વાચકની કલમ : તલાસ .
મુશ્કેલીભર્યા સવાલોના
જવાબ શોધ્યા કરું
ખુદને ખુદથી મળવા રજળ્યાં કરું
અઘરી છે આ સફર પણ
કમાલનીય ખરી જ
નદીની જેમ હર વળાંકે પણ
નિરંતર વહ્યા કરું
મળી જાય ક્યારેક તક તો
હવાનેય છેડી દવ
શીતળતાની તપનમાં 'તેજ'
હરવખત બળ્યા કરું
હૃદયની વાતને ઓળખાણ
હૃદયની જ આપી દઉ
પછી અસ્થિના કળશમાં સ્વને શોધ્યા કરું
મૌર્ય તેજલ 'તેજ' (ચાંદલોડિયા)
સેજ
આવ સેજ સજાવીએ પ્યારી પ્યારી
આ જિંદગીની મહેફિલમાં
આવે ધીરે ધીરે સાત રંગ નયનોમાં
મેઘધનુષ રચાય મારા જીવનમાં
મારા મનનો માણીગર આવે તો જાણું
રોજ સજાવું મારા રૂપને એના કાજે
સંગેમરમરસી આ મારી કાયા
ખીલે એના સ્પર્શ માત્રથી
જાણે મહેકે સો સો ગુલાબ
જીવનના ગૂલીસ્તાનમાં એની મેહક
જાણે કે રણમાં ખીલે કોઈ ચમન
મારા મનમંદિરમાં એની મુરત
અખંડ જ્યોતસી પ્રગટે નિષદીન
મહારો મહાલો કરે થનગનાટ
ઝૂરી ઝૂરી થાવ અડધી
હું તો બહાવરી એના પ્રેમમાં
સરખી સહેલી કહે તું તો છે નાદાન
કેમ સમજાવું કે હું તો પ્રેમદીવાની
શહેનાઈ સી ગુંજે
મારા મનમાં એના દર્શનથી
આંગડાઈ લે મારુ
તન એની એક નજરથી
જાણે સો સો કળી થઈ ફૂલ
એ છે એક એવું અનમોલ નજરાણું
મારા જીવન બાગમાં
અલ્કા એન. મોદી
બે જાન
મળ્યું જે કઈ પ્યારમાં અમે
અપનાવી લીધું
પસંદગીનો દોસ્તો! કોઈ
અવકાશ ક્યાં હતો
બસ એમજ મન વગર
મળીને ચાલ્યા ગયા
મિલનનો વદન પર એના
કોઈ ઉલ્લાસ ક્યાં હતો
તમન્ના બધી અમારી
દિલમાં ધરબાઈ ગઈ
વરસો ગયા થાય પૂરી
એવો કોઈ ભાસ ક્યાં હતો
માંડી વાળ્યો એટલે
સફર કરવાનો વિચાર
દૂર કેટલી થાય પ્રેમમાં મંઝિલ
કોઈ કયાસ ક્યાં હતો
ઇંતજારમાં સંકેલાઈ ગઈ પૂરી
જિંદગીની માયા
એ આવ્યા ત્યારે જીસ્મમાં
કોઈ શ્વાસ ક્યાં હતો
મણિલાલ ડી. રૂઘાણી (રાણાવાવ)
નજારો
જ્યાં કુદરતનો અદ્ભુત નજારો
ઉઠતાંની સાથે માણી શકાય
તે જ મારી કર્મભૂમિ
જ્યાં સઘળી સમસ્યાઓને ભૂલી
એક અણમોલ અનુભૂતિ થાય
તે જ મારી કર્મભૂમિ
સવાર-સાંજના આ ઘટના ક્રમમાં
કેટલાંય ઓળખાઈ જાય
તે જ મારી કર્મભૂમિ
જ્યાં જ્ઞાાનનો દરિયો
ઉલેચવા મળી જાય
તે જ મારી કર્મભૂમિ
ઘણીયે ભાષાઓની પરિભાષામાં
એક 'લીટી' ઉમેરાઈ જાય
તે જ મારી કર્મભૂમિ
જ્યાં મન મૂકીને માણી શકાય
તેવો એક 'નજારો' રચાઈ જાય
તે જ મારી કર્મભૂમિ
શર્મિષ્ઠા જી. પટેલ (મહેસાણા)
પ્રેમનગર
હું તો ભૂલો પડયો છું પ્રેમનગરમાં
એના રસ્તા છે
ઠેકાણાં વગરના
તણાઈ રહ્યો છું પ્રેમપ્રવાહમાં
ડૂબતો રહ્યો છું
દિલદરિયામાં
ખૂલ્લી આંખો છે ખુલ્લુ છે મેદાન
છતાં ભટકી રહ્યો છું રેતીના રણમાં
આ ગાફેલ મનને
ખૂબ સમજાવ્યું
છતાં દોડી રહ્યું છે કોઈક દિલમાં
લૈલામજનુનું
ઘર નથી મળતું
હીર-રાંઝાનું ઠેકાણું નથી જડતું
નથી ભૂલાતા આ પ્રેમના કસબીઓ
જેની જોડ નથી મળતી જગતમાં
કોને કહું ને ક્યાં જઈને સમજાવું
કોઈ રસ્તો બતાવો પ્રેમનગરમાં
ભગુભાઈ ભીમડા (ભરૂચ)
ના નિરાશા
રોદણાં રડવાનું છોડો
મનને પુરુષાર્થે જોડો
એક વાર કહી જવાય
હાર જિતની સીડી થાય
આજે ભલે દુ:ખ આવે
સુખની વર્ષા કાલે થાશે
નવા પ્રશ્નો જન્મી સતાવે
ઉત્તર એમનો મળી જાવે
'લઘુગોવિંદ'ના નિરાશા
અમર રહે સદા આશા
લઘુગોવિંદ (કલ્યાણ)
હું તને ત્યાં જ મળીશ
દૂરી તો ખૂબ છે
પણ એ સમજી લેજે
હું હજીય આશ લઈને બેઠો છું
એક તું છે બધુ જ ભૂલી ચૂકી છે
એક હું પાગલ
રોજ તારી તસવીર જોઈ ઊંઘુ છું
ઋતુની માફક તું તો બદલાઈ ગઈ છે
એકલા કેમ રહેવું
એ શીખવાડી ગઈ છે
તું સામી ના મળે
તો પણ હું મળીશ
હૃદયને તું સાચવજે
હું તને ત્યાં જ મળીશ
'મીત' (સુરત)
રંગમંચ છોડી દેવું
સમય આવે એ પહેલાં
બધુ સમેટી લેવું જોઈએ
માન સન્માન ઘટે એ પહેલાં
જાતે હટી જવું જોઈએ
કેટલાંક નિર્ણયો કલેજું
કઠણ રાખીને કરવા પડે છે
ક્યાં સુધી જવાબદારીની
ઝંઝાળ લઈને ફર્યા કરશો?
અફસોસ થાય તે પહેલાં
સઘળું આટોપી લેવું જોઈએ
આ સત્તા, સંપત્તિ, સફળતા
નથી રહેવાના સદા સાથસાથ
હાથમાંથી છીનવાઈ જાય તે
પહેલાં લપેટી લેવું જોઈએ
વિશ્વાસે વહાણ ડૂબી જાય તે
પહેલાં વીંટી લેવું જોઈએ
જીવન એક નાટક છે પાત્રને
પકડી કેમ બેસી રહેવાય?
ઉત્તમ એ છે કે રોલ પતે એટલે
કહે 'ધરમ' રંગમંચ છોડી દેવું જોઈએ
મગનલાલ પ્રજાપતિ 'ધરમ' (મગુના)
જુલમ
આંખે જુલમ કર્યો છે
યાદે જુલમ કર્યો છે
લાગણી ભરેલી
વાતે જુલમ કર્યો છે
પળ પળ તેને આપેલ
સાથે જુલમ કર્યો છે
ચાંદની નીતરતી
રાતે જુલમ કર્યો છે
વ્હાલા સ્પર્શતા તે
હાથે જુલમ કર્યો છે
દર્શિતા બાબુભાઈ શાહ 'સખી' (અમદાવાદ)