વાચકની કલમ .
પ્રિયતમા
પરાયા લોકોથી નથી કોઈ શિકાયત
શિકાયત છે મને મારી પ્રિય પ્રિયતમાથી
દિલને ઠેસ આપવાની
પરંપરા તો સદીયોંથી છે અસ્તિત્વમાં
તારા નયનોથી પિલાવી મદિરા
બનાવી દે મને તારો પ્રિયતમ મદહોશીમાં
તારા શ્યામલ કેશ-કલાપમાં
ક્ષણભર મને આરામ લેવો છે
તારા પ્યારમાં મને મારી
જિંદગી દાવ પર લગાવવી છે
તારી જુદાઈ બની જશે
મારા માટે જિંદગીભરની સજા
તારા વિના જિંદગીમાં ન રહેશે કોઈ મજા
શા માટે પ્રેમાગ્નિમાં સનમ જલાવે છે મને
આ દુનિયામાં તું જ નજર આવે છે મને
મારી એકલતાની સાથી
દુનિયાના ત્રિવિધિ તાપથી દૂર જ રહીએ
દુનિયાના દુ:ખ-દર્દને
નઝરઅંદાઝ કરતા રહીએ
તારા વિના જિંદગી કેમ વિતાવીશ હું?
મૃત્યુ પછી પુર્ન-જન્મમાં
જરૂર તને મળીશ હું
-ફિઝ્ઝા એમ આરસીવાલા (મુંબઈ)
જીવન નૈયા ભવસાગર
પાર થઈ ગઈ....
જિંદગીનો સૂરજ ડૂબ્યો ને
ધુ્રજતા હાથે લાકડી પકડતા તો
ઘડપણની સાંજ ઢળી ગઈ
ઓશિયાળી બનેલી મારી....જ
દુનિયા મને.. જ હવેલીનું
પગથિયું ચડાવી ગઈ
વ્હાલા વૈષ્ણવો પોતાની ફરજ
સમજીને મને ઊંચા
આસને બેસાડે છે
કીર્તન સાંભળતા સાંભળતાં
કનૈયાના નામની એક
અનોખી તાળી પડી ગઈ
ઝણઝણવાને લાગી છે ઝાલરું
ધ્રબકવાને લાગ્યું છે નગારું
હળવે હાથે ઓવારણા લેતા લેતા
તરસતી આંખડીયું ને,
કનૈયાની ઝાંખી થઈ ગઈ
ક્યાં ગયું ગોકુળીયું? ને ક્યાં ગયું
મથુરા? ભક્તોની
ભીડ જામતા તો કનૈયાની
મધુરીશી મોરલીમાં
દુનિયા ડૂબી ગઈ
માખણચોર કનૈયાને હું
નિહાળું છું એ મને નિહાળે છે
બેઉની નજર એક થતાં
તો મારી જીવન નૈયા
ભવસાગર પાર થઈ ગઈ
-નવિનચંદ્ર રતિલાલ કાચલિયા (નવસારી)
બોલતી કુંજ
મંદ-મંદ મ્હાર્યો કેસૂડો આજ
કોઈ નમણાં વગડાની ગોદમાં
મોર- મેના ઝુલતા આંબા ડાળ
કોયલ ટહુકા કરે વગડાની ગોદમાં
શૃંગાર સજીને આવી વસંત
મ્હેકતી ખુશ્બૂ વગડાની ગોદમાં
પેલા પતંગિયાને પાંખો મળે
ઘુમવુ મન-ગમતા વગડાની ગોદમાં
ઝુકી પડી શબ્દની નમણી વેલ
શ્વસતી સહિયર મારા વગડાની ગોદમાં
ખુશ્બુ મ્હેકી આંગણે મોગરાની કળી
ખૂબ સજાવી કેડી વગડાંની ગોદમાં
પાનખરની પણ એક નોખી અદા
સાંજ ઢળતી ગઈ વગડાની ગોદમાં
રંગોની હેલી ચઢી 'નિશિથ' કવિતાએ
મહેફિલ જામતી ગઈ વગડાંની ગોદમાં
-ચૌધરી નારસિંગ આર. (માંડવી-સુરત)
સંગ દિલ
બતાવવા ચાહું તોય બતાવી ન શકું
કે દિલમાં જખમની કોઈ
નિશાની નથી હોતી
બે-ચાર અશ્રુ અહીં
સરીને પડી જાય છે
લોચનમાં એની કોઈ રવાની નથી હોતી
આ તો હાલત જોઈને સમજી જવાય છે
બાકી દરદે ગમની કોઈ
કહાની નથી હોતી
પથ્થર જિગરને સમજાવે પણ કોણ
કે ચાહત વિનાની કોઈ
જવાની નથી હોતી
-મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
ગમે છે
કેસુડાના રંગમાં રંગાઈ જવું ગમે છે
પ્રિયાના પાલવમાં વીંટાઈ રહેવું ગમે છે
પરવળશા અધશેની લાલી બનીને
એ લાલીના રંગમાં રંગાઈ જવું ગમે છે
પ્રિયાના નયનોના કાજળ બનીને
ચમકતા નયનોમાં સંતાઈ રહેવું ગમે છે
પ્રિયાના પગની પાયલ બનીને
પાયલના નાદમાં ખોવાઈ જવું ગમે છે
પ્રિયાના મુખની દંતાવલીમાં
મંજન બની લોપાઈ રહેવું ગમે છે
ઢોલના ધબકારી ભાન ભૂલી નાચતા
સાકરના હારડામાં પરોવાઈ જવું ગમે છે
પ્રિયાના મૃત્યુની અંતિમ પળોમાં
કાષ્ટ બની સેજમાં સળગી જવું ગમે છે
હે પ્રિયે હે પ્રિયે રટતા રહીને
હવે આયખું પૂરું કરવું ગમે છે
સી. જી. રાણા (ગોધરા)
ઘર બસા કે દેખો
સારી દુનિયાનો છેડો છે ઘર
શ્રમજીવીનો વિસામો છે ઘર
ઘરને ઘર બનાવવું અઘરુ ને જટિલ
લાગણી ને માગણીના પ્રચલને ઘર
ખરીદી લેવું સહેલું છે સારા જગમાં
ઘરને વસાવવું અઘરું છે જ્યાં
સૃષ્ટિને આતુરતા હોય છે મંઝિલની
મઝધારે આસ્થા છે ઘર બસા કે દેખો
થાક્યા, હાર્યાનું, શ્રમિકનું વિસામા સમું
સંતોષ અને ઐશ્વર્ય ગુણસંપન્ન છે ઘર
આગંતુક પરોણા મહેમાનોની
સરભરા કરે
અંગતને પંગતના વ્યવહારો સાચવે ઘર
સર્વની મંઝિલ છે ઘર બસા કે દેખો
-પરેશ જે. પુરોહિત (રણાસણ-કલોલ)
હિસાબ શું રાખવો
હિસાબ શું રાખવો?
આપણાં થોડાંક વર્ષોનો
સમયના નિરંતર પ્રવાહમાં?
હિસાબ શું રાખવો?
જે ન મળ્યું તેનો
ભરી ભરીને આપ્યું છે જિંદગીએ....
હિસાબ શું રાખવો?
રાત્રિના અંધકારનો
આવનાર દરેક દિવસે પ્રકાશ માન!
હિસાબ શું રાખવો?
ઉદાસીની ક્ષણોનો?
આનંદ બે ક્ષણ કાફી છે જીવવા માટે
દુ:ખદાયક વાતોનો
મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં
હિસાબ શું રાખવો?
કાંટાના જખમનો
મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી
મળવા ન મળવાનો
જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ?
થોડીક ખરાબીઓનો
કંઈક તો સરસ છે, હરકોઈમાં
-મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
પાનખર સાચું જીવતર
ઘડપણને કોઈ ના કહેશો પાનખર
એ તો છે ખરેખર સાચું જીવતર
હેતે રમાડી મોઢું ખોલાવ્યું આપણું
બા-બા-મા-માનું આપ્યું ભણતર
પા-પા પગલી ચલાવી આંગણીનાં ટેકે
એણે તો શીખવ્યું જીવનનું ચણતર
સંસ્કાર સીંચી મોટા કર્યા પ્રેમથી
એમાં જ એનું અડધું ગયું જીવતર
વૃધ્ધાવસ્થામાં કાયા થઈ પાંગળી
હવે એની સેવાનું આપીએ વળતર
પાન ખર્ચા પછી આવે છે કૂંપળ
અહીંયા તો પહેલાં જ ફૂટી છે કૂંપળ
પાનખર કહીને એને ના શરમાવો
એનાં મૂળમાં જ છે આપણું ઘડતર
ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)