ સ્વાભાવિક છે. આથી તમારું લગ્નજીવન સુખી કરવા માગતા હો તો ભૂતકાળ ભૂલી જઈ વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો.
- નયના