સૌંદર્ય સમસ્યા .
- મારી ત્વચા તૈલીય છે. ચહેરા પર ખીલના ડાઘા છે તેમજ ખુલેલા છિદ્રો છે.મારે ત્વચાની કાળજી કઇ રીતે લેવી તે જણાવશો.
હું ૩૨ વરસની મહિલા છું. સવારે ઊઠું છું ત્યારે મારી આંખો સોજેલી એટલે કે પફી થઇ ગયેલી હોય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે મને યોગ્ય ઉપચાર જણાવશો.
એક મહિલા (પાલઘર)
દરરોજ સવારે એક ચમચી મધમાં બરફનું પાણી ભેળવી તે પાણીથી આંખ પર છાલક મારવી.
એક ઇંચ જેટલી કાકડી ખમણી તેમાં તાજા ફૂદીનાની પેસ્ટ ભેળવી આંખની આસપાસ દસ મિનિટ લગાડી રાખવું.
હું ૨૭ વરસની યુવતી છું. મને પરસેવો બહુ વળે છે. મને ઘરગથ્થુ ઉપાય જણાવશો. વાળને સુગંધિત તેમજ મોઇશ્ચરાઇઝ કરવાનો હેરપેક જણાવશો.
એક યુવતી (ભીવંડી)
૫૦ ગ્રામ સંતરાની છાલનો પાવડર, ૫૦ ગ્રામ ઓટમીલ પાવડર ભેળવી તેમાં ૧૦ ટીપાં સાઇટ્રસ ઓઇલ ભેળવવું.આ મિશ્રણને બોડીવોશના સ્થાને ઉપયોગમાં લેવાથી શરીર સુગંધિત થશે. અને આ મહેક દિવસ દરમિયાન રહેશે.
હું ૨૫ વરસની યુવતી છું. મારી પગની એડી પર ચીરા પડી ગયા છે. જેને 'ક્રેક્ડ હીલ' કહેવાય છે તેવી થઇ ગઇ છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી ( મુંબઇ)
હુંફાળા પાણીમાં ૧૦ મિનિટ પગની એડી ડુબાડવી. એડી પરની મૃત ત્વચાને પ્યુમિક સ્ટોન અથવા તો ફૂટ સ્ક્રબરથી દૂર કરી ત્વચા મુલાયમ કરવી. શિયાળા દરમિયાન નિયમિત ત્વચાને મોઇશ્ચરાઇઝર અથવા તો વેસલિનથી મોઇશ્ચરાઇઝ કરવી. એડી પર ચીરા વધુ હોય તો રાત આખી પગમાં મોજાં પહેરી રાખવાં.
કોપરેલમાં ઠંડુ પેરેફિન વેક્સ ભેળવી એડી પર લગાડવું. શિયાળા દરમિયાન ખાસ કરવું.
હું ૨૦ વરસની યુવતી છું. મારી ત્વચા તૈલીય છે. ચહેરા પર ખીલના ડાઘા છે તેમજ ખુલેલા છિદ્રો છે. મેં ઘણા ફેસપેક અને સ્ક્રબ વાપરી જોયાં પરંતુ ખાસ ફાયદો થતો નથી. મારે ત્વચાની કાળજી કઇ રીતે લેવી તે જણાવશો.
એક યુવતી ( પુણે)
તમે ક્યા ફેસપેક લગાડો છો તે જણાવ્યું નથી. તમે હજી પણ ખીલ થતા હોય તો ચહેરાને સ્ક્રબ કરશો નહીં. ચહેરા પરનું વધારાનું તેલ ઓછું કરવા માટી, ફૂદીનાની પેસ્ટ, અડધી ચમચી કપૂર, લીંબુનો રસ તથા ચપટી હળદર ભેળવી પેસ્ટ બનાવવા જોઇતા પ્રમાણમાં પાણી લેવું. અને ગરદન તથા ચહેરા પર લગાડવી.
સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. અઠવાડિયામાં ત્રણ વખત કરવું. તમને ખીલ ન થતા હોય તો ચહેરા પર સ્ક્રબ વાપરી શકાય. ફેસપેક ચહેરા પરથી દૂર કર્યા બાદ બરફ ફેરવવો.કોટન પેડ્સથી ચહેરો લૂછવો. તૈલી ત્વચા ધરાવનારે નિયમિત દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. તેમજ રોજિંદા આહારમાં ફળ તથા સલાડનું પ્રમાણ વધારવું.
- જયવિકાઆશર