Get The App

વાચકની કલમ .

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


તારા નામનું 

છે, મારું અસ્તિત્વ એ

તારી જ ટકાવવાની રીતથી

આ ટૂંકી જિંદગીના પાનાની પંક્તિને

ઉકેલી શકાય એ જ રીતથી

જો, મળી જશે ક્યાંક 

ખોવાયેલા યે ખ્યાલો

તો પી લઈશ જામ એ જિંદગીનો

મનના મનસૂબા તો ઊંડે સાત આસમાને

લગામ જરા ખેંચી લઉં તારા નામની

ખોવાઈ ગઈ આ 

દુનિયાની ભીડમાં હસ્તરેખાઓ

છતાં પાડી લઉં આંગળાની 

છાપ યે રસ્તે

દટાઈ ગઈ સદીઓ, 

એ કાળના પેટમાં

છતાંય અટલ અસ્તિત્વ 

''શીવા'' તારા નામનું

પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)

વહેતો રહેજે

વહેતો રહેજે, તું જાતને 

આ વાત કહેતો રહેજે

બધાં કિનારે ચાલજે, 

બધાં તળને અડતો રહેજે

દરેક પથ્થર દરેક કણને 

મળતો રહેજે

જો સાથે આવે તો, 

લેતો રહેજે

જ્યાંથી પણ નીકળ તું,

ત્યાં મેલને સાફ કરતો રહેજે

દિશા શું નક્કી કરું, 

એના ઇશારે વળતો રહેજે

પહોંચવું નથી ક્યાંય આપણે,

બસ ક્યાંય ન પહોંચવા 

માટે ફરતો રહેજે

વહેતો રહેજે, તું જાતને 

આ વાત કહેતો રહેજે

પ્રો. રોમાંચ  ઉપાધ્યાય (મહેસાણા)

તારી ને મારી 

મુલાકાતો રોજ થતી રહે છે 

તારી ને મારી,

છડે ચોકને ફોનમાં વાતો 

થાતી રહે છે તારી ને મારી.

મોબાઇલમાં સહુને તસવીરો 

દેખાતી રહે છે તારી ને મારી,

એક બીજા માટે ખરીદીઓ 

થતી રહે છે તારી ને મારી.

પ્રીતિ વધતી રહે છે દિવસે ને 

રાતે તારી ને મારી,

જમાનામાં રોજ ચર્ચાઓ 

થાતી રહે છે તારીને મારી.

ચાલ જલ્દીથી પરણી જઇ, 

હવે તો ઉંમર વધતી રહે છે 

તારીને મારી.

શારદા અરવિંદ કોટક (મુલુંડ)

માતૃત્વ

અપલક નજરથી જોઇ રહી છું 

હું તારા ચહેરાનું સ્મિત,

અલૌકિક સંવેદના જગાવે છે 

તારી શરારત, અને  માસુમિયત.

સ્વર્ગમાં બને છે મા, 

અને સંતાનનો આ દિવ્ય સંબંધ,

તારામાં છે અમારો અંશ, 

જે ચાલા રાખશે અમારો વંશ.

ઇશ્વર પણ કરશે તારા 

નિર્મળ હૃદયમાં રહેવાનું પસંદ,

વાત્સલ્યનો હાથ ફરે છે 

જ્યારે તારા વાંકડિયા વાળમાં.

તારી કાલી-ઘેલી વાતો આવે છે 

ત્યારે મારા ધ્યાનમાં,

ફરકી રહે છે હાસ્ય ત્યારે 

મારા મ્લાન મુખ પર.

રહે છે ડર, ન લાગે કોઇની 

નજર મારા આ ક્ષણિક સુખ પર,

મોટો થઇ બનશે તું જ 

આ દુ:ખી માતાનો આધાર.

જીવન સંધ્યાએ માંગીશ 

હું સિર્ફ ઇશ્વર, અને તારો સાથ,

આ સ્વાર્થી દુનિયા બિછાવશે 

તારા દરેક માર્ગ પર કંટક.

હર પળે નજર આવશે 

તને જીવનમાં અંધકાર, અને સંકટ

સર્વ દુ:ખોનો કરજે 

સામનો હિમ્મતથી,

માની દુઆ બચાવતી રહેશે 

હંમેશા તને દુ:ખોથી.

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઇ)

પ્રેમ-ભક્તિમાં જીવન 

શૂન્યમાંથી એકડો ઘૂંટી શકે,

આફતો સામેય ના ઝૂકી શકે.

પંચતત્ત્વોનું મળ્યું પિંજર તને,

પ્રેમ-ભક્તિમાં જીવન વીતી શકે.

ભીતરે અજવાશનો માહોલ હો,

બહારના અંધારને વીંધી શકે.

બેઉ હાથે તું વહેંચે પ્રેમને,

બ્રહ્મ પણ તારા ઉપર રીઝી શકે.

તું મુસાફર, કાયમી ના વાસ આ,

રાગ-મમતાને પછી જીતી શકે.

હરીશ પંડયા (ભાવનગર)

એક આવો પ્રેમ, એક અધૂરો શબ્દ

શાંતિથી હું જેની સાથે 

બેસી શકું છતાં અશાંતિ ના  લાગે એ તું છે,

મન ચંચળ હોય અને 

ફક્ત યાદ આવવાથી મન 

શાંત થઇ જાય એ તું છે.

તું સંપૂર્ણ નથી, છતાં મારી 

માટે પર્યાપ્ત છે, પરીપૂર્ણ છે,

તારી સાથે આશા ચાંદ 

સિતારાની નથી, ફક્ત સાથે 

ચા પિવાની છે.

તારી સાથે શારીરિક 

સંબંધની ઇચ્છા ઓછી અને 

ભાવનાત્મક સંબંધની ઇચ્છા વધારે છે.

 તું નથી અહીંયા તો પણ તું છે

ઝઘડા, મનમુટાવ થયા હોવા 

છતાં હંમેશા જેની સાથે 

રહેવાનું મને ગમશે એ તું છે.

આ પ્રેમ છે કે નથી, 

એની મને ખબર નથી

પણ જો પ્રેમ છે, તો એ તુંજ છે.

એક વાર પણ સોચ્યા વિના 

કોઇને કંઇ કહી શકું તો એ તુંજ છે

તારી સાથે નથી હું, 

નથી તું મારી સાથે

પણ તને યાદ કર્યા વિના 

એક પણ દિવસ જાય એ શક્ય નથી

તું અલગ છે, એની જાણ મને,

પણ આ અલગ ના મનમાં 

પણ લાગણીનો ફુવારો છે એની 

પણ જાણ છે.

ખુશ રહેવા ના બહુ 

બધાં વિકલ્પો છે,

પણ મારી ખુશીનો પ્રારંભ 

અને અંત તું જ છે

તને પ્રેમ કરું છું, 

આનો જવાબ ક્યારેય 

આવશે કે નહીં જાણ નથી

પણ જો નહીં પણ આવે 

તોય 'પ્રેમ' અને 'પ્રેમ'નો 

અર્થ હંમેશા તું જ રહીશ.

હિરલ મહેતા  (ઘાટકોપર)

મળ્યા પછી

ભર્યું ભર્યું નગર ભળાય 

આપને મળ્યા પછી,

મહક- મહક હવા જણાય 

આપને મળ્યા પછી.

રહું છું રાત- દિન હું ખુશ, 

લઇને નામ આપનું,

મિલન- મિલન અનુભવાય, 

આપને મળ્યા પછી.

થતું રહે છે આપનું સ્મરણ 

એ રીતથી હવે,

પળે-પળે ગઝલ લખાય, 

આપને મળ્યા પછી.

હૃદય ધડકનો વધી ગઇ 

નયન છે બાવરા,

કે આપની છબી બતાય, 

આપને મળ્યા પછી.

શહેરના ઘરે-ઘરે અને 

ગલી- ગલીમાં 'ચાંદ'

ને નામ આપનું  પૂછાય, 

આપને મળ્યા પછી.

પ્રવીણ પોંદા 'ચાંદ'


Google NewsGoogle News