વાચકની કલમ .
ધ્યાન છે
બોલવામાં ચાલવામાં ધ્યાન છે
જાતને સંભાળવામાં ધ્યાન છે
હાર હો કે જીત હો મેદાનમાં
ખેલદિલ છે ખેલવામાં ધ્યાન છે
હોય સપનું ઊંઘમાં તોપણ હવે
ચેતનાનું જાગવામાં ધ્યાન છે
આરતી કે બંદગીમાં છો ન હો
બે દિલોને જોડવામાં ધ્યાન છે
દૂર ઊભી તેમનાથી કેમ કે
શાન મારી રાખવામાં ધ્યાન છે
ગાન ગાશે ડાળ પર પંખી ઝુલી
વૃક્ષનું તો ઊગવામાં ધ્યાન છે
ડૉ. કાલિન્દી પરીખ (ભાવનગર)
ઝંખના
મંદ-મંદ ઠંડી
હવામાં સંભળાઈ
રહ્યા છે મને તારા સૂરીલા સૂર
કરી રહ્યો છું યાદ તને તું છે
મારાથી દૂર દૂર
એકાંતમાં શ્યામ વાદળો સાથે
કરી રહ્યો છું હું પ્રેમાલાપ
શાયદ તે વર્ષાના બૂંદ બની
સંભળાવે તને દર્દભરી ફરિયાદ
કોયલની કૂક અને
પક્ષીઓનો કલરવ
કરે છે મારા મનને બેચેન
તારો પ્રેમાળ સ્પર્શ જ લાવશે
મારી જિંદગીમાં ચેન
તારી સુંદરતા જોઈ થયો મને
પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ
ખુદાની ખુદાઈ જ
એક દિવસ કરાવશે
તારો અને મારો મિલાપ
તારી ગહન સુંદર
આંખોમાં ડૂબકી
લગાવીશ જીવન-નૌકા કિનારે
ત્રિવિદ્ય તાપના મોજા મારી
દુનિયામાં ભલે તૂફાન લાવે
તું સાથે હશે તો જરૂર તરી
જઈશુ આ અફાટ
ભવસાગર પ્રિયે
ઈશ્વરના દરબારમાં હાથ ઉઠાવી
ફરી મિલનની પ્રાર્થના કરીએ
ફિઝ્ઝા એમ. આરસીવાલા (મુંબઈ)
ઉછળી ગયો
મન મેળામાં મળી ગયો
હું મારામાં જડી ગયો
અંતર બોલ્યું અટકી જા
ત્યાંથી પાછો વળી ગયો
દૂધ અને પાણી માફક
સૌની સાથે ભળી ગયો
શક્ય નથી વર્ણન જેનું
એ ઢાળામાં ઢળી ગયો
ભાળી ભીતરનો વૈભવ
ત્યાં ને ત્યાં બસ ઠરી ગયો
હું તું તે એ ભ્રમણમાં
અમથો અમથો છળી ગયો
થાતાં 'નટવર'નું મિલન
આનંદે ઉછળી ગયો
ડૉ. નટુભાઈ પ્ર. પંડયા (ભાવનગર)
રાહ મંજિલની
મળ્યો ના પ્યાર તારો ભટકવું પડયું છે
મળ્યો ના સાથ તારો
દુ:ખી થવું પડયું છે
સાથ તારો પામવા મારે
દર દર ભટકવું પડયું છે
સ્થિતિ મારી જોઈ
દુનિયા હસી રહી છે
સમાજની કસોટીમાંથી
પાર થવું પડયું છે
ઘણા દર્દભર્યા વિકટ
કાંટાઓ સહેવા પડયા છે
મંઝિલ નથી મળી
તારી રાહ હજુ જોઉં છું
ભાગ્યરેખા ય ફળી નથી
છતાં આશા લઈ જવું છું
સુમન ! હવે ઝાઝી રાહ જોવી નથી
રબના થઈ જીવી લેવું છે
સુમન ઓઝા (ખેરાલુ)
પેટાઈ જાઉં છું
હૃદયની વાટ છું શબ્દો
વડે પેટાઈ જાઉં છું
સદા અજવાસની એ રીતથી
છલકાઈ જાઉં છું
સ્મરણના તારને ખેંચ્યા કરે છે
તું બની ચાહક
નથી અફવા, નથી કંઈ વ્યર્થ
હું ચર્ચા બનાવોની
જીવન પર દિવ્યતમ
ઘટના બની અંકાઈ જાઉં છું
સમયના કાળમીંઢા પથ્થરોનું
કાળજુ છેદી
ક્ષણોની તાજગીમાં રોજ
આલેખાઈ જાઉં છું
નથી માણસ તરીકે અટપટો
હું કોયડો તો પણ
હજી ક્યાં સાવ સ્હેલી
રીતથી સમજાઈ જાઉં છું?
જિજ્ઞાા ત્રિવેદી (ભાવનગર)
ચાલને રમી લઈએ
સોપાનની સાપસીડીમાં
હું અને તું
હાર જીતના ચકડોળમાં
મઝા માણી લઈએ
ટીપે ટીપે મળીને
સાગર બનાવીએ
જિંદગી નાટક છે ચાલને
સૃષ્ટીને સુંદર બનાવીએ
અંધારા ઘરમાં દીવો પ્રગટાવી
ચંદ્રને ઘરમાં બેસાડી
ઘર ઘર રમીએ
તારી મારી ભૂલોને
દિલથી માફ કરીએ
આવ અબોલો છોડીને
સુગંધી ક્ષણોને માણીએ
રસોડામાં સાસુ વહુની
શબ્દોની સૂનામીને
ચાલને સંબંધોના હીંચકાને
પ્રેમથી ઝૂલાવીએ
કૂવામાં ઘૂઘવતા
કબૂતરોની ધૂનને
તારા મોબાઈલનાં
રીંગટોનમાં જીવી લઈએ
જોરથી ભીંસેલી મૂઠી
વચ્ચેથી વહી જતા પાણીની
જેમ ચાલને બચપણની
એ રમતો રમી લઈએ
દિનકર ગડા (મુલુંડ)
દોડ જિંદગીની
પોતાના જ ક્યારેક શત્રુ બની જાય છે
તો સ્વપ્નો બધાં વિખરાય જાય છે
સ્વજનોને જો પરાઈ વાતો
સાચી લાગી જાય તો
એક પોતાનો જ સૌથી ઠંડાય જાય છે
વરસતાં વાદળો તો સૌને
દેખાય જાય છે
આગ વાદળોની કોને
દેખાય જાય છે?
નયનોમાં નીર તો અદ્રશ્ય
રહી જાય છે
છતાં લોચનો તો જરૂર
ભીના થાય છે
મંઝિલની શોધમાં જોજનો
કપાય જાય છે
હોય જો ત્યાં શૂન્ય તો દર્દ
દિલમાં દેખાય છે
આમ ને આમ જિંદગીના
અંતિમ ચરણે પહોંચાય છે
ને સંસાર આખો શૂન્યમય
દેખાય જાય છે
દોડ જિંદગીની થંભી થાય છે
કારવા છૂટી જાય છે
અકેલાપન લાગતાં
અંતે દોષ 'ઈશ્વર'ને દેવાય જાય છે
ઈશ્વર અંચેલીકર (સુરત)
લ્યો આવ્યું નવું વરસ...
રણને લાગી તરસ
લ્યો આવ્યું નવું વરસ
મળીએ અરસ-પરસ
લ્યો આવ્યું નવું વરસ
મનની કરે તૃપ્ત તરસ
લ્યો આવ્યું નવું વરસ
સ્નેહનો સરવાળો અને
પ્રેમનો ગુણકારા
મળે વરસો-વરસ
લ્યો આવ્યું નવું વરસ
ખુશી ખુશી કરીએ
લ્હાણી પ્રેમની
આંખો તડપે તરસ-તરસ
લ્યો આવ્યું નવું વરસ
ન રહે કોઈનું જીવન નીરસ
લ્યો આવ્યું નવું વરસ
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
વહે દિલમાં સરસ
લ્યો આવ્યું નવું વરસ
શુભેચ્છા અભિનંદનની વર્ષા વહે
સહુના દિલમાં તરત
લ્યો આવ્યું નવું વરસ
ભરત અંજારિયા (રાજકોટ)