સૌંદર્ય સમસ્યા .
- હું 22 વરસની યુવતી છું. મારા હોઠ વધુ પડતા બહાર દેખાય છે તો મારે કઇ રીતે લિપસ્ટિક લગાડવી જોઇએ તે જણાવશો.
મારી દીકરીના વાળ ખરે છે તેમજ તેના આંખ નીચે કાળા ધાબા થઇ ગયા છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક મહિલા ( પૂણે)
બટાકાનો રસ તેમજ ટામેટાંનો ગર અથવા તો ટુકડાં ભેળવી આંખની આસપાસ પંદર મિનિટ લગાડી રાખી ધોઇ નાખવું. થોડા દિવસ નિયમિત આ નુસખો અજમાવવાથી ફાયદો થશે.સામાન્ય રીતે આંખની આસપાસ કાળા ડાઘા રક્તમાં હેમોગ્લોબિનનું ઓછું પ્રમાણ, લાંબી બિમારી, અનિદ્રા વધારે પડતો પરિશ્રમ તથા નબળાઇને કારણે થતું હોય છે. તમે આ કારણોમાંથી યોગ્ય કારણ શોધી તેનો પણ ઉપચાર ચાલુ કરશો. એક ઇંડા અને લીંબુના રસનું મિશ્રણ કરી વાળમાં લગાડવું. અડધા કલાક બાદ વાળ ધોઇ નાખવાથી વાળ ખરતા અટકી જશે.વાળ ખરવાના અનેક કારણો હોય છે. લાંબી બિમારી, કોઇ દવા લાંબા સમયથી ચાલતી હોય, અસમતોલ આહારને કારણે પણ ખરતા હોય તેમજ વાળમાં ખોડો થતો હોય તો પણ વાર ખરવાની સમસ્યા થતી હોય છે. તેથી તમે યોગ્ય કારણ શોધી તેના ઉપચાર પણ કરશો.
હું જૂનવાણી વિચારની મહિલા છું. મારી દીકરી બ્યૂટી પાર્લરમાં જાય છે પરંતુ મને એકચિંતા સતાવે છે કે બ્યૂટિ પાર્લર વ્યવસ્થિત ન હોય તો અનેક સમસ્યાઓ નોતરે છે. મારી આ મૂંઝવણુનું માર્ગદર્શન કરશો.
એક મહિલા (મુંબઇ)
તમારી ચિંતા સાવ અકારણ પણ નથી. આજે ગલી-ગલીઓમાં બ્યુટી પાર્લર ખૂલી ગયા છે અને અપૂરતી તાલીમ લીધા વગરની છોકરીઓ દ્વારા ચલાવમાં આવતા હોય છે. જેઓ ભાવ ઓછો રાખે છે પરંતુ ચોખ્ખાઈ બદલ શંકા હોય છે પરંતુ પ્રોફેશનલ બ્યુટી પાર્લરોમાં જવાનો કશો વાંધો નથી. પરંતુ જે બ્યુટી પાર્લરમાં સ્વચ્છતા ન જળવાતી હોય અને ઉપકરણો પણ બરાબર સાફ ન કરાતા હોય તો ચોક્કસ તકલીફને આમંત્રણ આપવા બરાબર છે. બ્યૂટિ પાર્લર સ્વચ્છ હોવું પણ જરૂરી છે.
હું ૨૨ વરસની યુવતી છું. મારા હોઠ વધુ પડતા બહાર દેખાય છે તો મારે કઇ રીતે લિપસ્ટિક લગાડવી જોઇએ તે જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
વધુ પડતા બહાર દેખાતા હોઠમાં સામાન્ય રીતે એવું જણાય છે કે ઉપરના ેહોઠ ઘણો પાતળો હોય અને નીચેનો હોઠ વધુ જાડો હોય. તેથી લિપ પેન્સિલ ઉપરના હોઠની બહારની બાજુએ અને નીચલા હોઠની અંદરની બાજુએ લાઇન કરી તેને રંગથી ભરી શકાય.
હું ૨૮ વરસની મહિલા છું. એક વરસ પહેલાં મારી પ્રસૂતિ થઇ હતી. ત્યાર બાદ મારા નાક અને ગળા પર કરચલી પડી ગઇ છે તેને દૂર કરવાના વિવિધ ક્રિમનો મેં ઉપયોગ કર્યો પરંતુ ફાયદો થતો નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક મહિલા (ભાવનગર)
પ્રસૂતિ બાદ થતી સમસ્યાઓમાંની આ એક સામાન્ય સમસ્યા છે. તેમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. પ્રોટીન તથા વિટામિનયુક્ત આહાર લેશો. રોજિંદા ભોજનમાં પાંદડાયુક્ત ભાજી,ફળ, દૂધ, ઇંડા તથા દહીંનું પ્રમાણ વધારવું. તડકામાં બહાર નીકળતી વખતે હર્બલયુક્ત સૂર્યના આકરા કિરણો સામે રક્ષણ આપે તે ક્રિમના ઉપયોગ કરવો. બજારમાં મળતા સંતરાયુક્ત ફેસમાસ્ક વાપરી શકાય. જવનો લોટ તથા કાચા દૂધની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી.
- જયવિકા આશર