મૂંઝવણ .
- મારા પતિ મને ચરમસીમાએ પહોંચાડવા માટે દરેક યુક્તિ અજમાવી ચૂક્યા છે, પરંતુ મને તે ચરમસુખ ક્યારેય પ્રાપ્ત નથી થયું.
હું ૩૨ વર્ષની પરિણીતા છું. મારે એક દીકરી છે. મારી સમસ્યા એ છે કે હું મારા સમગ્ર જીવનમાં અત્યાર સુધી એક પણ વાર 'ચરમસીમા' સુધી પહોંચી જ નથી. મારું બાળપણ અને યુવાનીમાં ક્યારેક છૂટાછવાયા સેક્સ્યુઅલ એડવેન્ચર તોે થયાં હતાં, પણ ક્યારેય કોઈની સાથે શારીરીક સંબંધ બાંધ્યો નથી. એટલે મનમાં મારા ભૂતકાળને લઈને કોઈ ગુનાહિત ભાવ પણ નથી. મારા પતિ મને ચરમસીમાએ પહોંચાડવા માટે દરેક યુક્તિ અજમાવી ચૂક્યા છે, પરંતુ મને તે ચરમસુખ ક્યારેય પ્રાપ્ત નથી થયું. આ બાબતે ખુલાસો કરશો? નહીંતર કોઈ દવા કે થેરપિ બતાવશો.
- એક ગૃહિણી (રાજકોટ)
- માત્ર તમે જ નહીં, દુનિયાની ૧૦ થી ૧૫ ટકા સ્ત્રીઓ તમારી જેમ જ ચરમસીમાનું સુખ પામવાથી વંચિતિ રહી જાય છે, પરંતુ કારણ શોધવાનું વિચારાય તો મોટા ભાગની સ્ત્રીઓને સમસ્યાનું સમાધાન મળી જાય છે.
તમે ઉદાસીનતા અને ખોટી ચિંતામાંથી બચવા માટે યોગ, ધ્યાન અને પ્રાણાયમમનો સહારો લો અને મનને મિલનની ક્ષણોમાં એકદમ ખુલ્લું મૂકી દો. કદાચ આટલું જ કરવાથી પણ તમને ચરમસુખ મળી જઈ શકે.
પેલ્વિક ફ્લોર એક્સરસાઈઝ એટલે કે યોનિની માંસપેશીઓને મજબૂત અને સક્ષમ કરે એવો વ્યાયામ પણ તમને લાભદાયી સાબિત થઈ શકે છે. તેના માટે તમે ઘરે પણ એક સરળ કસરત કરી શકો છો, તેને આ રીતે કરાય - યોનિની માંસપેશીઓને એવી રીતે સંકોચન આપો કે જાણે મૂત્રત્યાગની ક્રિયાને રોકતાં હો અને ૧૦ સુધી ગણતરી કર્યા પછી પેશીઓને ઢીલી મૂકી દો. ફરીથી ૧૦ સુધી ગણતરી કરો. હવે આ કસરત થોડી વધારતા રહો. સવાર-સાંજ ૨૫-૩૦ વખત અને નિયમથી કરો. તેનાથી યોનિની પેશીઓમાં ખેંચાણ આવવાથી પતિના મિલનનું સુખ ઘણું વધી જશે.
જો આનાથી પણ લાભ ન થાય, તો કોઈ એવા યૌન રોગોના જાણકારની સલાહ લો કે જેનું સેક્સ થેરપિ વિશે વધુ જ્ઞાાન હોય અને તે તમારા મનની મૂંઝવણો દૂર કરીને તમારી સમસ્યાનું સમાધાન શોેધવામાં તમારી મદદ કરી શકે.
બજારમાં છેલ્લાં થોેડાંક વર્ષોમાં નવી આવેલી દવાઓ જેવી કે સિલ્ડેનાફીલ અને ટેડેલાફિઝ ફીમેલ ઓર્ગે ડિસ્ફંક્શનમાં ઉપયોગ સાબિત થઈ છે, પરંતુ તમે ડોક્ટરની ચર્ચા કરીને સલાહ લઈને જ લેવી એ ઠીક રહેશે.
હું ૨૧ વર્ષની યુવતી છું, મને બંને બ્રેસ્ટમાં ક્યારેક-ક્યારેક સામાન્ય દુખાવો થાય છે. મેં છાતીનો એક્સ-રે પણ કરાવ્યો પણ તેમાં કોઈ જ તકલીફ ન જણાઈ. તપાસ કરતાં કોઈ ગાંઠ જેવું પણ ન લાગ્યું, પણ બંને બ્રેસ્ટની સાઈઝમાં થોડો ફેર જરૂર લાગે છે. આ અંતર કયા કારણે છે? શું આ અંતર ઢીલી બ્રા પહેરવા કે શારીરિક છેડછાડના લીધે તો નથી? ડરું છું કે ક્યાંક કેન્સર તો નથી થયું ને.
એક યુવતી (સુરત)
* માસિક ચક્ર સાથે સ્ત્રીના શરીરમાં ઘણા પ્રકારના હોર્મોનલ અને શારીરિક ફેરફાર આપમેળે થાય છે. તેમાં બ્રેસ્ટમાં પણ ફેરફાર થાય છે. એવી યુવતીઓ, જે પોતાનાં શરીર પ્રત્યે ખૂબ સંવેદનશીલ હોય છે તે આ પરિવર્તનને અનુભવી શકે છે. બંને બ્રેસ્ટમાં ક્યારેક-ક્યારેક સામાન્ય દુખાવો થવો પણ આ પરિવર્તનનો જ એક ભાગ છે, જેને તમે સહેલાઈથી અવગણી શકો છો.
બંને બ્રેસ્ટની સાઈઝમાં પહેલાંથી જ જો થોડું ઘણું અંતર હોય તો એ પણ કોઈ અસામાન્ય લક્ષણ નથી. ચિંતા ત્યારે કરવી જોઈએ જ્યારે સ્તનના આકારમાં અચાનક કોઈ ફેરફાર જણાય.
હું જેવી સૂર્ય-પ્રકાશમાં જાઉં છું, મારા ચહેરા અને શરીર પર લાલ રંગના ચકામા થઈ જાય છે અને તે જગ્યાએ ખંજવાળ શરૂ થઈ જાય છે. તેનું શું કારણ હોઈ શકે છે? તેનાથી બચવાનો શું ઉપાય છે?
એક યુવતી (મુંબઈ)
* તમારી સમસ્યા સૂર્યપ્રકાશમાં જોવા મળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો સાથે વધારે સંવેદનશીલતાથી જોડાયેલી છે. તેનાથી બચવા માટે તડકામાં નીકળતાં પહેલાં ચહેરા અને શરીરના ખુલ્લા ભાગો પર સનસ્ક્રીન લોશન લગાવી લો. ખાસ ધ્યાન રાખો કે આ લોશનનો પાવર ઓછામાં ઓછો ૧૫ એસ.પી.એફ. (સનપ્રોટેક્શન ફેક્ટર) હોય.
જો આ ચકામા પૂરા શરીર પર થતા હોય તો તે સોલર આર્ટિકેરિયાનું પણ સૂચક હોઈ શકે છે. તે એક પ્રકારનો એલર્જીક વિકાર છે. તે થતાં એલર્જી પ્રતિરોધક દવા લેવા અને સ્ટીયરોઈડ મલમ લગાવવાથી લાભ થશે. તમે કોઈ સ્કિન નિષ્ણાતને મળો.
- અનિતા