મૂંઝવણ .
- * હું પરિણીત યુવતી છું. લગ્ન અગાઉ એક યુવકના પ્રેમમાં હતી. હું તેને દિલોજાનથી ચાહતી હતી અને તે મને ચાહતો હતો.
* હું પરિણીત સ્ત્રી છું, લગ્નને ઘણો સમય થઈ ગયો છે. મોટા સંતાનો પણ છે. પહેલાં અમે ખૂબ સુખી હતા. થોડા સમયથી હવે મારા પતિએ નોકરી લીધી છે અને ત્યારથી મારા પતિના જીવનમાં ઘણો ફેરફાર થઈ ગયો છે. તે એક છોકરીના સંપર્કમાં આવ્યા ત્યારથી મારી સાથે લાંબો ગાળા સુધી બોલતા નથી. અને મારો જ વાંક કાઢ્યા કરે છે. તેમ જ ઘરખર્ચ માટેના પૂરા પૈસા આપતા નથી એમને સારું ખાવાપીવાનું જોઈએ છે. મારા મા-બાપ ગરીબ સ્થિતિના છે, એટલે એમને એમ છે કે આ જશે નહિં, અને હું જે કહીશ તે સહન કરશે. તો આ સ્થિતિમાં મારે શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક બહેન (પૂણે)
* તમારું દામ્પત્ય એટલું લાંબા ગાળાનું છે કે તેનો વિચ્છેદ થાય તે ઈચ્છનીય ન ગણાય. તમારા પતિની બગડેલી બુદ્ધિને ઠેકામે લાવવા માટે પ્રેમ અને સમજાવટના પ્રયત્નો કરવા હિતકર છે. ભૂતકાળના તેના સુંદર વર્તન અને તમારા દામ્પત્ય સુખની વાતો કરીને તેને સાચા માર્ગ પર વળવા પ્રેમથી સમજાવતાં રહો, હાલના તેના ખોટા માર્ગથી તેને, તેમને અને સંતાનોને કેવું નુકસાન થઈ રહ્યું છે. અને થઈ શકે તેમ છે. તેનો પણ ખ્યાલ આપતા રહો.
તમારાં મા-બાપ ગરીબ છે, છતાં એકાદ મહિનો તેમને ત્યાં રહેવા જતાં રહો. (મા-બાપની સંમતિ મેળવી લેજો) પતિને એમ કહીને જજો કે મન ખૂબ અકળાયું છે એટલે થોડો વખત પિયર રહેવા જાઉં છું. તમારી ગેરહાજરીથી પતિને ઘણી અગવડો અને મુશ્કેલીઓ નડશે. તેને તમારી જરૂરિયાત અને મહત્ત્વ સમજાશે. બનવાજોગ છે કે, તે તમને પાછા તેડાવી લેશે. અને તેડાવે એટલે જજો. ન તેડાવો તો પણ સમય થતાં પાછા જજો. સુખદુ:ખ વેઠી લઈનેહવે પતિ સાથે રહો તે ઈચ્છનીય છે. તેને સતત પ્રેમથી સમજાવતાં રહો.
ઘરખર્ચના પૈસા આપવામાં તે આનાકાની કરે તો કહેજો કે સારું સારું ખાવું હોય તો વધારે ખર્ચ થાય એ તો કોઈ પણ સમજી શકે તેવી વાત છે. તમે એક એ કેમ નથી સમજતાં? બાકી, જીવનની ઘટમાળ આવી જ હોય છે. સહી લેવું તમાં ડહાપણ ગણાય.
* હું પરિણીત યુવતી છું. લગ્ન અગાઉ એક યુવકના પ્રેમમાં હતી. હું તેને દિલોજાનથી ચાહતી હતી અને તે મને ચાહતો હતો. પરંતુ અચાનક એક દિવસ મારા પિતાશ્રીએ મને પરણાવવાનું નક્કી કર્યું જે મારી મરજી વિરુદ્ધ હતું. છતાં હું મારા પિતાજીને કહી શકી નહિં. લગ્ન બાદ જાણવા મળ્યું કે, તે દારૂડિયો છે. મેં તેને સુધારવાની કોશિશ કરી પણ તે સુધર્યો નહિ અને વધુ નશામાં ડૂબતો ગયો. આથી હું પિતાને ત્યાં ચાલી આવી. ત્યાં મેં મારા અગાઉના પ્રેમી યુવકને જોયો. તે મારી યાદોનો સહારે જીવી રહ્યો હતો. એથી મારું દિલ કંપી ઉઠયું. મેં નિર્ણય કર્યો કે બાકીની જિંદગી તેની સાથે વિતાવવી. તે પણ મને અપનાવવા તૈયાર હતો. મને હતું કે મારા પિતાજી મને છૂટાછેડા અપાવશે પરંતુ મારા પિતાએ મને સાસરે મોકલવાનો નિર્ણય કર્યો છે અને એ માટે બળજબરી કરે છે. તો મારે શું કરવું? યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવતી (અમદાવાદ)
* તમારો પતિ દારૂડિયો છે એ તમને હરગીઝ ન જ ગમે તે વાત સમજાય તેવી છે. પણ તેની સાથે લગ્ન કર્યા પછી તેને સુધારવાના પૂરા પ્રયત્નો તમારે જ કરવા રહ્યા. તમે પ્રયત્નો તો કર્યાં છે પણ તે માત્ર થોડા સમય માટે જ કર્યાં છે, માત્ર મન મનાવવા માટે જ છે. આવી વ્યક્તિને સુધારવા માટે લાંબી ધીરજ અને લાંબો સમય જોઈએ જ. માટે એવી ધીરજથી લાગણીસભર રીતે તેને સમજાવતૈા સુધારવાનું શરૂ કરો. આખરે તમે તેની દારૂની લત છોડાવી શકશો. એક વાર તમે તેને પ્રેમથી જીતી લો એટલે તમને બધી રીતે વશ થઈ જશે.
પતિ-પત્ની બંનેની સંમતિ વગર છૂટાછેડા મળતા નથી. એવી સંમતિ તમારો પતિ ન આપે તો? વળી તમારા પિતા તમને પતિને ત્યાં મોકલવા હઠાગ્રહી છે તે બતાવે છે કે તે તમારો સંસાર ભાંગવા દેવા તૈયાર નથી. આ સ્થિતિમાં તમારે પતિને ત્યાં જ પાછા જવું પડશે. અને જવાનું જ થાય તો પછી મનને તેના તરફ વળીને તેને અને સંસારને સુધારવાના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો કરો તે હિતકર છે.
પ્રેમના ખ્યાલમાંથી નીકળી જાવ. તેને તમે પરણી શકવાના નથી અને તેના સાથેના, લગ્ન વગરના સંબંધ તમારા પિતા ચલાવી લેવાના નથી એ હકીકત છે. માટે આ બધું છોડી પતિગૃહે જાવ. ઈશ્વર તમને સુખ-સફળતા આપશે.
* હું પુખ્તવયની, પરિણીત, સંતાનો ધરાવતી યુવતી છું. હું શાળામાં અભ્યાસ કરતી હતી ત્યારે જ મારાં લગ્ન થઈ ગયા હતા. શરૂઆતમાં તો ઠીક હતું. ગમે તેમ પણ હું તે વખતે નાદાન જ હતી. જેમ જેમ મને સમજ આવતી ગઈ તેમ તેમ તે સંબંધો પ્રત્યે ધૃણા થવા લાગી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ મને એ જીવન પ્રત્યે તિરસ્કાર થવા લાગ્યો. એ બધું સહન નહિ થવાથી હું મારા મા-બાપને ઘેર આવતી રહી. હાલ અહીં હું જાતે જ કમાઈને મારાબાળકોનું ભરણપોષણ કરું છું. મારા પિતાજી હજી પ ણ મને ત્યાં જ જવાનું કહે છે. મને પણ આગળ અભ્યાસ ક કરવાથી ઈચ્છા થવાથી મેં મહિલા કોલેજમાં નામ લખાવી, પરીક્ષા આપી છે, હવે મારે શું કરવું?
એક મહિલા (રાજકોટ)
* તમારી નાદાન વય અને કાચી સમજણના કારણે તમે અયોગ્ય લગ્ન કરી બેઠાં તેના પરિણામે આજે આ વિમાસણમાં મૂકાયા છો. પણ હવે લગ્ન થઈ જ ગયાં છે એટલે શક્ય હોય તો તેને નિભાવવા સારા. પણ તેમ છતાં અયોગ્ય વર્તાવ અને અન્યાય પૂર્ણ ત્રાસ સહન કરવાની સલાહ તો નથી.
હજી તમારી ઉંમર નાની છે. તે જોતાં જો તમારો પતિ તમને સારી રીતે રાખવાની ખાતરીલાયક બાહેંધરી આપે તો તેની સાથે રહો. તેથી બાળકોનું ભાવિ (અને વર્તમાન) સુધરશે. પણ તેની સાથે રહેવા જતાં પહેલાં એ બરાબર સ્પષ્ટ કરી લેજો કે તમે આગળ ભણવા માગો છો અને નોકરી પણ ચાલુ રાખવા માગો છો. જો તે બંને બાબતો તે સ્વીકારે તો જ ત્યાં જાવ. નોકરી છોડવા તૈયાર થશો નહિ. ઉપરાંત હવે વધારે બાળકો ન થાય તે માટે ઓપરેશન કરાવી લો.
જો તમારો પતિ તમારી શરતે તમને રાખવા તૈયાર ન થાય તો તમે તમારા મા-બાપને ત્યાં રહેવાનું ચાલુ રાખો. નોકરી ચાલુ રાખો. બાળકોને ઉછેરો અને આગળ અભ્યાસ પણ ચાલુ રાખો.
- અનિતા