મૂંઝવણ .
- મને યોનિમાંથી સફેદ પ્રવાહી નીકળ્યા કરે છે. મેં બધી જાતની દવાઓ અજમાવી જોઈ, પણ તેમાં કોઈ સુધારો જણાતો નથી. તમે આ તકલીફનો કોઈ ઉપાય બતાવશો?
* હું ૧૮ વર્ષની યુવતી છું. એક યુવકને પ્રેમ કરું છું. અમે ખૂબ જ સમજાવ્યા. છતાં મારા ઘરનાં લોકો અમને સાથે નથી રહેવા દેતાં. હું જાણવા માગું છું કે કોઈના રક્ષણ વગર હું સ્વતંત્ર રહી શકું કે નહીં?
એક યુવતી (ગોંડલ)
* તમે ખુલાસો નથી કર્યો કે તમારા ઘરનાં લોકોને તમારો પ્રેમી કેમ પસંદ નથી. ઘરના લોકોથી જુદા થઈ એક કુંવારી છોકરી જો કોઈ યુવક સાથે રહે, તો તેના ચારિત્ર્ય તરફ સમાજ આંગળી ચીંધશે. સમાજ એ સંબંધ ક્યારેય નહીં સ્વીકારે. જો તમે એ યુવક વગર ન રહી શકતાં હો અને તમને એ યુવક યોગ્ય લાગતો હોય, તો તેની સાથે લગ્ન કરી લો.
* હું સરકારી સંસ્થામાં કામ કરતી પરિણીત છું. મારો પતિ દારૂડિયો અને ચારિત્ર્યહિન છે. ૧૦ વર્ષ સુધી એનો ત્રાસ સહન કરતી રહી. હવે સહનશક્તિ રહી નથી, આથી મારી દીકરીને લઈને પિયર આવી ગઈ છું. હવે મને દહેજમાં આપેલી વસ્તુઓ અને મેં જાતે ખરીદેલી વસ્તુઓ હું સાસરેથી લઈ આવવા માગું છં સાથે સાથે મારી દીકરીના ભરણપોષણનો ખર્ચ પણ ત્યાંથી મેળવવા માગું છું. પતિને છૂટાછેડા આપી બીજાં લગ્ન કરું, તો સુખી થઈશ?
એક પત્ની (રાજકોટ)
* પતિને છૂટાછેડા આપ્યા પછી તમને સાસરેથી તમારો સામાન અને દીકરી માટે ભરણપોષણ તો મળી જશે, પરંતુ છૂટાછેડા પછી પુર્નલગ્ન કરવાથી તમે સુખી થઈ શકશો કે નહીં, એ કેવી રીતે કહી શકાય? જો પરસ્પરની સંમતિથી છૂટાછેડા મળી જાય, તો તમારે તમારા માટે એક એવી વ્યક્તિ શોધવી પડશે, જે એક યોગ્ય પતિ સાબિત થાય, તે ઉપરાંત તમારી દીકરીને પણ સહર્ષ સ્વીકારે. એ પછી પણ તમારે સુખી દામ્પત્ય માણવા માટે કેટલીક બાંધછોડ તો કરવી જ પડશે.
* હું મુંબઈની એક કોલેજમાં બી.એ.ના છેલ્લા વર્ષમાં ભણું છું. બે વર્ષ પહેલાં હું રજાઓમાં એક ગામ ગઈ, ત્યારે હું મારા એક મસિયાઈ ભાઈ તરફ આકર્ષાઈ અને અમે બધી મર્યાદાઓ ઓળંગી ગયા. તે મારી સાથે લગ્ન કરવા માગે છે, પણ એથી મારી કારકિર્દી, મા-બાપની આબરૂ એ બધું જ ખરાબ થઈ જશે. હું એની સાથે લગ્ન કરવા નથી માગતી, પરંતુ શારીરિક આકર્ષણ એવું પ્રબળ છે, જે મને એનાથી જુદી નથી પડવા દેતું.
એક યુવતી (મુંબઈ)
* ન તો તમે અણસમજું છો અને ન તો આ કિશોરાવસ્થાનો ઉન્માદ છે. તમે ભણેલાંગણેલાં અને પરિપકવ છો. તમને આવી ચારિત્ર્યહીનતા શોભતી નથી. ભલાઈ એમાં જ છે કે જાત પર કાબૂ રાખી એ યુવકથી દૂર રહો. જો તમે તમારી જાતીય ઇચ્છાઓ પર કાબૂ ન રાખી શકતાં હો, તો લગ્ન કરી નાખો. લગ્ન પછી પણ તમે આગળ ભણી શકો છો.
* આઠ વર્ષ પહેલાં મને પ્રસૂતિ આવી ત્યારથી જ આજ સુધી યોનિમાંથી સફેદ પ્રવાહી નીકળ્યા કરે છે. મેં બધી જાતની દવાઓ અજમાવી જોઈ, પણ તેમાં કોઈ સુધારો જણાતો નથી. તમે આ તકલીફનો કોઈ ઉપાય બતાવશો?
એક સ્ત્રી (મુંબઈ)
* તમને જો આઠ વર્ષથી શ્વેત પ્રદરની તકલીફ હોય અને તે દવાઓ લેવા છતાં દૂર ન થઈ હોય, તો પણ તેનું કારણ સામાન્ય ચેપ જેવું મામૂલીયે હોઈ શકે છે અને કશુંક વધારે ગંભીર પણ હોઈ શકે છે. શ્વેત પ્રદરના આ સ્રાવને પ્રસૂતિ સાથે સંબંધ હોય પણ ખરો અને ન પણ હોય તેથી તમે તાત્કાલિક કોઈ નિષ્ણાતને મળો તે ખૂબ જરૂરી છે.
* દર મહિને મને માસિક તેના નિર્ધારિત સમય કરતાં આઠ-દસ દિવસ મોડું આવે છે. કેટલીક વાર તો પંદર દિવસ જેટલું મોડું થઈ જાય છે. આના લીધે ભવિષ્યમાં કોઈ ગૂંચવાડો ઊભો થશે નહીં? યોગ્ય સલાહ આપશો.
એક યુવતી (ગોધરા)
* માસિક મોડું આવવાની તકલીફ સ્ત્રીઓમાં સામાન્ય છે. વહેલું ગર્ભાધારણ, હોર્મોનના પ્રમાણમાં ગરબડ, બ્લડપ્રેશરમાં ફેરફાર જેવા અનેક કારણોના લીધે માસિક મોડું આવી શકે છે. આ સમસ્યાના વધુ ચોક્કસ નિદાન માટે ઉંમર, બીજી શારીરિક તકલીફો, બીમારીને લગતાં બીજા લક્ષણો વગેરે જેવી તમામ વિગતો જાણવી જોઈએ. તેથી મને લાગે છે કે તમને માસિક શા માટે મોડું આવે છે તે નક્કી કરવા સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટરને મળશો.
* મારા લગ્નને દસ વર્ષ થઈ ગયાં છે. છેલ્લા એકાદ વર્ષથી મને માસિકના દિવસો દરમિયાન મારાં સ્તનમાં દુખાવો થાય છે. શું આ માટે કોઈ દવે લેવાની જરૂર છે?
રજની (મુંબઈ)
* માસિક આવતા પહેલાં કે માસિક દરમિયાન સ્તનમાં થતો દુખાવો 'ફોનિક માસ્ટીટીઝ' એટલે કે સ્તનમાં આવતા સોજાના કારણે અથવા તો 'માસિક પહેલાની માનસિક તાણ'ના નામે ઓળખાતાં ઘણાં બધાં લક્ષણોનો એક ભાગ પણ હોઈ શકે છે. આ બેમાંથી કોઈ પણ સ્થિતિમાં તકલીફનું સાચું કારણ જાણવા, સ્ત્રીરોગોના નિષ્ણાત ડોક્ટર પાસે પૂરતી તપાસ કરાવવી જરૂરી છે. તેથી ડોક્ટરની સલાહ મુજબ ઇલાજ કરાવશો.
- અનિતા