મૂંઝવણ .

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- અમે જ્યારે શરીરસંબંધ બાંધીએ છીએ ત્યારે મારું સ્ખલન જલદી થઈ જાય છે. આ કારણથી મારી પત્નીને રતિસુખનો સંપૂર્ણ આનંદ મળી શકતો નથી. 

મારી ઉંમર ૨૭ વર્ષની છે. છ મહિના પહેલાં મારાં લગ્ન થયાં છે. પત્ની સુશીલ છે અને મારી ઘણી કાળજી રાખે છે, પરંતુ અમારા વચ્ચે એક મૂંઝવણ છે. અમે જ્યારે શરીરસંબંધ બાંધીએ છીએ ત્યારે મારું સ્ખલન જલદી થઈ જાય છે. આ કારણથી મારી પત્નીને રતિસુખનો સંપૂર્ણ આનંદ મળી શકતો નથી. પત્નીના કહેવાથી મેં મેગેઝિન-છાપામાં આવતી શરીરસુખ વધારવા માટેની કેટલીક આયુર્વેદિક દવા પણ ખાધી. છતાં તેનાથી કશો લાભ થયો નહીં. હવે તમે એવો માર્ગ, યુક્તિ બતાવો, જેનાથી આ મૂંઝવણમાંથી મુક્તિ મળી શકે.

એક યુવક મુંબઈ

શારીરિક મિલન સમયે પુરુષનું સ્ખલન વહેલું થઇ જવું એ કોઇ શારીરિક વિકાર નથી, પરંતુ સામાન્ય એવી મનોવૈજ્ઞાાનિક સમસ્યા છે. મોટાભાગના કેસોમાં આની શરૂઆત કિશોર અવસ્થાના દિવસોથી મનમાં બેઠેલી શારીરિક ગેરસમજ સાથે જોડાયેલી હોય છે. આ અવસ્થામાં જ્યારે શરીર પુખ્ત થઈ જાય છે અને અંદરની સેક્સની ઇચ્છા પ્રબળ થવા લાગે છે, ત્યારે વધતા સેક્સ્યુઅલ ટેન્શમાંથી રાહત મેળવવા માટે લગભગ બધા કિશોર હસ્તમૈથુનનો સહારો લે છે.  આ એક બિલકુલ સ્વાભાવિક ઉપાય છે, પરંતુ કેટલાક ઊંટવૈદ્યોએ સમાજમાં હસ્તમૈથુન પ્રત્યે એક એવી ભ્રમજાળ ગૂંથી છે કે વ્યક્તિ બિનજરૂરી જાતજાતની ચિંતામાં ફસાય છે. બીજું, મોટાભાગે ભારતનાં ઘરોમાં કિશોરોને એટલું એકાંત નથી મળતું કે નચિંત બનીને પોતાની અંદર બળવાન બનતી જતી સેક્સ્યુઅલ તાણથી રાહત મેળવી શકે. તેના કારણે પણ ઝટ સ્ખલનની સમસ્યા બની શકે છે.

આ ઉંમરમાં ગુનાહિત ભાવનાથી ઘેરાયેલો કિશોર છુપાઇને હસ્તમૈથુન કરતી વખતે સ્ખલિત થવાની ઉતાવળ કરે છે, ત્યાર પછી પરિણીત જીવનમાં આ ઉતાવળ જ ઝટ સ્ખલનની મૂંઝવણભરી ક્રિયા બની રહે છે.

કેટલાક કિસ્સામાં જાતીય જીવનની શરૂઆતમાં કોઇ એવો અનુભવ થાય છે કે વ્યક્તિ તેમાંથી બહાર આવી શકતી નથી. કોઇ એવું સ્થળ જ્યાં સેક્સ ક્રિયા પૂરી કરવામાં ઉતાવળ અને દબાણ હોય, આવી શરૂઆત થઇ હોય તો પછી આગળ ક્યારેક એક ખરાબ વિષચક્ર બની રહે છે. આ તાણ આગળ દરેક વખતે મન પર ટેન્શન બની રહે છે અને મૂંઝવણ પેદા કરે છે.

કેટલાક કેસમાં સાચી જાણકારી ન હોવાના કારણથી પણ મોટી મૂંઝવણ બની રહે છે. અનેક યુવાન તેમની એવી અપેક્ષા બાંધી લે છે કે કોઇ તેમની ઇચ્છા પૂરી ન જ કરી શકે. માત્ર કહેલી-સાંભળેલી વાતો પર જ્યારે કોઇ ખરું ઉતરી શકતું નથી ત્યારે પોતાની જાતને અધૂરી સમજવા લાગે છે અને દુશ્ચિંતાના ચક્રવ્યૂહમાં ફસાઇ જાય છે. આ મૂંઝવણમાંથી બહાર આવવાનો સૌથી સરળ ઉપાય પેલ્વિક ફ્લોર એક્સર્સાઈઝ છે. આ કરવાની રીત ઘણી સરળ છે. તમારી પેલ્વિક પેશીઓને એવી રીતે સંકોચો જાણે તમે મૂત્ર ત્યાગ કરવાની ક્રિયાને વચ્ચે જ રોકો છો. હવે ૧થી ૬ સુધી ગણો, ફરી પેશીઓને ઢીલી છોડી દો. બીજી ૬ સેકન્ડ સુધી તમારી પેલ્વિક પેશીઓને ઢીલી છોડયા પછી આ કસરતને ફરી દોહરાવો. તેને પહેલાં દિવસે ૧૦-૧૨ વાર અને પછી વધારીને સવાર-સાંજ ૨૦-૨૫ વાર લગાતાર ૬ અઠવાડિયા સુધી કરતા રહેવાથી તમે તમારામાં સુધારો થયાનો અનુભવ કરશો.

બજારમાં મળતી સંવેદનાહારી દવાનો ઉપયોગ પણ ચોક્કસ લાભ આપશે. રતિક્રીડા કરતાં પહેલાં ઇન્દ્રિય પર કોઈ સ્થાનિક સંવેદનાહારી (એનેસ્થેટિક) ક્રીમ લગાવવાથી તરત જ સ્ખલનમાંથી મુક્તિ મેળવી શકાય છે. એનેસ્થેટિક ક્રીમ લગાવવાથી અનુભૂતિ મંદ થઇ જાય છે અને તેનાથી રતિક્રીડાનો સમય વધે છે. આ સિદ્ધાંતના આધારે બજારમાં અનેક પ્રકારનાં સેક્સ પાવર વધારે તેવા સ્પ્રે પણ વેચાય છે. જો આનાથી પૂરો લાભ ન મળે તો સારી વાત એ છે કે તમે કોઇ સારા સેક્સ થેરપિસ્ટ અથવા મનોચિકિત્સક ડૉક્ટરની મદદ લો. ભૂલથી પણ કેહવાતા વૈદ્ય-હકીમ કે કહેવાતા નિષ્ણાતોની લપેટમાં ન પડશો.

હું ૨૨ વર્ષની એમ. એ.ની વિદ્યાર્થિની છું. છેલ્લાં ૨-૩ વર્ષથી માથાના દુખાવાથી પરેશાન છું. આ પીડા મને કપાળથી ઉપરના ભાગમાં થાય છે અને ઘણીવાર પહેલાં માથાનો અડધો ભાગ દુ:ખવા લાગે છે. ત્યાર પછી ક્યારેક ક્યારેક એ વધીને આખું માથું દુ:ખવા લાગે છે. ફેમિલી ડૉક્ટરની સલાહથી માથાનું સી.ટી. સ્કેન પણ કરાવ્યું, પરંતુ તેમાં કોઇ ખામી દેખાઈ નહીં, પરંતુ જ્યારે દુ:ખાવો થવા લાગે છે ત્યારે કશું બની શક્તું નથી. કશી સમજ પડતી નથી કે શું કરું. તમે ઉપાય બતાવશો?

એક યુવતી (વાપી)

તમારા માથાના દુખાવાનાં લક્ષણ માઇગ્રેન હોય તેવો સંકેત આપે છે. આ ખાસ કરીને સ્ત્રીઓમાં થતો સામાન્ય દુ:ખાવો છે, જે માથાની નસોમાં ઉથલપાથલ થવાથી થાય છે. દુ:ખાવો થતાં થોડીવાર માટે લોહીની નસો પહોળી થઈ જાય છે, જેથી તેની સાથે સાથે ચાલતી તંત્રિકાઓ પર દબાણ આવે છે અને તેના કારણે દુ:ખાવો થાય છે. આવો દુ:ખાવો અવારનવાર થતો હોય તો તેમાંથી બચવા માટે તમારે કોઇ ન્યુરોલોજિસ્ટની સલાહ લઇ નિયમિત માઇગ્રેન વિરોધી દવા લેવી રહી. તેનાથી ફાયદો થશે. અભ્યાસના તારણમાં જાણવા મળ્યું કે ૬થી ૮ મહિના સુધી દવાનું સેવન કરનારા ૬૦-૬૫ ટકા દર્દીઓમાં દુખાવો બિલકુલ બંધ થઇ જાય છે. બાકીના લોકોમાં પણ દુ:ખાવાની તીવ્રતા, અવધિ અને તેનો દર પહેલાં કરતાં ઘટી જાય છે.

બીજું, દર્દનું સૌ પહેલું લક્ષણ જોવા મળે કે તરત તેના પર કાબુ મેળવવા માટે કોઇ પણ સામાન્ય પીડા ઓછી કરે તેવી દવા, જેમ કે પેરાસિટામોલ, એસ્પ્રિન અથવા ઇબ્યુપ્રોફેન લઇ લેવી. રૂમમાં અંધારું કરી મૂંગા-મૂંગા આંખો બંધ કરી પથારીમાં સૂઈ જવું. તેનાથી પીડામાં તરત રાહત મળશે. 

ત્રીજું, એ વાત પર ધ્યાન આપવું કે કઇ સ્થિતિમાં પીડા થવા લાગે છે. કેટલાક લોકોને આકરા તાપથી, વધારાની તાણ, થાક, લાંબા ગાળાના ઉપવાસ, ટમટમતો પ્રકાશ, વધુ પડતો ઘોંઘાટ અને કેટલાક ખાવાના પદાર્થ જેવા કે ચાઇનીઝ ફૂડ, વિનેગરમાં બનાવેલી વસ્તુ, વધુ પાકેલું કેળું અને દારૂ લેવાથી માઇગ્રેન થાય છે.  આવું કોઈ કારણ પકડમાં આવી જાય તો તેનાથી દૂર રહેવું. રોગ એની મેળે કાબુમાં આવી જશે.

- અનિતા 


Google NewsGoogle News