સૌંદર્ય સમસ્યા .
- મેં સાંભળ્યું છે કે, ગરદન અને બ્રેસ્ટની ત્વચા અકાળે વૃદ્ધ થાય છે. તો મારી સમસ્યાનો નિવારણ કાજે ઉપચાર જણાવશો.
હું ૪૦ વરસની મહિલા છું. મારી ગરદન પર ઘેરી રેખાઓ અંકિત થવા લાગી છે. તેને દૂર કરવાનો કોઇ મસાજ હોય તો જણાવશો.
એક મહિલા (જામનગર)
કોપરેલ તથા બદામનું તેલ ભેળવી ગરદન પરની રેખા પર મસાજ કરવો.બે અઠવાડિયા સુધી નિયમિત કરવું.પછી ધીરે ધીરે ઓછું કરી અઠવાડિયે બે વાર કરવું. મસાજ કર્યા બાદ અહીં જણાવેલ પેસ્ટ લગાડવી.
માટી, બટાકાનો જ્યૂસ, લીંબુનો રસ, બદામની પેસ્ટ તથા એક ઇંડુ ભેળવી ગરદન પર લગાડી સુકાવા દેવું. અને ઠંડા દૂધ તથા પાણીથી સાફ કરવું.
તમે હવે નિયમિત ફેશિયલ કરાવવાનું ચાલુ કરો એવી મારી સલાહ છે. આ ઉંમરે ત્વચાને વધારાના બાહ્ય પોષણની જરૂર હોય છે તમારા રોજિંદા આહારમાં પ્રોટીનનો સમાવેશ વધુ કરશો તેમજ પુષ્કળ પાણી પીશો.
હું ૪૦ વરસની ગૃહિણી છું. મેં કુંડામાં એલોવિરાનો છોડ વાવ્યો છે. મને કોઇએ સલાહ આપી છે કે વાળ માટે એલોવિરા ઉપયોગી છે. તો મારે કઇ રીતે તેનો ઉપયોગ કરવો તે જણાવશો.
એક મહિલા (અમદાવાદ)
એલોવિરા વાળ માટે લાભદાયક સાબિત થયું છે. તેની ડાળખીને વચ્ચેથી ચિરી નાખવી તેમાંથી જેલ નીકળે તેનાથી વાળમાં મસાજ કરવો. ૧૫ મિનિટ બાદ વાળમાં શેમ્પૂ કરવું.
હું ૧૮ વરસની યુવતી છું. મારા વાળમાં ખોડો થાય છે તેને દૂર કરવાના ઉપાયો જણાવશો.
એક યુવતી (મુંબઇ)
વાળ ધોવાની પાંચ મિનિટ પહેલાં ગ્લિસરીનથી વાળની જડમાં માલિશ કરવું. અને પછી ક્લિયર શેમ્પૂથી વાળ ધોઇ નાખવા.
ચાર મોટા ચમચા મુલતાની માટીમાં કપૂરની બે ટિકડી ભેળવી વાળ ધોવા.
શેમ્પૂ કરતા પહેલા એક ટેબલસ્પૂન મીઠું લઇ તેને માથાની ભીની ત્વચા પર લગાડી મસાજ કરવું. ખોડો દૂર કરવાનો આ સરળ અને સોંઘો ઉપાય છે.
હું ૨૩ વરસની યુવતી છું. થોડા સમય પહેલાં મેં વેક્સિન કરાવ્યું તો ત્વચા પર નાની-નાની ફોડલીઓ ઉપસી આવી હતી. હવે મારે બીજી વખત વેક્સિન કરાવવું છે તો ડર લાગે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપચાર જણાવશો.
એક યુવતી (વાપી)
તમે વેક્સિંગ હંમેશા નિષ્ણાત પાસે કરાવો. તેમજ વેક્સિંગ કરાવ્યા બાદ ત્વચા પર બરફ ઘસવો. જેથી રેસિષ કે ફોડલીઓ નહીં પડે.
હું ૪૨ વરસની મહિલા છું. મેં સાંભળ્યું છે કે, ગરદન અને બ્રેસ્ટની ત્વચા અકાળે વૃદ્ધ થાય છે. તો મારી સમસ્યાનો નિવારણ કાજે ઉપચાર જણાવશો.
એક મહિલા (નવી મુંબઇ)
ગરદન તેમજ બ્રેસ્ટની ત્વચાને રૂક્ષ થતાં વાર નથી લાગતી. તેથી બદામના તેલથી અઠવાડિયામાં બે વખત ગરદન અને બ્રેસ્ટ પર મસાજ કરવો. મસાજ કરતી વખતે હંમેશા નીચેથી ઉપર તરફ જવું.
- જયવિકા આશર