Get The App

વાચકની કલમ .

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


પાનખર આવી

ખરી પડી લીલીછમ લાગણી

સંવેદના ભરી પડી સ્પંદને

સમયની પાંખે આવી ઊભી

મોસમ બદલી પાનખર આવી

યાદોંને વિસ્તરવા ગગન મળે

હેતની વેલને સજાવી હરખથી

કવિતાના પુષ્પો મહેફિલ બની

મોસમ બદલી પાનખર આવી

ટહુકે કોયલ આંબા ડાળ

ભીના હૈયે ગઝલ નિખરે

વિચારોની વેલ વ્યોમ ચઢી

મોસમ બદલી પાનખર આવી

શૃંગાર મારો ભવ્ય વગડો

નભ અટારીએ રંગોની છાબ

સમયના પગરવે શબ્દને શ્વાસ

મોસમ બદલી પાનખર આવી

ચૌધરી નારસિંગ આર. (સુરત)

સંકેતી પ્રભુ કૃપા

રસ્તામાં મળી જાય છે કોઈ એવા

કે જીવવાનું જોમ મળી જાય છે

આપણને કળી જાય છે એવા

કે ઊભા રહેવાનું મન થઈ જાય છે

એવું કે થઈ આવે તે ખરે

જાણે ભૂખ્યાને રોટલો મળી જાય છે!

મિલન અનેરું-અદકેરું એવું

કે ઘેર બેઠા ગંગા મળી જાય છે

આ તે સંકેતી પ્રભુ કૃપા કોઈ

કે આવા રૂડા અવસરો મળી જાય છે

જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)

પવનનો ગાંડો પ્રેમ

વિખરેલી લટોને ગાલો પર

રહેવા દે, પવન, તું રહેવા દે!

આ સુગંધી પાલવને તું

ખભા પર ઉડવા દે 

પવન તું ઉડવા દે

જાણું છું પવનથી મન તરબતર બને

પણ ગાલે તું શીદ ચીપકી રહ્યો?

પાલવને પણ શીદ હેરાન કરે?

સ્પર્શ પાલવથી કંઈ મળશે નહીં

માનવ જેમ શીદ પ્રીતે ચઢ્યો?

છોડ પાલવને ગાલોનો સંગ

વાદળ સાથ પ્રીત વધાર

તો જ મળશે જગને વર્ષાનો સંદેશ

વર્ષાથી જગ તરબતર બને અને

ગાથા તારી અમર બને!

સી. જી. રાણા (ગોધરા)

બદનસીબ

મંઝીલ ભણી દોરી ન ગયા

મોડ પર મુકામ લઈને બેઠા

સેરવી ગયા હાથમાંથી બાજી

ફૂટેલા કરમ લઈને બેઠા

રુઝાયા રુઝાઈ નહીં એવા

બેસુમાર જખમ લઈને બેઠા

મહેકતી વસંતને છોડી

પાનખરની મૌસમ લઈને બેઠા

નાહક દિલ દઈને બેઠા

ઢગલો એક સિતમ લઈને બેઠા

મણિલાલ ડી. રુધાણી (રાણાવાવ)

નશો - ઈન્તઝારનો

થંભી ગયો છે પાંપણે

સાગર ખૂમારનો

કેવો અજબ નશો છે

તારા ઈન્તઝારનો

છે ઈન્તઝારી જામ

ભરીક્ષણના ટીપા તમામ

પીતો રહું છું કેફના

ઉતરે ખૂમારનો

અય ધડકનો સૂરાવલિને

મંદ રાખજો

ના સૂર તુટે કેફમાં

સરગમનાં સારનો

તને સ્પર્શી આવતો

માદક થયો પવન

મદહોશ થૈને ઝુમશે

મૌસમ બહારનો

પગલાં પડે જો તારા

તો ઝુમી ઊઠે ચમન

હર ડાળ પર છે શોર

પંખીના કિલકારનો

ખૂશ્બુ જો તારી પામશે

મેહકી જશે ફૂલો

ભમરાય લ્હાવો લે

ગુંજનમાં સત્કારના

જો આગમન તારું થશે

વાતાવરણ મહીં

છલકાય મૌસમ મસ્તીથી

મદમસ્ત પ્યારનો

તું જ્યાં સુધી આવે નહીં

'અંજાન' ત્યાં સુધી

ઝબકાવશે ના એ પલક

હઠ છે દીદારનો

અ. ગફૂર 'અંજાન' (પંચમહાલ)

જીંદગી  છો

નસીબે  આજ મારી જિંદગી છો

વફાએ  પ્રેમ  મારી જિંદગી છો

ખુશીથી આપું ખુશી આપણી આ

ખફા ન થાવ મારી જિંદગી છો.

કદાપી સાથ ના છૂટે તમારો

ભરોસો પ્રેમનો તું જિંદગી છો

અનાદિ કાળથી આ પ્રેમ ખોયો

મલ્યા પ્રિયે અમારી જિંદગી છો.

દબાવી પ્રેમને  કોઈ શક્યું છે?

દુવા સાથે કહું તું જિંદગી છો.

 'અમી' :  (સુરત)

રંગોની દુનિયા

હોળીનો એક વખત

'ફાગણ'માં જ આવે

રૂડા સંબંધોના રંગો

રોજ મારી દુનિયા સજાવે!

પિતાના પ્રેમનો

સૂર્યસમો સોનેરી રંગ

મારા જીવનમાં શક્તિનો સ્રોત વરસાવે!

જનનીના પ્રેમનો રંગ

શ્વેત ચંદાની ચાંદની

મારા જીવનમાં શીતળતાની

મોહિની મુકાવે!

વીરાના પ્રેમનો વૃક્ષસમો

લીલો રંગ મને પતઝડમાં પણ

અડિખમ બનાવે!

બહેનીના પ્રેમનો રંગ

કેસરિયો કેસુડો!

મારા જીવનને પળ પળ

મીઠું મહેકાવે

સાસરિયાના સંબંધોનાં

રંગ સપ્તરંગી

મારા જીવનમાં બદલાતી

ઋતુઓ લઈ આવે

પિયુના પ્રેમનો રંગ

પવિત્ર નિર નિર્મળ

મારા જીવનના રંગોને

રંગમય બનાવે

ભાઈ-બેનીના બાળકો

રંગીલા પતંગિયા

મારો જીવન બાગ

પ્રેમ રંગથી ચહેકાવે

મિત્રોના પ્રેમનો રંગ

જળ ભરી વાદળી

મારા જીવનનાં સંઘળા

તાપને સમાવે

મારા બાળકના પ્રેમનો

રંગ ફૂલગુલાબી

મારા જીવનમાં અત્તર

બની ખુશ્બુ ફેલાવે

ઈશ્વરનો આભાર 'તેજ'

માનું એટલો ઓછો

જે રોજ આ સુંદર 'રંગો'ની

દુનિયા બનાવે

તેજલ મૌર્ય 'તેજ' (અમદાવાદ)

ખૂપી જવું છે

છાપું બનીને સમાજ

આગળ ખૂલી જવું છે

રહસ્ય એટલા થયાં

ભેગાં કે ફૂટી જવું છે

સ્વાર્થના સંબંધને

પકડી ટકી રહેવું ક્યાં સુધી

કુદરતી પવનમાં

તણખલા જેમ ઉડી જવું છે

ઓઢીને ક્યાં સુધી ફરું

શિષ્ટ આ સમાજની

હકીકતના કાદવમાં

નગ્ન બની ખૂપી જવું છે

આમ કાયમ શું જીતવા

માટે ઉતરવું મેદાનમાં

આજે આ દાવમાં ખુશીથી

મારે હારી જવું છે

ખરેખર પોતાના સમજું છું

બધાને દિલથી 'જીત'

હવે મને સમજનારના

નામે શૂન્ય મૂકી જવું છે

ડૉ. જિતેન્દ્ર બી. ભીમડા (ભરૂચ)


Google NewsGoogle News