Get The App

મૂંઝવણ .

Updated: Sep 4th, 2023


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- મારા બંને સ્તનની સાઈઝમાં થોડો તફાવત છે. ડાબુ સ્તન જમણા સ્તનની સરખામણીએ નાનું છે. 

* મારા પતિની ઊંચાઈ ઘણી ઓછી છે. આ કારણે તેઓ મારા નજીકનાં સગાં-સંબંધીઓને મળવામાં ખચકાટ અનુભવે છે. ઘણું કહેવા છતાં તે કોઈને ઘરે જતા નથી કે સામાજિક સંબંધો અને મિત્રતાના સંબંધો જાળવવા તૈયાર થતાં નથી. શું એવી કોઈ દવા છે, જેનાથી તેમની ઊંચાઈ વધી શકે?

એક સ્ત્રી (વડોદરા)

* તમારા પતિની ઊંચાઈ એમના કે તમારા બંને માટે કોઈ મોટી સમસ્યા ન બનવી જોઈએ. કોઈપણ વ્યક્તિનો દરજ્જો તેની ઊંચાઈથી નહીં, પરંતુ તેના સ્વભાવ, આત્મસન્માન અને  બીજાઓ સાથેના વર્તન-વ્યવહાર પરથી નક્કી થતો હોય છે. જો તમારા પતિ પોતાના વ્યવસાયમાં કાબેલ, મૃદુ, હસમુખા, આત્મવિશ્વાસુ હોય અને બીજા લોકો સાથે સારું વર્તન કરતા હોય તો ચોક્કસપણે તેઓ તમારા સામાજિક વર્તુળમાં પૂરતું માન મેળવવા માટે લાયક છે.

તમારા પતિના મનને તપાસી જુઓ કે શું તેઓ ખરેખર પોતાની ઊંચાઈને લઈને એટલા સેન્સિટિવ છે કે કોઈની સાથે હળવા-મળવા નથી ઇચ્છતા. ક્યાંક તેમના આવા વર્તન માટે ભૂતકાળમાં થયેલો કોઈ ખરાબ અનુભવ તો જવાબદાર નથી ને? જો લગ્ન પહેલાં પણ તેઓ આવા હોત તો તમારી સાથે તેમનાં લગ્ન ન થયાં હોત.

હવે તમે જ્યારે તેમના જીવનસાથી છો તો તેમની સાથે ખભેખભો મિલાવીને ચાલો. તેમની સારી બાબતોની પ્રશંસા કરો, ખામીઓને સ્વીકારી લો, એમાં જ તમારું અને એમનું સુખ સમાયેલું છે. ઇતિહાસમાં એવા અસંખ્ય લોકો જોવા મળે છે, જેમની ઊંચાઈ ઓછી હોવા છતાં પણ દુનિયા આજે એમનું નામ આદરપૂર્વક લે છે.

ઊંચાઈ વધારતી દવાઓની જો વાત કરીએ તો, આજે ઈન્ટરનેટ, મોબાઈલ, એસએમએસ, સમાચાર પત્રો અને ખૂણેખાંચરે જોવા મળતી જાહેરખબરોમાં ઘણા ઢંગધડા વગરના દાવા કરવામાં આવતા હોય છે. તેના પર પૈસા વેડફવા એ સંપૂર્ણપણે મૂર્ખામી છે. બાયોલોજિકલ હકીકત એ છે કે આપણાં હાડકાં અમુક ઉંમર સુધી જ વધવાની ક્ષમતા ધરાવે છે ત્યાર બાદ તેમાં ઊંચાઈ વધારનાર તત્ત્વ જેને એપીપિકસિસ કહેવામાં આવે છે તે હાડકાંમાં ભળી જાય છે. પછી ગમે એટલા પ્રયત્ન કરવા છતાં ઓપરેશન વગર હાઈટ વધી શકે નહીં.

જો તમારા પતિ ઇચ્છે તો ક્યાંક આવતાજતા ઊંચા દેખાવા માટે ઊંચી એડીના બૂટ પહેરી શકે છે. કપડાં ખરીદતી વખતે પણ એ વાતનું ધ્યાન રાખવું કે એવી ડિઝાઈન અને રંગોનાં કપડાં પસંદ કરવાં, જેમાં ઊંચાઈ થોડી વધારે દેખાઈ શકે.

* મને હમણાં ખબર પડી કે મારા ગોલબ્લેડરમાં ૧૩ મિલીમિટરની પથરી થઈ છે. મારે શું શું સાવધાની રાખવી જોઈએ? શું સર્જરી સિવાય બીજો કોઈ ઉપાય પણ છે? કૃપા કરીને મને સલાહ આપો.

એક પુરુષ (અમદાવાદ)

* ગોલબ્લેડરની પથરીનો ઈલાજ મૂળભૂત રીતે એ વાત પર આધારિત છે કે આ પથરી તમને કેટલું હેરાન કરી રહી છે. જો એ એકદમ શાંત પડેલી હોય તો તમે એની અવગણના કરી શકો છો. જો તે ક્યારેક-ક્યારેક હળવો દુખાવો કે તકલીફ આપતી હોય તો શક્ય છે કે ખાનપાનમાં થોડાં નિયંત્રણો રાખવાથી વાંધો નહીં આવે, પરંતુ પથરી જો વારંવાર તકલીફ આપી રહી હોય, વારંવાર દુખાવો થતો હોય તો સ્થિતિ વધુ વણસે તે પહેલાં ઓપરેશન કરાવી લેવું હિતાવહ રહેશે.

આ ઓપરેશન કોલિસિસ્ટેક્ટમી તરીકે ઓળખાય છે, જેમાં સર્જન ગોલબ્લેન્ડરને કાપીને કાઢી નાખે છે. ઓપરેશન પછી લિવરમાં બનતું પિત્ત સીધેસીધું પિત્તવાહિનીઓ દ્વારા નાના આંતરડામાં પહોંચી જાય છે અને પાચનતંત્ર લગભગ પહેલાં જેવું કામ કરે છે. આ ઓપરેશન લેપ્રોસ્કોપીની મદદથી અથવા પેટના જમણી બાજુના ભાગ પર ચીરફાડ દ્વારા કરવામાં આવે છે અને ઓપરેશન પછી થોડા જ દિવસોમાં બધું  બરાબર થઈ જાય છે.

જ્યાં સુધી ઓપરેશન ન કરવામાં આવે ત્યાં સુધી ઘી, તેલ, માખણ, ચીકાશવાળી વસ્તુઓ આહારમાં ન લેવી. જો પથરીના કારણે વારંવાર તકલીફ થતી હોય તો ઓપરેશન કરાવવામાં વિલંબ ન કરો. વિલંબ કરવાથી ગોલબ્લેડરમાં સોજો, ઇન્ફેક્શન અને સ્વાદુપિંડમાં પણ સોજો આવી શકે છે, જેનાથી બિનજરૂરી રીતે સ્થિતિ વણસી શકે છે.

* હું ૧૮ વર્ષની યુવતી છું. મારા બંને સ્તનની સાઈઝમાં થોડો તફાવત છે. ડાબુ સ્તન જમણા સ્તનની સરખામણીએ નાનું છે. કૃપા કરીને કોઈ એવો ઉપાય બતાવો, જેનાથી બંને સ્તનની સાઈઝ એકસરખી થઈ જાય.

એક યુવતી (ભરૂચ)

* તમે આટલા બધા મૂંઝાવ નહીં. તમે તમારી આજુબાજુ  રહેતી  બીજી  મહિલાઓને  ધ્યાનથી જોશો તો ફક્ત સ્તનોમાં જ નહીં, પરંતુ શરીરના બીજા ભાગોમાં પણ આ પ્રકારનો નજીવો ફેર જોવા મળશે.

જો સાઈઝમાં થોડું જ અંતર હોય તો   બ્રાની અંદર એક બાજુ પેડ લગાવીને તમે એને સરળતાથી છુપાવી શકો છો.

જો સ્ત્રીઓમાં બંને સ્તનોમાં વધારે પડતું અંતર હોય એમના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જરી દ્વારા તેમાં સુધારો કરી શકાય છે. આ પ્રકારના ઓપરેશનમાં અર્ધવિકસિત સ્તનની સાઈઝ વધારીને સામાન્ય સ્તનની સાઈઝમાં ઢાળી દેવામાં આવે છે. આ ઓપરેશનને બ્રેસ્ટ ઓગ્મેન્ટેશન સર્જરી કહેવામાં આવે છે, પરંતુ તમારે આ ઓપરેશનની બિલકુલ જરૂર નથી.

* હસ્તમૈથુનથી મારા લિંગનો આકાર એકદમ બદલાઈ ગયો છે. ડૉક્ટરને બતાવવા છતાં હજી સુધી મને કોઈ ફાયદો નથી થયો. તેમનું કહેવું છે કે લોહીનું સર્ક્યુલેશન બરાબર નથી થતું. લિંગની નસો નથી દેખાતી અને લિંગ છે એવું લાગતું જ નથી. છેલ્લા એક વર્ષથી હું બુટી જેલ વાપરું છું. એનાથી મને સારું લાગે છે, પણ ખાવામાં કંઈક ખારું આવી જાય તો લિંગ નબળું પડી જાય છે. મારે બ્લડ ટેસ્ટ કરાવવું જોઈએ? લોહી વધારવાની કોઈ દવા છે? યોગ્ય સલાહ આપશો.

એક યુવક (મુંબઈ)

* બુટી જેલ વિશે મને બહુ માહિતી નથી, પણ માલિશમાં ઘણી વાર એવું બનતું હોય છે કે જે ભાગ પર માલિશ કરતા હો (ઇન્દ્રિય) એના કરતાં જે ભાગ (હાથ)થી માલિશ કરો એ ભાગ વધુ તંદુરસ્ત થતો જોવા મળે છે. ડૉક્ટરે જો માત્ર નરી આંખે જોઈને કહ્યું હોય કે લિંગમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું છે તો એક સમજવું કે એકને કહી, દૂસરે માની ગુરુ નાનક કહે, દોનોં જ્ઞાાની. ઇન્દ્રિય પર નસો હોય કે ન હોય એનાથી કોઈ ફરક નથી પડતો. જે ડૉક્ટરે તમને આવું કહ્યું છે એની વાત તમે સાંભળી જરૂર શકો છો, પણ માનવાની બિલકુલ જરૂર નથી. સંભોગ વખતે જે ક્રિયા ઇન્દ્રિય યોનિમાર્ગમાં કરે છે એ જ ક્રિયા હસ્તમૈથુન વખતે મુઠ્ઠીમાં કરે છે. જેમ સંભોગ કરવાથી ઇન્દ્રિયનો આકાર નથી બદલાતો એ જ પ્રમાણે હસ્તમૈથુન કરવાથી પણ ઇન્દ્રિયનો આકાર નથી બદલાતો. થોડુંઘણું ખારું, ખાટું કે મીઠું ખાવામાં આવે તો મનુષ્યની કામશક્તિ પર બહુ ઝાઝી વિપરીત અસર નથી નથી. અલબત્ત, આયુર્વેદ એમ કહે છે કે લવણરસ (નમક સહિત રસ) પુરુષાતન માટે સારો નથી.

* મારી ઉંમર ૧૮ વર્ષની છે. હું છેલ્લાં પાંચ વર્ષથી હસ્તમૈથુન કરું છું. મને એક પરેશાની છે. મારી ઇન્દ્રિય જમણી બાજુએ વળેલી રહે છે. વળી જે બે વૃષણ છે એમાં જમણી બાજુનું વૃષણ થોડું મોટું થઈ ગયું છે. એમાં જાણે કંઈ ભરાઈ ગયું હોય એમ એ ફૂલી ગયું છે. એને જ્યારે થોડું દબાવવામાં આવે ત્યારે ત્યાં થોડું દુખે છે. એને દબાવતાં અંદરનું પ્રવાહી નીકળી ગયું હોય એમ એ થોડી ક્ષણ માટે નાનું થઈ જાય છે. આનો ઉપાય શું?

એક યુવક (નવસારી)

* જ્યારે ઇન્દ્રિય ઉત્તેજિત થાય ત્યારે થોડી ડાબે કે જમણે હોય જ છે. દુનિયામાં કોઈ વ્યક્તિની ઇન્દ્રિય કાટખૂણે નથી હોતી. ઇન્દ્રિય થોડી ડાબે હોય કે જમણે, એનાથી સંભોગ વખતે યોનિપ્રવેશમાં કોઈ તકલીફ નથી પડતી. દાખલા તરીકે તમારે ઘરની અંદર દાખલ થવું છે. અગત્યની વસ્તુ છે દાખલ થવું. પછી થોડા ડાબે કે જમણે ઝૂકીને દાખલા થાઓ એનાથી દાખલા થવામાં કોઈ સમસ્યા ઊભી નથી થતી. ઇન્દ્રિયનું પણ એવું જ છે.

- અનિતા


Google NewsGoogle News