મૂંઝવણ .

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- એક વખત હું મારા પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી, પરંતુ પિતા ઘરે પાછી લઈ આવ્યા. પછી મેં ચોરીછૂપીથી લગ્ન કરી લીધાં.  ડરું છું કે પિતા ક્રોધમાં અમને જાનથી મારી ન નાખે. શું કરું ? 

* હું ૨૧ વર્ષની પરિણીતા છું. ત્રણ વર્ષ પહેલાં મારાં લગ્ન થયાં છે. મારે એક પુત્રી છે. મારા પતિ મને સહેજેય પ્રેમ કરતા નથી. જ્યારે જુઓ ત્યારે મારું અપમાન કર્યાં કરે છે. તેમ છતાં હું તેમને હંમેશા તનમનથી ખુશ રાખવાનો પ્રયત્ન કરું છું. દુઃખદ જિંદગીનો અંત લાવી દેવાની મને ઇચ્છા થાય છે, પરંતુ પુત્રીનો વિચાર કરીને અટકી જાઉં છું. મારા માતાપિતાની મરજી વિરુધ્ધ મેં લગ્ન કર્યાં હતાં. હું ખૂબ હોંશિયાર વિદ્યાર્થિની હતી. બારમા ધોરણ પછી પી.એમ.ટી.ની તૈયારી કરતી હતી. મારા પતિ લેબોરેટરી ટેક્નિશિયન છે. મારી સમસ્યાનો કોઈ ઉકેલ બતાવો. હું કેવી રીતે મારા પતિનો પ્રેમ મેળવી શકું?

એક પરિણીતા (અમદાવાદ)

* પતિની પસંદગી કરવામાં તમે બહુ ઉતાવળ કરી નાખી છે. લગ્ન બાબતે તમે જાતે નિર્ણય લીધો તેમજ લગ્ન માટે તમે માતાપિતાનો સાથસહકાર અને ઘરબાર છોડી જતાં હતાં અને હવે પતિ સાથે તમે મનમેળ નથી સાધી શકતા તેમાં કોઈ શું કરે? પતિને નિભાવવાની સંપૂર્ણ જવાબદારી તમારી છે. તમારા પતિ ગમે તેવા હોય તેને તમારે નિભાવી લેવા પડશે. આત્મહત્યા વિશે વિચારવું પણ ગુનો ગણાય. બને ત્યાં સુધી તમે મનમેળ સાધવાનો પ્રયત્ન કરો અને અનુકૂળ વાતાવરણ બનાવો તથા પુત્રીના ભવિષ્યને ઉજ્જવળ બનાવો.

* હું ૨૪ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મેં ઘરનાથી ચોરીછૂપી પ્રેમલગ્ન કર્યાં છે. જ્યારથી લગ્ન કર્યાં છે ત્યારથી હું મારા પિયર નથી ગઈ. મારા પિતા ખૂબ કડક સ્વભાવના છે તેથી ઘરે જતાં ડરું છું, પરંતુ ઘરનાને મળવાની ખૂબ ઇચ્છા થાય છે. એક વખત હું મારા પ્રેમી સાથે ઘરેથી ભાગી ગઈ હતી, પરંતુ પિતા ઘરે પાછી લઈ આવ્યા. પછી મેં ચોરીછૂપીથી લગ્ન કરી લીધાં. હજુ આજ સુધી ઘરે જવાની હિંમત નથી કરી શકી. ડરું છું કે પિતા ક્રોધમાં અમને જાનથી મારી ન નાખે. શું કરું? કોઈ ઉપાય જણાવો.

એક યુવતી (સુરત)

* તમે એ ખુલાસો કરીને નથી લખ્યું કે તમારા ઘરના લોકો તમારા પ્રેમીને કેમ પસંદ નહોતા કરતા અને તમે તેની સાથે જ લગ્ન કરવાનો તમારો દ્રઢ નિશ્ચય તેમને જણાવ્યો હતો કે નહીં?  કોઈ માર્ગ ન મળવાથી જ તમે ચોરીછૂપીથી લગ્ન કર્યા હશે. લગ્નને આટલાં વર્ષ થઈ ગયાં છે તો તેમના સુધી સમાચાર પહોંચી ગયા હશે. તમે તેમને મળવા ઉત્સુક છો તો એક વખત ત્યાં જઈ આવો. કદાચ એમનો ગુસ્સો અત્યાર સુધીમાં શાંત પડી ગયો હશે અને જો તમારાથી ગુસ્સે હશે તો તમને વઢીને ત્યાંથી જવાનું કહી દેશે. આથી વધુ કઈ નહીં થાય. સારું રહેશે કે તમે એક વખત ત્યાં જઈ આવો અને તમારા વર્તન બદલ માફી માગો.

* હું ૨૯ વર્ષનો હિંદુ યુવક છું અને સરકારી નોકરી કરું છું. હું એક મુસ્લિમ યુવતીને પ્રેમ કરું છું તથા તેની સાથે લગ્ન કરવાનો મેં અડગ નિર્ણય કર્યો છે, પરંતુ મારા ઘરના લોકો આ લગ્ન માટે કોઈ રીતે તૈયાર થતાં નથી અને હું એ યુવતીને છોડવાની કલ્પના પણ નથી કરી શકતો. મારે શું કરવું જોઈએ?

એક યુવક (વડોદરા)

* મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતાં પહેલાં તમારે બરાબર વિચાર કરીને તમારી યોગ્યતા ચકાસી લેવી જોઈએ. તમારા બંનેના પરિવારો તથા જ્ઞાાતિ દ્વારા તમારાલગ્નનો સખત વિરોધ કરવામાં આવશે. તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એટલું જ નહીં, તમારા કરતાં પણ વધારે તમારી પ્રેમિકાને સહન કરવું પડશે. 

જો તે મુશ્કેલીઓ જોઈને ડગી જાય તેમજ પોતાનો નિર્ણય ફેરવી નાખે ત્યારે તમને બહુ દુઃખ લાગશે, તમારા વિશ્વાસને ઠેસ પહોંચશે એટલું જ નહીં સમાજમાં તમારી બદનામી પણ થશે. 

- અનિતા


Google NewsGoogle News