મૂંઝવણ .
- પ્રથમ સંતાન પછી પત્ની સાથે સમાગમ કેટલા વખત પછી કરવો આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે. કેટલી-કેટલી વખત?
* પ્રથમ સંતાન પછી પત્ની સાથે સમાગમ કેટલા વખત પછી કરવો આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે. કેટલી-કેટલી વખત? સામાન્ય રીતે કેટલા સમય પછી બીજું બાળક જન્માવાની શક્યતા. બીજા કોઈ સૂચનો આપશો.
એક પતિ (સૂરત)
* સુવાવડ વખતે બાળકને સમાવવા, ગર્ભાશય ખૂબ જ મોટું થયું હોય છે. તેથી તેને મૂળ કદમાં આવતાં તેમજ તેમાંથી નીકળતું પ્રવાહી બંધ થતાં ૭ થી ૧૦ દિવસ થાય છે. આ સમય દરમિયાન સમાગમ ન જ કરાય. ઘણી નબળી સ્ત્રીઓમાં કે અન્ય કારણસર આ સ્થિતિ એક મહિના સુધી પણ ખેંચાય છે. આપણા સમાજમાં એક મહિનો ન અડવાનું આ એક અગત્યનું કારણ છે.
સામાન્ય રીતે એવી ખોટી માન્યતા ચાલે છે કે બાળક ધાવતું હોય ત્યાં સુધી બીજું બાળક ન થાય, પણ આવા વિચાર ભરોસામાં રહેવાને બદલે જાતીય-જીવન શરૂ કરતાં પહેલાં સ્ત્રીને મોંએથી લેવાની સંતતિ નિયમનની ગોળી શરૂ કરી દેવી જ જોઈએ.
આપણે સુવાવડમાં એક મહિનો સ્ત્રીને આરામ આપીએ છીએ, પણ તેની હળવી પ્રવૃત્તિ શરૂ કરી જ દેવી જોઈએ. સુવાવડના બીજા કે ત્રીજા દિવસથી પથારીની બહાર નીકળી ધીમે-ધીમે સમય વધારતા જવું જોઈએ અને સાતેક દિવસ બાદ પૂરી પ્રવૃત્તિ કરી શકાય. મોટું પેટ થયું હોય છે તેના સ્નાયુઓ ખેંચાઈને પેટ કે પેઢું બેસી જાય તેવી કસરત પણ કરવી જોઈએ. રોજેરોજ સ્નાન કરવું જોઈએ.
સુવાવડમાં બાળક બહાર નીકળી શકે તે માટે નિતંબના હાડકાંના જોડાણોનો ભાગ પણ ખેંચાઈને મોટો થયો હોય છે. આથી આ બધાને મૂળ સ્થિતિ સ્થાપકતા પ્રાપ્ત કરતા પણ ઉપર જેટલો સમય જાય છે. આથી આ સ્થિતિમાં વજન ન ઊંચકાય કે ભારે મહેનતનું કામ ન કરાય.
* બહાર ગયા હોઈએ ત્યારે વીશી-લોજ, રેસ્ટોરાં કે ધાબામાં નાસ્તો કરાય કે નહિ ?
''મારા પતિને બહાર હૉટલમાં નાસ્તો કરવાની બહુ ટેવ છે. તેમનો ધંધો એવા પ્રકારનો છે કે ખાવાનો વખત મળતો નથી અને શહેરમાં દૂરથી ઘરે જમવા આવવાને બદલે હૉટલના નાસ્તાથી ચલાવી લે છે.
અમને પણ રજાના દિવસે કે અનુકૂળતાએ બહાર સાંજના ફરવા લઈ જાય છે ત્યારે રાંધવામાં રજા રાખી અમે પણ બાળકો સાથે બહાર જ ખાઈ લઈએ છીએ. હૉટલ કે બહારના નાસ્તા પ્રત્યે ઘણા બધા નારાજગી વ્યક્ત કરે છે. હૉટલમાં નાસ્તો કરાય કે નહિ?''
એક યુવતી (સંજાણ)
* રોગચાળો ચાલતો હોય ત્યારે તો બહારનું ખાવાપીવાનું ટાળવું.
કદાચ હૉટલમાં નાસ્તો કરવો હોય તો સાફ-ચોખ્ખી-ઢાંકેલી તથા તાજી વાનગીઓ આપતી હૉટલ પસંદ કરવી ગરમ, તળેલું ખાવાથી જંતુનો નાશ થવાથી તે સારું. પણ પાચન શક્તિને અનુકૂળ આવવું જોઈએ.
હૉટલના નાસ્તામાં પોષક તત્વો પ્રમાણમાં ઘણા ઓછા હોય છે. નાસ્તો બનાવવામાં, જાળવી રાખવામાં, પીરસવામાં શુદ્ધ હોવું, સ્વસ્છ વાસણો હોવા, માખી, જંતુ સામે રક્ષણ આપવું વગેરેમાં ઘર જેટલી કાળજી હૉટલના ભાડુતી નોકરો ન જ રાખે તે સ્વાભાવિક છે.
આશા રાખું છું કે તમે પણ હરી-ફરીને હૉટલમાં નાસ્તો કરતા પહેલા તમારા હાથ મોં બરાબર ધોઈને જ નાસ્તો કરતા હશો તથા બાળકોને પણ તે જ પ્રમાણે અનુસરવા કહેતા હશો.
ગરમ સીંગ જેવો પૌષ્ટિક અને સસ્તો નાસ્તો પણ લઈ શકાય. તમારા પતિને વિકલ્પમાં સાથે નાસ્તા બોક્સ આપી શકાય. અથવા તમારા પતિ તાજો બ્રેડ લઈ ચા-દૂધ સાથે ઑફિસે પણ લઈ શકે.
સુંદર સ્વચ્છ આકર્ષક હૉટલમાં પણ કર્મચારીઓ ગંદા તેમજ કુટેવવાળા હોય તો પણ નાસ્તો દુષિત થવાનો સંભવ ઘટે.
શહેરમાં ડેરીનું દૂધ બંધ બાટલીમાં તથા ડેરીનો આઈસ્ક્રીમ તથા દૂધના શરબતો પણ મળે છે. સાર્વજનિક સ્થાન હૉટલ, ભોજનાલય, પાણીની પરબ, સિનેમાગૃહ વગેરે જગ્યાએ પાણી માટે મોટા વાસણો કે ટાંકી હોય છે. આને રોજ-રોજ સાફ કરવામાં આવતા નથી તથા ઘણીવાર આમાં હાથ નાખીને પાણી લેવામાં આવે છે આ પાણી ચોખ્ખું રોજનું તાજે તાજું ઢાકેલું પણ ઘણીવાર નથી હોતું. આથી ઘણીવાર આ પાણી પણ તંદુરસ્તીને હાનિકારક સાબિત થઈ શકે છે. આથી મુખ્યત્વે રોગચાળા વખતે તો હોટલ કે સાર્વજનિક સ્થળોનું ખાવા-પીવાનું ટાળવું જોઈએ.
- અનિતા