મૂંઝવણ .
- મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમે સંતાન માટે કોશિશ કરીએ છીએ, પણ હજી સુધી સફળતા નથી મળી.
પ્રશ્ન: મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે. અમે સંતાન માટે કોશિશ કરીએ છીએ, પણ હજી સુધી સફળતા નથી મળી. તો યોગ્ય માર્ગદર્શન આપશો.
એક યુવક (સુરત)
ઉત્તર: તમે તમારા વીર્યની તપાસ કોઈ સારી લેબોરેટરીમાં કરાવો. વીર્ય તપાસ માટે આપો ત્યારે બે સ્ખલન વચ્ચે ચાર દિવસનો ગેપ હોવો જોઈએ. હોસ્પિટલમાં જઈને વીર્ય હસ્તમૈથુનથી કાઢીને આપી દેવું. એનો રિપોર્ટ બરાબર આવે તો ઠીક છે, નહીં તો કોઈ એન્ડ્રોલોજિસ્ટ કે યુરોલોજિસ્ટને બતાવીને આગળ વધવું. શુક્રજંતુઓ બિલકુલ ન હોય કે ઓછા હોય તો યોગ્ય ડોક્ટર એનો યોગ્ય ઉપચાર બતાવી શકે છે. જો રિપોર્ટ નોર્મલ હોય તો તમારી પત્નીની પણ કોઈ ગાયનેક ઇન્ફર્ટિલિર્ટી એક્સપર્ટને બતાવીને તપાસ કરાવવી. તપાસમાં ઇંડું (સ્ત્રીબીજ) બરાબર નીકળે છે કે નહીં, સ્ત્રીબીજને લઈ જતી સ્ત્રીબીજનલિકા (ફેલોપિયન ટયુબ)માં કોઈ અવરોધ છે કે નહીં એની ચકાસણી કરવી. આ બન્નેમાં જો કોઈ ક્ષતિ હોય તો એનો યોગ્ય ઉપાય કરાવવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. ઘણીવાર એવું બને કે બન્ને જણ નોર્મલ હોય છતાં ગર્ભ ન રહે. આવા સમયે સ્ત્રી માસિકમાં બેઠી હોય ત્યાર પછી એક અઠવાડિયું અને સ્ત્રી માસિકમાં બેસવાની હોય એના પહેલાંનું એક અઠવાડિયું સમાગમ કરવો. સમાગમ વખતે વીર્યસ્ખલન થઈ જાય પછી પત્નીને તેના બન્ને ઘૂંટણ છાતી નજીક લાવી દેવાનું સૂચન કરવું અને એ જ પોઝિશનમાં વીસેક મિનિટ પડયા રહેવું.
પ્રશ્ન: મારી સમસ્યા એ છે કે મારા લિંગનું ઉત્થાન થયા વગર કે કોઈ પણ જાતના એકસાઈટમેન્ટ વગર એમાંથી લાળ પડે છે. એને લીધે મારી અન્ડરવેર બગડે છે અને ખરાબ વાસ આવે છે. તો આ લાળ બંધ કરવા શું કરવું? ટાડાલાફિલ ૨૦ મિલીગ્રામ અને દેશી વાયેગ્રા વચ્ચે શું તફાવત છે એ જણાવશો. કઈ ગોળી વાપરવી સારી?
એક પુરુષ (અમદાવાદ)
ઉત્તર: લાળ ટપકતી હોય તો એનો ઇલાજ કરાવવો નહીં. રાત્રે સાબુ અને પાણીથી અન્ડરવેર ધોઈ નાખવી. દવા લેશો તો તબિયત બગડશે. આ એક કુદરતી વસ્તુ છે અને બને ત્યાં સુધી કુદરતની વિરુદ્ધ જવું નહીં. મારા અનુભવ પ્રમાણે દેશી વાયેગ્રામાં રિઝલ્ટ વધુ સારું મળે છે. દેશી વાયેગ્રા ૧૦૦ મિલીગ્રામ બરાબર ટાડાલાફિલ ૨૦ મિલીગ્રામ. દેશી વાયેગ્રા ભૂખ્યા પેટે લેવાથી વધુ અસર કરે છે. દેશી વાયેગ્રાની અસર ચારથી છ કલાક હોય છે, જ્યારે ટાડાલાફિલ ૨૦ મિલીગ્રામની અસર ૩૬ કલાક હોય છે. તમારે પ્લાનિંગ કરીને સંભોગ કરવો હોય તો દેશી વાયેગ્રા સારી અને પ્લાન કર્યા વગર સંભોગ કરવાનો હોય તો ટાડાલાફિલ ૨૦ મિલીગ્રામ વધુ સારી. તમે તમારી જરૂરિયાત પ્રમાણે તમારા ડોકટરની સલાહ મુજબ યોગ્ય દવા લઈ શકો છો.
પ્રશ્ન: હું ૨૪ વર્ષનો કુંવારો યુવક છું. મને મહિનામાં છથી સાત વખત સ્વપ્નદોષ થાય છે અને વીર્ય પણ પાણી જેવું પાતળું નીકળે છે. મારું શરીર પણ નથી બનતું. ઘણીવાર રાત્રે સેકસ બહુ ચડે છે ત્યારે હસ્તમૈથુનથી પણ સંતોષ નથી મળતો. મને આનો યોગ્ય ઉપાય બતાવશો.
એક યુવક (રાજકોટ)
ઉત્તર: આ સ્વપ્નદોષ નથી, પણ સ્વપ્નમૈથુન છે. વીર્ય એક રસ છે. તે પ્રજનના અવયવમાં ચોવીસે કલાક બને છે. તમે નહીં કાઢો તો એની મેળે નીકળી જશે. પાણીનો એક પ્યાલો હોય અને એમાં વધુ પાણી નાખશો તો ઉભરાઈ જશે.
એ જ પ્રમાણે તમે મૈથુન નહીં કરો, હસ્તમૈથુન નહીં કરો તો સ્વપ્નમૈથુનથી વીર્ય બહાર છલકાઈ જશે. જેમ અનિશ્ચિત સમય સુધી પેશાબ રોકવો શક્ય નથી એ જ પ્રમાણે વીર્યને રોકવંુ પણ શક્ય નથી.
જેમ- જેમ ઉંમર વધતી જાય તેમ વીર્ય પાતળું થતું જાય, સફેદમાંથી પીળું થાય અને વધારેમાંથી ઓછું થાય. જોકે વીર્યના પાતળા થવાથી, ઓછા થવાથી કે પીળા થવાથી સેકસની ઇચ્છામાં કોઈ ફરક નથી પડતો. તમે જે જુઓ છો એ રસ છે, શુક્રજંતુ નથી. વારંવાર વીર્યસ્ખલન થાય તો નાની ઉંમરમાં પણ વીર્ય પાણી જેવું પાતળું આવી શકે. પાતળું વીર્ય એ બીમારી નથી એટલે એના ઇલાજની કોઈ આવશ્યકતા નથી.
તમને રાત્રે ઘણી વાર ઉત્તેજના વધી જાય છે અને હસ્તમૈથુન કર્યા પછી પણ જેટલો સંતોષ થવો જોઈએ એટલો નથી થતો. હવે જ્યારે તમે હસ્તમૈથુન કરો ત્યારે તમારે મનગમતી વ્યક્તિની કલ્પના કરીને તેની જોડે મૈથુન કરી રહ્યા હો એવા વિચાર કરજો. આમાં તમને મૈથુન કરતાં પણ વધુ મજા આવે એવું બને, કારણ કે હકીકત કરતાં હકીકતની કલ્પના વધારે રંગીન હોય છે. ખરું પૂછો તો હસ્તમૈથુન વખતે તમે એવી વ્યક્તિ જોડે મૈથુન કરી રહ્યા હો છો જેની જોડે તમે ખરેખર પ્રેમમાં છો.
- અનિતા