વાચકની કલમ .

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


ભૂમિ પર!

પ્રેમ ધ્વજ 'સ્વતંત્ર' લહેરાવીએ

'હૃદય'ની ભૂમિ પર

કૈદ હોઠને આઝાદ કરાવીએ

'પ્રણય'ની ભૂમિ પર

અર્પણ, તર્પણ, સમર્પણના

દર્પણમાં જોઈએ ભવિષ્ય

કહ્યાંગરાં હૈયાથી હૈયું મેળવીએ

'કમળ'ની ભૂમિ પર

મુક્ત મૌસમમાં ક્ષણોના કલરવને

ગુંજવા દે પ્રિયવર

વાટ જોતા નૈનોમાં તું જ ઝળહળે

'અક્ષય'ની ભૂમિ પર

વરસાદી વાંછટમાં ભીંજાયેલી

ધજા ફડફડે મીન સી

વાયદા તટે વચનબધ્ધ સ્પંદનો ઝરે

'અભય'ની ભૂમિ પર

સપનાનું અસ્તિત્વ લઈ

'વૈદેહી' ધીરે ધીરે સરકી રહી

લુપ્ત થતાં પ્રેમ અંકુરોને ઉગાવીએ

'પ્રલય'ની ભૂમિ પર

વિનોદચન્દ્ર બોરિચા (મુંબઈ)

સવાર

રાતના અંધારાને દૂર કરી

અજવાળા સાથે નવી આશા લાવે

પક્ષીઓના મીઠા ટહુકાઓથી

મધુરમય વાતાવરણની 

તાજગી અપાવે

આ અનેરી અને સંગીતમય સવાર...

સૂર્યના પૃથ્વી પર 

આવતા કિરણો થકી

આપણામાં નવી શક્તિ જન્માવે

રાતે સુતી વેળાએ જોયેલા સ્વપ્નોને

પૂરા કરવા માટે તૈયાર કરે છે

આ રૂપાળી અને 

ઊર્જાશીલ સવાર...

ભૂતકાળમાં થયેલા અનુભવોથી

નવી શીખોનું સર્જન કરવા

ઉગતા સૂર્યના નમસ્કાર દ્વારા

આપણામાં સર્જનાત્મકતા સર્જે છે

આ શીતળ અને કુદરતી સવાર...

રાતની શીતળતાને દૂર કરી

આપણામાં નવી ઉષ્માનું સર્જન કરે

ધુમ્મસ સાથેના 

નયનરમ્ય વાતાવરણને

નિહાળવા માટે માનવીને દોડ કરાવે

આ સુંદર અને શક્તિશાળી સવાર...

પ્રભાતિયા સાંભળતાની સાથે જ

માનવીને નવા અનુભવ માટે જગાવે

કળીમાંથી ઉગેલા પુષ્પોની જેમ

જીવનમાં ખીલવાની તક આપે

તાજગી અને આશાથી ભરેલી સવાર...

રાવ ભાવિની 'મન'

રૂપ તારું ઝળકશે

હસતી ગાતી સૂરત તારી

મનમાં ફરી વળે ચેતના

જ્યારે જોઉં ચહેરો તારો

લાગે આભમાં ઉગ્યો ચંદ્રમા

સમય ના નિસરી જાય

તારી સાથે વાતો કરતાં

ભૂલ રે ભૂલામણી પ્રીત છે

મને ક્યાંય લઈને જાય

દિલમાં રહેશે સદા અંજપો

તારો સાથ ના છુટી જાય

મધુર મિલનની યાદોમાં

અહસાસ તારો રહેશે

મારી કાવ્યની રચનામાં

સૈદવ રૂપ તારું ઝળકશે

રામજી ગોવિંદ કુંઢડિયા (વિદ્યાવિહાર-મુંબઈ)

વર્ષાનો નઝારો

વર્ષા ઋતુના માહોલે ચોમેર હરિયાળી

વર્ષાના અભિષેકે મન 

પ્રફુલ્લિત થાય જ્યાં

સૂકી ભઠ્ઠ નિસ્તેજ ધરાને લીલી જાજમ

જગતનો તાત હરખ્યો વર્ષાના આગમને

સારી જીવ સૃષ્ટિનો આધાર છે 

વર્ષાનો જ્યાં

ચાર સારા તો બાર સારા સૌ જાણે

ખેડૂત, શ્રમજીવીને સાચે જ ઉદ્યમ મળે

સમૃધ્ધિની પહેચાન કરાવે છે વર્ષા ઋતુ

મેઘ ધનુષ્યના સપ્ત રંગો પ્રેરણા બક્ષે જ્યાં

નાના ભૂલકા આબાલ વૃધ્ધ 

નજારો જોવાને જાય

કેવી લીલા કરી કુદરતના રંગો થકી

અસહ્ય ઉકળાટ પછી ચોમેર ઠંડક પાથરે

કવિની કલમે ચિતાર કંડારવાને વર્ષા ઋતુ

પ્રેરણાદાયી નજારો બક્ષે છે 

સારી મોસમમાં

પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)

તારી યાદ તો ત્યાં જ છે

વહી ગઈ ઉંમર

વહી ગયો સમય

ચાલતા ગયા કાંટા

ઘડિયાળનાં

હજારો કિ.મી.

વર્ષો થઈ ગયાં તેથી

નથી જોવાની તું

પાછળ વળીને

ભલે સમય વહશે

વર્ષો વર્ષ પણ

તારી યાદ તો ત્યાં જ છે

મારા હૃદયમાં

એ વાત કેમ યાદ કરાવું તને

તારી સ્મૃતિ તો ઢળી ગઈ હશે

મારી યાદ પ્રભાત થૈ ઊગે છે રોજ

'મીત' (સુરત)

ચાલો જીવી લઈએ જિંદગી

બધુ મળે એનું નામ જિંદગી

કંઈક ખૂટે એનું નામ જિંદગી

ચલાવી લઈશ કહીને હસીને

ચલાવી લઈએ એનું નામ જિંદગી

બધુ બધાને ક્યાં મળે છે? જે છે તેમાં જ

મન મનાવી લઈએ 

એનું નામ જિંદગી અવનવા રંગો રોજ 

દેખાય બધાના

છતાં હસીને આપણે 

આપણા રંગમાં

જીવી લઈએ એ જિંદગી

જરૂરી નથી કે આપણે

બધાને પસંદ આવીએ

પણ જિંદગી એવી જીવીએ કે

કોઈકને તો આપણે પસંદ આવીએ

કોઈ યાદ કરશે કે 

નહીં એ ખબર નહી

પણ યાદો ભરપૂર 

છોડી દઈએ એ જિંદગી

કહે છે 'ધરમ' કે ચાલો હસતા હસતા

જીવી લઈએ એ જિંદગી

મગનલાલ પ્રજાપતિ 'ધરમ' 

(મગુના-લાલજીનગર)

ચાલો માણીએ વેકેશનની મજા

મારે હવે પડશે મોજ ને મજા

મળી છે સ્કૂલમાં લાંબી રજા

વાર્તામાં આવશે ચક્કી-ચક્કા

દફતર ને ચોપડી બંધ કર બકા

લઈ લઈએ બેટ-બોલ, ગીલ્લી-ડંડા

આંબલી-પીપળી ને રમીયે થપ્પા

મોસાળે ચાલ્યા મોજ મસ્તી કરવા

નદીના વમળોમાં ખળખળ વહેવા

નાના-નાની સંગ લાડ લડાવવા

શ્રીખંડ, રસ-પુરી ને લાડવા ખાવા

મમ્મી-પપ્પાને વઢવાની રજા

મામા, માસી સંગ કરીએ જલસા

આખો દિવસ ખુંદીએ 

ખોળા કુદરતના

રાત્રે ગણવાના હોય તારલા નભના

વિત્યા તે વર્ષનો વિસામો લેવા

આવતા વર્ષ માટે તાજા થવા

બનીને 'તેજ' તારલાનું ઝગમગવા

ચાલો માણીએ વેકેશનની મજા

તેજલ મૌર્ય 'તેજ' (અમદાવાદ)

૦ ૦ ૦ 


Google NewsGoogle News