મૂંઝવણ .
- મારા પતિ એક પુરુષ વેશ્યા છે. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ છે. કેટલીય વિધવા, ત્યક્તા અને બદચલન સ્ત્રીઓ પાસે તેઓ જાય છે.
* અમારા એરિયામાં ઘણા મચ્છર છે. મારે એ જાણવું છે કે મચ્છર કરડવાથી એઈડ્સ થઈ શકે?
એક યુવાન (મુંબઈ)
* ના, મચ્છર કરડવાથી એઈડ્સ થવાની કોઈ જ શક્યતા નથી. મચ્છરના પેટમાં બહુ જ થોડું લોહી જવાથી એમાં એઈડ્સના જંતુની સંખ્યા ઘણી ઓછી હોય છે. મલેરિયાના જંતુ મચ્છરની લાળમાંથી બહાર આવી શકે છે, પણ એઈડ્સના વિષાણુઓ બહાર નથી આવતા. એને પરિણામે મચ્છર કરડવાથી એઈડ્સ થવાની શક્યતા નહીંવત્ છે.
* મેં પ્રેમલગ્ન કરેલાં છે. મારા સાસરીવાળા મારવાડી છે, જ્યારે પિયરવાળા પંજાબી છે. પહેલાં તો ઘરનાં લોકો લગ્ન કરવા તૈયાર હતા નહીં, પરંતુ પછી મારી પસંદગી સામે તેઓ નમ્યાં. લગ્નમાં યથાયોગ્ય દહેજ આપ્યું છતાં પણ મારાં સાસુ ખુશ નથી. તહેવાર આવે તે પહેલાંથી સંભળાવવા લાગે છે કે તેમને ત્યાં શું શું આવે છે. અત્યાર સુધી તો હું તેમની ઇચ્છા મુજબ પિયરથી ચીજવસ્તુ લાવતી રહું છું, પરંતુ હવે તો લાગે છે કે તેમની લાલચનો પાર નથી એટલે મેં સ્પષ્ટ કહ્યું કે હું પિયરથી કશું માગીને લાવવાની નથી. જે આપશે તે લઈશ. આ વાત પર સાસુનણંદનાં ભવાં ચડી ગયાં છે. માત્ર પતિએ કહ્યું કે તેં સારું કર્યું છે.
એક સ્ત્રી (ઇંદોર)
* જે રીત હવે તમે અપનાવી તે પહેલા દિવસથી અપનાવી હોત તો દરરોજ પિયરવાળા પાસે માગીમાગી ચીજવસ્તુ ન લાવવી પડત અને તમારા સાસરીવાળાની લાલચ પણ વધી ન હોત. કંઈ નહીં, મોડાં મોડાં પણ જાગ્યા તો ખરા. આવા સાહસથી તેઓ ચોંકી જાય એ સ્વાભાવિક હતું. તેમણે આવું તો સપનામાં પણ નહીં વિચાર્યું હોય. તમે સ્વસ્થ, સામાન્ય રહો. તેમનો ગુસ્સો થોડા દિવસોમાં આપોઆપ ઠંડો થઈ જશે અને પછી પતિ તો તમારી સાથે છે જ એટલે ગભરાવાની જરૂર નથી.
* મારાં લગ્નને સાત વર્ષ થયાં છે. અમારે એક પુત્ર હતો જે એક વર્ષ પહેલાં એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો હતો. હવે અમને બાળક જોઈએ છે, પણ મારા સ્પર્મ કાઉન્ટિંગ ઓછા છે. ડોક્ટરના રિપોર્ટ મુજબ મારા વીર્યમાં જીવતા શુક્રાણુ કરતાં મરેલા શુક્રાણુની સંખ્યા ઘણી વધારે છે. મારી પત્નીના બધા રિપોર્ટ નોર્મલ છે. ડોક્ટરનું કહેવું છે કે અમારે ટેસ્ટટયુબ બેબી કરવી પડશે, એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આનો ઉપાય શું? મારે શું કરવું જોઈએ?
એક યુવક (સુરત)
* એક વખત બાળક થઈ ગયું હોય પછી આમ અચાનક શુક્રજંતુ ઓછા થઈ જાય એવું બનવાના ચાન્સિસ નથી એવું નથી. પણ બહુ ઓછા હોય છે. આવા સંજોગોમાં સારા પેથોલોજિસ્ટ પાસે આજે વીર્યસ્ખલન થયું હોય તો ચાર દિવસ પછી જઈને વીર્યનો રિપોર્ટ ચેક કરાવવો. આ માટે કોઈ લેબોરેટરીમાં વીર્યની તપાસ કરાવવી. જો તમારો કાઉન્ટ વીસ મિલિયન પર સીસીથી વધારે હોય અને ગતિ ગ્રેડ ત્રણ કે ચાર જેટલી હોય તો સમજવું કે રિપોેર્ટ નોર્મલ છે તથા ટેસ્ટટયુબ બેબી કરવાની કોઈ જરૂર નથી.
* હું ૪૨ વર્ષની શિક્ષિત પરિણીત તથા બે યુવાન બાળકોની માતા છું. હજુ થોડા દિવસ પહેલાં મને ખબર પડી છે કે મારા પતિ એક પુરુષ વેશ્યા છે. તેમને અનેક સ્ત્રીઓ સાથે સંબંધ છે. કેટલીય વિધવા, ત્યક્તા અને બદચલન સ્ત્રીઓ પાસે તેઓ જાય છે. પતિના આ પ્રકારના વર્તનથી હવે હું કંટાળી ગઇ છું. તેથી તેમનાથી છુટકારો મેળવવા માગું છું. આ ઉંમરનાં પતિના આ પ્રકારની ચાલચલગતથી હું કંટાળી ગઇ છું. શંકા તો પહેલેથી જ હતી, પરંતુ હવે તો સચ્ચાઇ સામે આવી ગઇ છે. મને જણાવો કે શું કરું? તેમને છૂટાછેડા આપી દઉં, મારી નાખું કે પછી કોઇ આશ્રમમાં જતી રહું.
એક પત્ની (મુંબઈ)
* તમે પતિ સાથે વાત કરી જુઓ કે તે આ વ્યભિચાર છોડી દે. આનાથી એઇડ્સ જેવી જીવલેણ બીમારી થઈ શકે છે. જ્યાં સુધી તેઓ બીજી સ્ત્રી સાથેના સંબંધ કાપી ન નાખે ત્યાંસુધી તમે તેમની સાથેના શારિરીક સંબંધથી દૂર રહો. પણ હા, તેમને ભટકવા ન દેશો. છૂટાછેડા કે હિંસાની વાત પણ મનમાંથી કાઢી નાખો. ઘરમાં જુવાન બાળકો હોવાને કારણે ઘરેથી ભાગીને આશ્રમમાં આશરો લેવાથી તમને શાંતિ મળશે ખરી? આમ પણ મોટાભાગના આશ્રમ વ્યભિચારના અડ્ડા છે. ત્યાં તમને આના કરતાં પણ વધારે ગંદકી જોવા મળશે. તમે ઘરેથી ભાગી જવા માગો છો. પતિ બીજે ભટકે છે તો બાળકોની ચિંતા કોણ કરશે?
તેથી આવા સમયે જ્યારે પતિ ઘરની જવાબદારી ઉપાડવાને બદલે બહાર ભટકતો હોય ત્યારે તમારી જવાબદારી વધી જાય છે. તેથી સમજીવિચારીને કામ લેવું જોઇએ.
- અનિતા