વાચકની કલમ .

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
વાચકની કલમ                                                   . 1 - image


મોતી વેરાયાં ચોકમાં

મોડી રાતે મને આવ્યું એક સપનું

મેં તો સપનામાં જોયા ભરથાર

મારી આંખોમાં નિંદ્રા અપાર

આંખ ગઈ ખૂલી, સપનું ગયું તૂટી

ત્યાં તો દેખાય છે સર્વત્ર અંધકાર

મારી આંખોમાં સપનાનો ભાર

આશા અરમાનો તૂટી ગયા પળમાં

અને તૂટી ગઈ યાદની વણઝાર

મારી આંખો શોધે છે સવાર

સોળ સજીને હું તો ઊભી 'તી ચોકમાં

જાણે સોહાગણનો લાગે શણગાર

મારી આંખો શોધે છે ભરથાર

ઓરતા આ ભવના રહી ગયા અધૂરા

હવે સપનાને બોલાવું ફરીવાર

જો આવે તો આનંદ અપાર

આવશે એ સુંદર સપનું સલોણું

કદી આવી જાય તો મળે ભરથાર

મારી આંખો શોધે વારંવાર

ખૂબ વિચારી અમે પગલાં ભરતં

કદીક ભૂલી ન જવાય આ સંસાર

હવે તો જાવું છે સામેપાર

ભગુભાઈ ભીમડા (હલદર-ભરૂચ)

વરસાદ હઠીલો

કીધે કે કરગર્યે આવ્યો નંઈ

આ વરસાદ હઠીલો

છોડી સૌએ આશા ત્યાં વરસી

પડયો અનરાધાર આ વરસાદ હઠીલો

ટસ કે મસ ના થયો તેના મિજાજ પર

અડગ રહ્યો આ વરસાદ હઠીલો

આરદા કે યજ્ઞા અવગણી વિરકત

એમ જ વરસી પડયો આ વરસાદ હઠીલો

અટંકી આ વરસાદ હઠીલો

ન થયો કો' ભાવથી હર્ષઘેલો

આ વરસાદ હઠીલો

નિખાલસ ના મનનો મેલો

આ વરસાદ હઠીલો

સૌનો રાજા સૌનો આધાર

આ વરસાદ હઠીલો

કહે મારું વાત જ મેલો આવજે પાછો

વહેલો આમ જ તારી રતે અલબેલો

તું ભૈ વરસાદ હઠીલો

આ વરસાદ હઠીલો

બીજલભાઈ મારૂ (ભાવનગર)

ઝંખના

મંદ-મંદ ઠંડી 

હવામાં સંભળાઈ

રહ્યા છે મને તારા સૂરીલા સૂર

કરી રહ્યો છું યાદ તને

તું છે મારાથી દૂર-દૂર

એકાંતમાં શ્યામ વાદળો સાથે

કરી રહ્યો છું હું પ્રેમાલાપ

શાયદ વર્ષાના 

બુંદ બની સંભળાવે

તે તને મારી દર્દભરી ફરિયાદ

કોયલની કૂક અને 

પક્ષીઓનો કલરવ

કરે છે મારા મનને બેચેન

તારો પ્રેમાળ, શીતળ સ્પર્શ જ

લાવશે મારી જિંદગીમાં ચેન

તારી સુંદરતા જોઈ થયો મને

પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ

ખુદાની ખુદાઈ જ કરાવશે એક

દિવસ તારો અને મારો મેળાપ

તારી ગહન, 

સુંદર આંખોમાં ડૂબી

લગાવીશ જીવન-નૌકા કિનારે

ત્રિવિદ્ય તાપના 

ઉછળતા મોજાં ભલે

મારી દુનિયામાં તોફાન લાવે

તું સાથે હશે તો 

જરૂર તરી જઈશું

આ અફાટ ભવસાગર પ્રિયે

ઈશ્વરના દરબારમાં હાથ ઉઠાવી

ફરી મિલાપની પ્રાર્થના કરીએ

ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)

ચાલ ફરી જીવીએ

ચાલને ફરી એ પળ જીવીએ

જેમાં પ્રથમ મુલાકાતની મૂંઝવણ

પછી એકમેકને મળવાની હળવાશ હતી

ચાલને ફરી એ પળ જીવીએ

જેમાં વસંત ઋતુમાં વૃક્ષોને થતાં

અનુભવનો અહેસાસ હતો

ચાલને ફરી એ પળ જીવીએ

જેમાં વાતો અખૂટ હતી

અને સમય બહુ ઝડપી હતો

ચાલને ફરી એ પળ જીવીએ

જેમાં એકબીજાના વિચારોમાં જ

દિવસ આખો પતી જતો

ચાલને ફરી એ પળ જવીએ

જેમાં નાનીનાની નોકઝોક પછી

મનાવવા માટે યુક્તિઓ વિચારતી

ચાલને ફરી એ પળ જીવીએ

જેમાં પાંચ મિનિટમાં ફોન કે

મેસેજ ન મળતાં રિસાવાનું નાટક કરતાં

ચાલને ફરી એ ભૂતકાળને

પ્રેમ અને લાગણીથી જીવીએ જેમાં

ફક્ત તું અને હું જ હતાં

રાવ ભાવિની 'મન'

મેલી મુરાદ

માનવ પોતાના મતલબે

જ્યાં મેલી મુરાદ લઈ બેઠો

નેક, પ્રમાણિકતાને ખોઈ બેઠો

પોતાનો નન્નો ખરો કરી લેવાને

ખુદ હોશ ખોઈ બેઠો

સત્કર્મ ભૂલી દુષ્કર્મ આચરી બેઠો

સ્ત્રીની ગરિમા જાળવવાને બદલે

પોતે જ મેલી મુરાદ લઈ બેઠો

સ્વાર્થ કાજે નીતિ મૂલ્યો ખોઈ બેઠો

અસત્યનું આચરણ કરી જગને છેતર્યું

ઓનલાઈન માધ્યમે ગુમરાહ કરી બેઠો

નિષ્ઠા, પ્રતિષ્ઠા છે જગમાં વંદનીય જ્યાં

સ્વાર્થ કાજે પોતે પરમાર્થી

કાર્યોને ખોઈ બેઠો

મહાપુરુષોના જીવનચરિત્રોને

ઉતારવાનું ભૂલી ગયો

આજદ માનવ મેલી મુરાદો લઈ બેઠો

પરેશ જે. પુરોહિત (કલોલ-રણાસણ)

રાહ-એ-ઈશ્ક

જે સરી ગયા એને વહેવા દીધા

રોકીને રાખ્યા કોઈ શૈલાબ નથી

ખરચા હશે આંખોથી બેશુમાર

અશ્રુઓનો કોઈ હિસાબ નથી

કોરી ખાતા એકાંતના માહોલમાં

બેસહારા દિલની કોઈ કરીબ નથી

ન જાણે કોઈની નજર પડતી નથી

ખજાનો પ્રેમનો ભર્યો છે કઈ ગરીબ નથી

સહેલો નથી બહુ વિકટ છે પ્રેમનો પંથ

છે ઘણા કંટકો ભર્યો બધે ગુલાબ નથી

મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)

તને ક્યાં ખબર છે

તારા સ્પંદનમાં મારા સ્પંદન

સમાયા છે તને ક્યાં ખબર છે

તારો શ્વાસોચ્છવાસ મને 

અનુભવાય છે તને ક્યાં ખબર છે

તારા રોમ રોમમાં મારો સંવાદ

કોલાહલ કરે છે તને ક્યાં ખબર છે

દાડમિયા દંતાવલી થકી હાસ્ય

મને મલકાવે છે તને ક્યાં ખબર છે

તારા શ્યામરંગી સુંવાળા કેશમાં

અટવાઈ ગયો છું તને ક્યાં ખબર છે

તારા રેશમિયા ગાલના ખંજનમાં

ડૂબી ગયો છું તને ક્યાં ખબર છે

મધ ઝરતી વાણી થકી હું નશામય

થઈ ગયો છું તને ક્યાં ખબર છે

થાર ાધબકાર જ 'નિજ'નું હૃદય

ધબકાવે છે મને તો ખબર છે

જતીન ભટ્ટ 'નિજ' (ઝાડેશ્વર-ભરૂચ)

પહેલો વરસાદ

છોડી દીધી છત્રી

રાખી દીધો રેઈનકોટ

ને મેલી દીધાં ઘરના કામો

પહેલા વરસાદમાં હું તો

બસ પલળવા નીકળી પડી

ઝરમર વરસતી વરસાદ દીઠો

ને હૈયું મારું હાથમાં રહ્યું નહીં

દોટ મૂકીને ઘરમાંથી

રસ્તા પર ભીંજાવા નીકળી પડી

ટપ ટપ ટપકતી બુંદોને જોઈને

થઈ ગઈ હું પાણી પાણી

ને તનબદન પર બુંદોને ઝીલવા

શરમ છોડીને બસ નીકળી પડી

માટીની મીઠી મીઠી મહેકતી સુંગધને

શ્વાસોમાં ભરવાની હોંશ જાગી

ને ધરતી ગગનના મિલનને નિરખવા

સખીઓ સંગાથે નીકળી પડી

ઈશ્વરે મોકલી બક્ષિસ

મારી માટે ને

ધન્ય ધન્ય હું થઈ ગઈ

હાથ ફેલાવીને વર્ષારાણીને

પ્રેમે વધાવવા નીકળી પડી

શારદા અરવિંદ કોટક (મુલુન્ડ)


Google NewsGoogle News