સૌંદર્ય સમસ્યા .
- થોડી પણ ગરમી લાગે તો ચહેરો ચીકણો થઇ જાય છે તેમજ હોઠ પર પરસેવો વળે છે.
હું ૩૩ વરસની મહિલા છું. મેં સાંભળ્યું છે કે બજારમાં હવે વેક્સિંગ સ્ટ્રિપ્સ તૈયાર મળે છે તો તે કઇ રીતે ઉપયોગમાં લેવાય તેની જાણકારી આપશો.
એક મહિલા (મુંબઇ)
આ સ્ટ્રિપ્સ એકબીજા સાથે જોડાયેલી હોવાથી તેને પાંચ સેકન્ડ માટે હાથેથી જરા મસળવી જેથી ગરમ થાય. અને ત્યાર બાદ સ્ટ્રિપ્સને એકબીજાથી છૂટ્ટી પાડવી. ત્વચા પર એક સ્ટ્રિપ રાખી વાળના ગ્રોથની દિશા તરફ દબાવવી અને પછી ઝડપથી એક જ ઝાટકે વાળના ગ્રોથની વિપરીત દિશામાં સ્ટ્રિપ ખેંચવી.
ખેંચતી વખતે ત્વચાને કસીને પકડવી. જેથી કોઇ તકલીફ ન થાય. આ ક્રિયાને ફરી કરવી જેથી ત્વચા પર કોઇ વાળ રહી ગયા હોય તો નીકળી જાય.દરેક સ્ટ્રિપ્સમાં કસ હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો. વેક્સિંગની ચીકાશ શરીર પરથી દૂર કરવા સ્ટ્રિપ્સ સાથે આવતા ફિનિશ વાઇપથી ત્વચા સાફ કરવી.
હું ૨૨ વરસની યુવતી છું. ત્વચાની કાળજી લેવાના ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક યુવતી (ગાંધીનગર)
રૂક્ષ ત્વચા પર મોઇશ્ચરાઇજિંગ કોલ્ડક્રિમનો ઉપયોગ કરવો. ક્રિમને ચહેરા, ગરદન અને હાથ પર લગાડવું. મસાજ કરવો પરંતુ ત્વચાને વધુ સ્ટ્રેચ ન કરવી.
રૂક્ષ ત્વચા પર ટોનરનો ઉપયોગ કરવો નહીં. તેનાથી ત્વચા વધુ રૂક્ષ થાય છે. ઓઇલી અને સામાન્ય ત્વચા પર એસ્ટ્રિજન્ટ લોશનનો ઉપયોગ કરી શકાય.
ઓઇલી ત્વચા પર ઓઇલ ફ્રી મોઇશ્ચરાઇઝર ક્રિમ લગાડવું. જેથી ત્વચા ચીકણી ન રહે.
ઠંડીમાં તડકામાં બેસવું તેમજ ત્વચાની સુરક્ષા માટે સનસ્ક્રિન લોશનનો ઉપયોગ કરવો.
હું ૧૯ વરસની યુવતી છું. થોડી પણ ગરમી લાગે તો ચહેરો ચીકણો થઇ જાય છે તેમજ હોઠ પર પરસેવો વળે છે. મારી આ સમસ્યાના નિવારયણ કાજે ઉપાય જણાવશો.
એક યુવતી (દહાણુ રોડ)
ચહોરૈ પર થોડો બરફ રગડી એસ્ટ્રેજન્ટ લોશન લગાડવું. ચહેરા પર ચીકાશ પડતો મેકઅપ લગાડવો નહીં. ચહેરાને વારંવાર પાણીથી ધોવો. ગુલાબજળ પાણીમાં ભેળવી રેફ્રિજરેટરમાં ઠંડુ કરી તેમાં કોટન બોળી દિવસમાં ચાર-પાંચ વખત ચહેરાને લુછવાથી ચહેરા પરની ચીકાશ દૂર થશે.
હું ૨૨ વરસની યુવતી છું. ત્વચાને નિખારતી થોડી ઘરગથ્થુ ટિપ્સ આપશો.
એક યુવતી (સુરત)
અડધી ચમચી મલાઇ, અડધી ચમચી હળદરને ભેળવી ચહેરા પર લગાડવી. ચહેરા પરની ઝાંય આછી થાય છે.
એક ઇંડાની સફેદી, એક ચમચો ગ્લિસરીન, એક ચમચો સાકર અને થોડુ ંગુલાબજળ લઇ સાકર ઓગળી જાય ત્યાં સુધી ફીણવું. ચહેરા પર બ્રશની મદદથી લગાડવું. સુકાઇ જાય બાદ કાચા દૂધથી હળવેથી રગડી દૂર કરવું. ચહેરા પર પાણી થપથપાવવું.
ચણાના લોટમાં દહીં,ફૂદીનાની પેસ્ટ અને થોડા ટીપાં લીંબુના રસના ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. સુકાઇ જાય બાદ ચહેરો ધોઇ નાખવો. નિયમિત લગાડવાથી ખીલ હોય તો છૂટકારો મળે છે.
હું ૩૮ વરસની ગૃહિણી છું. મારી સમસ્યા એ છે કે વાળ ધોયા બાદ કંડિશનર કરવાથી મારા વાળ બીજા દિવસે જ ચીકણા થઇ જાય છે. મને આનું કારણ સમજાતું નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક મહિલા (રાજકોટ)
ઘણી વખત કંડિશનરની પીએચવેલ્યુ બરાબર ન હોવાને લીધે વાળ ચીકણા લાગે છે. તમે કોઇ સારી કંપનીનું કંડિશનર વાપરો. અઠવાડિયામાં એક વાર ત્રણ લીંબુનો રસ અને એક ચમચી આમળા પાવડરને પાણીમાં ભેળવી વાળમાં કંડિશન કરો આનાથી વાળ ચીકણા નહીં થાય.
- જયવિકા આશર