Get The App

મૂંઝવણ .

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
મૂંઝવણ                                                               . 1 - image


- હું એમ.એ. થયેલી પ્રોફેસર છું. મારા ગામના અને અમારી જ્ઞાતિના યુવકને પ્રેમ કરું છું જે લશ્કરમાં છે.

* હું ૪૦ વર્ષની પરિણીતા છું. પતિ છ મહિના પહેલાં બે વર્ષ માટે પરદેશ ગયા છે. મારે ૧૫ વરસનો પુત્ર અને ૧૨ વરસની પુત્રી છે. તેઓ શાળાએ જાય તે પછી હું પાડોશમાં રહેતા એમ.એ.ના એક વિદ્યાર્થી સાથે અનૈતિક સંબંધ બાંધું છું. આ ક્રમ છેલ્લા છ મહિનાથી ચાલ્યો આવે છે. બે માસથી હું ગર્ભવતી બની છું. તે યુવાન ગર્ભપાત કરાવવા ના કહે છે તથા લગ્ન કરવા દબાણ કરે છે. એ યુવકને હું બેહદ ચાહું છું. કોઈ કિંમત પર તેને ગુમાવવા તૈયાર નથી. મારે શું કરવું?

એક પરિણીતા (અમદાવાદ)

* તમે આધેડ ઉંમરની સ્ત્રી છો. તમારો પુત્ર યુવાનીના ઉંબર પર ઊભો છે તથા પુત્રી કિશોરાવસ્થામાં છે. પતિ માત્ર બે વર્ષ માટે પરદેશ ગયા છે. આ સમયમાં તમારે બાળકોની સારસંભાળ રાખીને ઉછેરવા જોઈએ. તેના બદલે બે મહિનામાં જ તમે તમારો માર્ગ ભૂલી ગયાં? જો માતા બદચલન હોય તો તેની બાળકો પર શી અસર પડશે એનો કદી વિચાર કર્યો છે ખરો? હજુ પણ તમારી ભલાઈ માટે તથા કુટુંબને પતનમાંથી બચાવવાની ઇચ્છા હોય તો ચૂપચાપ ગર્ભપાત કરાવી લો અને વ્યભિચાર છોડી દો, નહીં તો ક્યાંયના નહીં રહો.

* હું એમ.એ. થયેલી પ્રોફેસર છું. મારા ગામના અને અમારી જ્ઞાતિના યુવકને પ્રેમ કરું છું જે લશ્કરમાં છે. ઘરવાળાના વિરોધ હોવા છતાં તે મારી સાથે લગ્ન કરવા ઇચ્છે છે અને તેની સાથે આવવા દબાણ કરે છે. દરેક રજાના દિવસે તેના કુટુંબીજનો તેના લગ્ન માટે કહે છે. મારે શું કરવું?

એક યુવતી (વડોદરા)

* તમે એ વાત સ્પષ્ટ નથી જણાવી કે તમારા કુટુંબીજનો આ લગ્નનો વિરોધ શા માટે કરે છે. જો કુટુંબ વિરોધ કરતું હોય અને એની પાછળ કોઈ ખાસ કારણ ના હોય તો તમે બંને કોર્ટમાં જઈ લગ્ન કરી શકો છો. આ જ નહીં તો કાલે ઘરના લોકો સ્વીકાર કરી લેશે.

* હું ૨૦ વર્ષની પરિણીત યુવતી છું. લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારો પ્રશ્ન મારી સાસુને લીધે છે. પતિથી નાનો એક ભાઈ પણ છે. તે બીજી જગ્યાએ રહે છે. મારી સાસુ છ મહિના અમારી સાથે અને છ મહિના બીજા દિકરા સાથે રહે છે. જ્યારે પણ તે અમારી પાસે આવે છે ત્યારે હું હેરાન થઈ જાઉં છું કારણ કે તે હંમેશા અમારી વચ્ચે ઝઘડો કરાવવાની તક શોધતી હોય છે. એટલું જ નહીં, ક્યાંય પણ જઈએ તો સાથે આવે છે. સૌથી મોટો સવાલ એ છે કે તે રાત્રે પણ અમારી સાથે જ સૂઈ જાય છે. પતિ મારી કોઈ વાત સાંભળતો નથી. તો મારે શું કરવું?

એક યુવતી (સુરત)

* સાસુવહુ વચ્ચેનું ટેન્શન સામાન્ય વાત છે. તમારી સાથે કશું નવું નથી બનતું. તમારી સાથે છ મહિના જ તે રહે છે. જરા વિચારો કે તે કાયમ તમારી સાથે રહેતી હોત તો તમે શું કરત? જો તમે બહાર જાવ અને તે સાથે આવતી હોય તો તમારે વિરોધ ન કરવો જોઈએ. હા, સાથે સૂઈ જાય છે તે બાબત યોગ્ય ના ગણાય. આ સ્થિતિમાં તમારે પતિને સમજાવવો જોઈએ કે તે માતાની સૂવાની વ્યવસ્થા બીજા ઓરડામાં કરે. સાસુ પાસે હોય ત્યારે તેની વિરુદ્ધ પતિને કશું પણ ના કહેશો કારણ કે ત્યારે પતિ તેની વિરુદ્ધ કશું સાંભળવાનું પસંદ નહીં કરે. જો સાંભળી પણ લેશે તો તેની જરા પણ અસર નહીં થાય.

* હું ૨૨ વર્ષની યુવતી છું. માતાપિતા ગામડે રહે છે. હું મોટાકાકા સાથે દિલ્હીમાં રહું છું. મોટાકાકાનાં સંતાનો કડકડાટ અંગ્રેજી બોલે છે. મને જરા પણ ફાવતું નથી જેના કારણે હું લઘુતાગ્રંથિથી પીડાઉં છું. શું કરવું?

એક યુવતી (દિલ્હી)

* મોટાકાકાનાં બાળકો અલગ વાતાવરણમાં મોટાં થયાં છે. તમે ગામડાનાં વાતાવરણમાં મોટાં થયાં છો એટલે તેઓ અંગ્રેજી બોલી શકે છે. તમારે લઘુતાગ્રંથિથી ન પીડાવું જોઈએ. તમારે અંગ્રેજી બોલતાં શીખવું હોય તો કોઈપણ અંગ્રેજી  સ્પિકિંગ સ્કૂલમાં જઈને શીખવું જોઈએ.

* છેલ્લાં પાંચ-છ વર્ષથી અમે અમારા ૨૩ વર્ષના દિકરાથી પરેશાન છીએ. કૉલેજમાં એડમિશન લીધા પછી એણે ક્યારેય કૉલેજમાં પગ નથી મૂક્યો. નથી એ ભણતો કે નથી કંઈ કામધંધો કરતો. એની મા અને બહેન સાથે પણ સરખી રીતે વર્તતો નથી. એના ખાવા-પીવાનું, ઊંઘવા-જાગવાનું કંઈ ઠેકાણું નથી. સાંજે ફરવા નીકળી જાય, તો મોડી રાતે ઘેર આવે છે. એને સીધા માર્ગે કેમ વાળવો?

એક આધેડ યુવતી (ભરૂચ)

* ઘણી વાર સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી પોતાની કારકિર્દીની પસંદગી વિશે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં પડી જતા હોય છે. સાચું માર્ગદર્શન અને મોકો ન મળવાથી તેઓ યોગ્ય નિર્ણય નથી લઈ શકતા, જ્યારે એમના બીજા મિત્રો એમનાથી આગળ નીકળી જાય છે. આના કારણે તેમના મનમાં લઘુતાગ્રંથિ બંધાઈ જાય છે. ઘરનાંની સલાહ તેમને ગમતી નથી અને તે બને ત્યાંસુધી બધાંથી દૂર રહેવાની કોશિશ કરે છે. તમે તમારા દિકરાને સમજાવવાનો પ્રયત્ન કરો. ભણવામાં એનું ચિત્ત ન ચોંટતું હોય તો તેને રસ હોય એવા કોર્સમાં એડમિશન અપાવી દો અથવા તો કોઈ નાનોમોટો ધંધો શરૂ કરવામાંય એની ઇચ્છા જાણીને મદદ કરી શકો. એક વાર એ કામે વળગી જશે પછી તમને કંઈ પરેશાની નહીં થાય.

* મારી ઉંમર ૨૦ વર્ષ છે. સગાઈ થઈ ગઈ છે અને થોડા મહિના પછી લગ્ન થવાનાં છે. મારી એક મૂંઝવણ છે. નાનપણમાં મને યોગ્ય વાતાવરણ અને માબાપનો પ્રેમ ન મળવાથી ખોટી સોબતે ચડીને હું હસ્તમૈથુન કરવા લાગી. હવે મને ખૂબ બીક લાગે છે કે મારા શરીરમાં કોઈ જાતની ખામી ન આવી ગઈ હોય. મેં એવુંય સાંભળ્યું છે કે આનાથી ગર્ભધારણમાં મુશ્કેલી પડે છે. એ સાચું છે?

એક યુવતી (વલસાડ)

* તમે 'મૂંઝવણ કોલમ' નિયમિત વાચતાં નથી લાગતાં, નહીંતર સેક્સની બાબતે તમે આવી અધૂરી માહિતી ધરાવતાં ન હોત. 'મૂંઝવણ કોલમ'માં અવારનવાર જણાવાતું હોય છે કે કુંવારાં છોકરા-છોકરીઓમાં સામાન્ય રીતે જોવા મળતી એ અકુદરતી જાતીય ક્રિયા છે. લગ્ન પછી આ કુટેવ આપમેળે છૂટી જાય છે. તેનાથી શરીરમાં કોઈ જાતની ખામી કે વિકાર ઉત્પન્ન થતાં નથી. સાંભળેલી વાતોથી ભરમાયા વિના સંપૂર્ણપણે સુખમય ભાવી જીવનની કલ્પના કરો.

* હું ફેક્ટરીમાં નોકરી કરું છું ત્યાંના મારા ઉચ્ચ અધિકારી મને અને મારા પતિને ખૂબ માન આપે છે. તેમણે જરૂર પડયે અમને આર્થિક મદદ પણ કરી છે, પણ છેલ્લા થોડા સમયથી એમની દાનત બગડી છે. એ સ્પષ્ટ રૂપે પોતે કરેલા ઉપકારોના બદલામાં મારી સાથે આડો સંબંધ બાંધવા માગે છે. હું આવી તો કલ્પનાય નથી કરી શકતી. પતિ પ્રત્યે સંપૂર્ણ નિષ્ઠાવાન છું, પણ એમને આ બધું કેવી રીતે કહું? કે પછી નોકરી છોડી દઉં?

એક યુવતી (સુરેન્દ્રનગર)

* તમારે નોકરી કર્યા વિના ચાલે જ નહીં એવું હોય તો પહેલાં બીજે ક્યાંક નોકરી શોધી લો પછી આ નોકરી છોડી દો. અધિકારીના ખરાબ વર્તન વિશે પતિને વાત કરવામાં કંઈ ખોટું નથી.

- અનિતા


Google NewsGoogle News