વાચકની કલમ .
ગોકુળની ગલીઓમાં તને હું પોકારું
ગોકુળની ગલીઓમાં તને હું પોકારું
તુજ વિના મુજ અંતરમાં ઘનઘોર અંધારું
એવું સ્વરૂપ જાણે પુષ્પ ગુલાબ તું
તમને નીરખીને મન બાગ મહેકાવું
કદમ કેરા વૃક્ષ ઉપર પ્રેમ હું છલકાવું
રાધાના હેતને હું હેતથી જતાવું
કોમળ તારા મનને હું કેમ રે દુભાવું
પ્યારી સખીના પ્રેમને ખચીત નિભાવું
તમને જોઈને હરખે વૃંદાવનની ગાયું
તુજ લગનીમાં હું તો ભાન ભૂલી જાવું
મોરલીના સુર સંગ, રાસ હું રચાવું
હર્ષની હેલીએ તુજ પર વારી આવું
પંચાલ હર્ષિલ 'હર્ષ' (ચાંદલોડિયા)
પ્રેમદીપ
સમી સાંજે આંખના ઈશારે મળી લઉં
હૃદયસ્પર્શી વાત તને પ્રેમથી કહી દઉં
ઘેરુલા વાદળેથી કાજળ
લઈ આંખમાં આંજી લઉં
ટમટમતા તારલાની ટીલડી
ભાલે લગાવી દઉં
ઝરમરીયા વરસાદમાં
તારા દિલને ભીંજવી દઉં
જોબનવંતી કાયાને મારા દિલમાં
સમાવી લઉં અંતરનાં આંગણે પ્રેમરંગની
રંગોળી બનાવી દઉં
તારા દિલનાં દ્વારે વિશ્વાસનું
તોરણ લગાવી દઉં
ભીંજવેલા હૈયે પ્રેમરસનું
અમૃત તને પીવળાવી દઉં
તારા ગાલ પર સ્મિતનો
ગુલાલ લગાવી દઉં
પ્રેમદીપ પ્રગટાવીને અંતરમાં
અજવાશ કરી દઉં
આકાશ સંગે મોજથી જિંદગી જીવી લઉં
કિરણભાઈ આર. પંચાલ (વડોદરા)
જીવનની મધુરતા
જીવનની મધુરતા આમ ખલાસ ના કર તું
ખાલી હોળીએ આમ હલેશા ના મારતું
વહેતા ધોધના ઝરણાં ઝરે આભેથી
તું ઊભે ઝરૂખે આડશ ના કર તું
કાલે આવી હતી અમાસી વાદળી
તું પર્વનો સાથે બાથ ના ભીડ
સંસ્મરણો તો પડયાં અતીત ઊંડાણમાં
આમ સૂકાં પાંદડે પડીકાં ના કર તું
રે 'શીવા' તે તો
જાજમ પાથરી છે અદ્ભુત
મીઠી નીંદરમાં ફાંફાં ના મારીશ તું
પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
અનુભૂતિ
તું દૂર જોજન છે તો શું થઈ ગયું
તારી અનુભૂતિ હૈયે વસે છે
તારીએ નિર્મલ તસવીરના સહારે
એકાગ્ર થયું છે મારું મન
આકાશ સામે અનિમેષ જોતાં
ઓઢી લેવાય છે કલ્પનાની ચાદર
મળ્યો છે મને તારો અઢળક ખજાનો
આંખો ઢાળતાં પાંપણ પલળે છે
બદલાઈ રહ્યું છે સકલ વિશ્વ
જોવું છું ફક્ત સ્થિરતા તારી
છે હવે વહાણ મારું તારા જ સાનીધ્યે
તરી જાઉં તારા નામથી જ 'શીવા'
પ્રો. શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
આપણું સ્વરૂપ
સાકાર સ્વરૂપ જ્યારે સદાય વિદાય લે છે
ત્યારે એ નિરાકાર સ્વરૂપે હૃદયે બિરાજે છે
એ નિરાકાર સ્વરૂપ યાદોં સ્વરૂપે રહે છે
યાદોં-સદા મન-મતિમાં સ્થાન ધરાવે છે
સમય કેરા પ્રવાહે વહેતાં વહેતાં સદા-ખરે
સદા અતીતમાં અજવાળા તો પાથરે છે
સાકાર સ્વરૂપમાં સંભારણાં ઉભરતાં રહે
એક એક શબ્દ- આજ શરણગાર બને છે
નિરાકાર એ- છે અમર, યમ છેદી ન શકે
આ સ્વરૂપના સહારે જિંદગી ગુજરે છે
જસમીન દેસાઈ 'દર્પણ' (રાજકોટ)
પ્રેમ એટલે
પ્રેમ એટલે
જેને જોવા માટે તરસી જવાય
જેનો અવાજ સાંભળવા
માટે રડી જવાય
જેને હસતા જોઈ આપણું
દર્દ ભૂલી જવાય
જેના માટે નિ:સ્વાર્થ
ભાવ મનમાં હોય
જેની ખુશીમાં આપણી ખુશી દેખાય
જેની સાથે શરીરથી નહીં પણ
દિલથી લાગણી બંધાય
વાત ઈશારે સમજાય
તેનું નામ પ્રેમ
એકને વાગે ને
બીજાને દર્દ થાય
તેનું નામ પ્રેમ
દિલ ભલે ધબકતા હોય
જુદાં જુદાં પણ
ધબકારા બંને સાથે સંભળાય
કહે 'ધરમ' તેનું નામ પ્રેમ
ધરમ એમ. પ્રજાપતિ (મગુના-લાલજીનગર)
કંઈક ખુટે છે
મનમાં વિચારો અઠડક છે
પણ તેને અમલમાં
મુકતા લાગે છે
કંઈક ખુટે છે
કુદરતી સુંદરતા ઘણી નિહાળી
પણ માનવીય સુંદરતા
જોઈ લાગે છે
કંઈક ખુટે છે
આસપાસ લોકો ઘણા મળ્યા
પણ એકલતા જોઈ લાગે છે
કંઈક ખુટે છે
સારી ખરાબ ઘણી
પરિસ્થિતિ જોઈ
પણ પરિપક્વતા જોતા લાગે છે
કંઈક ખુટે છે
સોશિયલ મીડિયાએ
લોકોને નિકટ કર્યા
પણ કુટુંબોને જોતા લાગે છે
કંઈક ખુટે છે
લાગણીઓ ઘણી જોઈ જીવનમાં
પણ મનના ખાલીપાને
જોઈને લાગે છે
કંઈક ખુટે છે
સિધ્ધિ મેળવવાના
કઈ કેટલા પ્રયત્નો થયા
પણ મહેનત જોતા એવું લાગે છે
કંઈક ખુટે છે
વ્યક્તિત્વ વિકસાવવાના
પ્રયાસો કર્યા
પણ સંજોગો જોતા લાગે છે
કંઈક ખુટે છે
રાવ ભામિની 'મન'
સ્ટેન્ડીંગ બાલકની
બેસવાનો હવે ક્યાં ટાઈમ છે?
આવી ગઈ સ્ટેન્ડીંગ બાલકની
સમયનો વ્યય વધી ગયો
ખોટી વ્યસતતા વધી ગઈ
આવી ગઈ સ્ટેન્ડીંગ બાલકની
બેસવાની રિલેક્ષ થવાની વાત ગઈ
ઊભવાનો જ ટાઈમ છે હવે
માટે જ આવી ગઈ સ્ટેન્ડીંગ
નિરાંત જેવો શબ્દ વિસરાઈ ગયો
ઉતાવળ કરવાની 'મોજ' થઈ
બેસવાની મોજ ગઈ હવે તો
આવી ગઈ સ્ટેન્ડીંગ બાલકની
મુકેશ ટી. ચંદારાણા (મીઠાપુર)
સ્નેહની સાંજ
જઈએ એવી જગ્યા પર ચાલ
જ્યાં ના કોઈ તારું હોય
ના કોઈ મારું હોય
વ્હાલપની સવાર હોય
સ્નેહથી સભર સાંજ હોય
ને...
માત્ર પ્રેમની જ્યાં રાત હોય
હું અને તું આપણે બે હોય
પ્રીતનું મંદિર ચણીશું
પ્રણયની દિવાલો બનાવીશું
ઈશ્કની મૂર્તિ સ્થાપીશું
ને પછી... છેલ્લે...
ઈશ્વરને પ્રતિષ્ઠાના અધિદાતા
નિમંત્રીશું...
ચાલ એવી જગ્યા પર ચાલ
સુમન ઓઝા (ખેરાલુ)