વાચકની કલમ .
નવસર્જન
વસુ છું કિનારે તો
યે તું અજાણ્યો
રીવાજોની રસમોથી
ઘેરાઈ રહેલો
સમંદર કિનારે
હલેસાને સહારે
કરી નિત્ય વાતો
અતીતને સહવાસે
છે આરજુ તોડવા ફોડવાની
ને તોડી ફોડી કંઈ નવસર્જવાની
પથરાઈ રહી
જીર્ણ શીલાઓ આજે
ઉધ્ધાર ચાહે છે
કંઈ સર્જનની સાથે
હોંશે ઘણી છે હામે ઘણી છે
હું સાથી વિહોણો, કસર એટલી છે
છે માર્ગ મારો કરંટ ભરેલો
માંગું સાથ તારો પ્રભુ દે સહારો
સોગંદ લઈ તારા કહુ સત્ય આજે
જીવીશ કે મરીશ કંઈ નવસર્જન કાજે
સી. જી. રાણા (ગોધરા)
સમતાના નીર થઈને વહેજો
માયા અનીલ જો તોફાન જગાવે
સમભાવ ભીત આડ રહેજો
દિલે, કોધાગ્નિ જો આગ લગાડે
સમતાના નીર થઈ વહેજો
કામ કાળોતરો જો આતમે ડંખે
સંયમની દવા-ગોળી લેજો
મોહના બંધને જો મનડું બંધાય
ત્યાગ કાત્રીથી કાપી નાખજો
અત્યાચારો કોઈ કરે જો જીવને
સદાચારી સદા બની રહેજો
હિંસક ને દુ:ખદાયી બને જો કોઈ
'લઘુગોવિંદ' એ સત્યના કહેજો
ધનજી છેડા 'લઘુગોવિંદ' (કલ્યાણ)
શ્વસન
તમે જ ચાંદ ને તમે જ સુરજ છો
તમે જ અમારો પ્રકાશ છો
તમે જ આધાર ને તમે આશરો છો
તમે જ અમારા રહેવાનો આવાસ છો
યાદ આવે ને અશ્રુ સરી પડે
તમે જ અમારી આંખોની ભીનાશ છો
તમે જ આધાર ને તમેજ અરમાન છો
તમેજ બસ અમારી આશ છો
ધબકતું રાખો છો અમારા ઉરનું
તમે જ અમારી જિંદીના શ્વાસ છો
મણીલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
તું ઈશ્વર બદલી નાખ...
જો હારવું ના હોય તો તું
ચોપડે જીત લખી નાખ
આ ઈશ્વરની બાધા એ કંઈ
ના થયું તું ઈશ્વર બદલી નાખ
ખાલી બોલી નાખ્યું કે શું
અમે બંને ભાગી જવાના
જો મરદનો બચ્ચો હોય
ને તો જા બેટા કરી નાખ
એ આવે છે અને જતાં રહે
છે પોતાના સ્વાર્થે
જે કરે છે તને હેરાન
એ મગજ બદલી નાખ
આ પ્યાર વ્યાર જગતમાં
નાહક શોધે છે તું
'હેલીક' યા તો બધું ભૂસી
નાખ યા બધું લખી નાખ
રોજે રોજ જીવતાં રહેવું
પણ એક અદાકારી છે
યા તો પૂરો ઊંઘી જા
અથવા ખુદને ઝંઝોળી નાખ
હેલીક (અમદાવાદ)
શુભ પ્રારંભ
પ્રેમમાં જીવન બનાવી ગયા
બહેતર ઘડી રચાવી ગયા
યાદોમાં ઉમંગ ભરી ગયા
પ્રેમમાં પ્રારંભ કરી ગયા
સારા વિચારોથી જીવન બનાવી ગયા
શુભ પ્રસંગ પ્રેમથી ઉજવી ગયા
દિલમાં ઉજાસ આપી ગયા
વરસાદની મજા માણી ગયા
વાંચનનો શોખ શીખવી ગયા
આંગણમાં ઝુલા ઝુલાવી ગયા
સંબંધોની સજાવટ કરી ગયા
મનને મજબુત બનાવી ગયા
નવા નવા શોખ આપી ગયા
પ્રિતના બંધન બાંધી ગયા
દેવના દર્શન કરી ગયા
વિજયકુમાર એન જોશી 'દેવ'
(ભાવનગર)
પદમણી નાર
મને ગમે તારો ચહેરો
ઓ રે પદમણી નાર
શરમ ના મોર તારા
થાયે ગુલાબી ગાલ
ઓરે પદમણી નાર
ઓરે પદમણી નાર
મસ્તી ભરી આંખોમાં
કાંઈ જોબન ભારોભાર
જોઈ જુવાની તારી
ઉઠે દરિયામાં તોફાન
ઓરે પદમણી નાર
ઓરે પદમણી નાર
મન ગમતી છે વેષભૂષા
શોળે સજ્યો શણગાર
આજે રૂપ તારું જોઈને
શરમાયો પૂનમનો ચાંદ
ઓરે પદમણી નાર
ઓરે પદમણી નાર
તારી ચંચળતા છે એવી
કોઈ મૌસમનો ભરમાર
જ્યાં આગમન થાયે તારું
ચૌ દિશાઓ ખીલી જાય
ઓરે પદમણી નાર
ઓરે પદમણી નાર
તારું રૂપ ઘડતાં ઘડતાં
ભૂલી ગ્યો રે ભગવાન
ચંદ્ર સૂરજનું તેજ
સૌ તારામાં સમાય
ઓરે પદમણી નાર
ઓરે પદમણી નાર
રામજી ગોવિંદ કુંઢડીયા
(વિદ્યાવિહાર)
વિરહની આગમાં
વિરહની આગમાં અરમાનો બળી ગયા
સૂકાયા આંસુ નયનો કોરા રહી ગયા
વિયોગના વાદળને ખસેડું ધીમે ધીમે
સ્નેહના સંભારણા શમણા બની ગયા
યાદતણી વણઝાર આવે છે એક સાથે
મનદોડે ત્યાં ઝાંઝવાના જળ બની ગયા
મિલન થતું નથી આકાશ અને ધરતીનું
વર્ષાના પાણી ધરતીને ભીંજવી ગયા
દીપકને કિંમત નથી પતંગિયાના પ્રેમની
છતાં એ જ્યોતમાં પ્રેમને સળગાવી ગયાં
ચકોર બની ચાંદની પાછળ ઘુમ્યા કરું છું
ત્યાં કેટલાંક રાહુ ચંદ્રને જ ગળી ગયા
આશા અરમાનોને હવે દફનાવું દિલમાં
જીવતરના સપના અધૂરા રહી ગયા
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
ચાલને પાછા...
લોકો કહે છે
દુનિયા ખૂબસૂરત છે
પણ મને
તારા સિવાય શું નજર આવે છે
વર્ષો પછી પણ ક્યાં ભૂલાય
જેનું દર્દ ઊંડુ તેની
જીદ પણ ઊંડી હોય
હું બોલું કે તું બોલે
શું રાખ્યું આ ખટપટમાં
અહંકારનો કોટ કાઢ
વિતેલો કાળ યાદ કર
ચાલને પાછા ભીંજાઈએ
સ્નેહની વાછટમાં
'મીત' (સુરત)