સૌંદર્ય સમસ્યા .
- હું 10 વર્ષની હતી ત્યારથી દાંતમાંથી લોહી નીકળે છે. દાંત પર મેલ પણ જામી જાય છે. જે દાંત ઘસવાથી દૂર થઈ જાય છે તેમ છતાં દાંત પીળા જ રહે છે. આવું શા માટે?
પ્રશ્ન : હું ૩૫ વર્ષની પરિણીતા છું. છેલ્લા એક-બે વર્ષથી મને સાથળ ઉપર અંદરના ભાગમાં દાદરની તકલીફ છે. આ રોગ પ્રસરીને પ્રજનન અંગો સુધી પહોંચી ગયો છે. જે ભાગમાં ચેપ લાગ્યો હતો ત્યાંની ત્વચા એકદમ કાળી પડી ગઈ છે. હું સોફરાડેક્સ એફ ક્રીમ લગાવું છું ત્યારે રાહત મળે છે, પરંતુ થોડા દિવસમાં દાદર ફરીથી સક્રિય બની જાય છે. આ તકલીફ મને લગ્નના એક વર્ષ પહેલાં પણ થઈ હતી, પરંતુ એ વખતે પ્રેગમેટર અને સોફરામાઈસીન ક્રીમ લગાવવાથી રાહત મળી હતી. મારી સમસ્યાનો કોઈ ઘરગથ્થું ઉપાય બતાવો.
એક યુવતી (થાણા)
સોફરાડેક્સ એફ ક્રીમમાં એન્ટિબાયોટિક્સની સાથેસાથે દાદર દૂર કરનારી દવા પણ ભેળવેલી હોય છે. જોકે તમારી સમસ્યા ખૂબ લાંબા સમયથી હોવાથી તેને મૂળમાંથી દૂર કરવા માટે માત્ર મલમ નહીં પરંતુ ચોક્કસ સારવારની જરૂર છે.
આજે એવી ઘણી અસરકારક એંટીફંગલ દવાઓ બજારમાં મળે છે. જેનું સેવન કરીને આ રોગ મૂળમાંથી મટાડી શકાય છે. આ દવાઓ લાંબા સમય સુધી લેવાની હોય છે અને એ ડોકટરી દેખરેખ હેઠળથી જ લઈ શકાય છે. તેથી તમારા માટે યોગ્ય એ રહેશે કે તમે કોઈ ચામડીના રોગના નિષ્ણાતની દેખરેખ હેઠળ તમારી સારવાર કરાવો. જ્યાં સુધી ત્વચા કાળી પડવાનો સવાલ છે તો દાદરના કારણે ત્વચાના રંગમાં આવું પરિવર્તન આવે એ સામાન્ય છે. આના વિશે વધારે ચિંતા ન કરો અને ઘરગથ્થુ ઉપાયના ચક્કરમાં ન પડો. ડોકટર પાસે સારવાર કરાવો.
પ્રશ્ન : મારી ઉંમર ૧૯ વર્ષ છે. મારા વાળ ખૂબ જ પાતળા છે. તેમાં બાઉન્સ લાવવા માટે કોઈ ઉપાય બતાવશો?
- એક યુવતી (આણંદ)
વાળમાં બાઉન્સ લાવવા માટે તમે કોઈ સારા પાર્લરમાં જઈ મોસ સેટિંગ કરાવો, પરંતુ આ અસ્થાયી ઉપાય છે. જ્યારે પણ બહાર કે પાર્ટીમાં જાઓ ત્યારે આ સેટિંગ કરાવી શકો છો.
પ્રશ્ન : હું ૧૬ વર્ષની કિશોરી છું અને ૧૦મા ધોરણમાં ભણું છું. હું ૧૦ વર્ષની હતી ત્યારથી દાંતમાંથી લોહી નીકળે છે. દાંત પર મેલ પણ જામી જાય છે. જે દાંત ઘસવાથી દૂર થઈ જાય છે તેમ છતાં દાંત પીળા જ રહે છે. આવું શા માટે?
- એક યુવતી (મુંબઈ)
દાંત અને પેેઢાંની નિયમિત સફાઈ દ્વારા જ તમારી તકલીફ દૂર થઈ શકે છે. દરરોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે નાસ્તો કર્યા પછી નિયમિત બ્રશ કરવું જોઈએ. યોગ્ય રીતે બ્રશ કરવું અને એમાં પૂરો સમય પણ આપવો જોઈએ. વચમાં કંઈ પણ ખાધાપીધા પછી કોગળા કરવા.
ઉપરાંત કોઈ કુશળ ડેન્ટિસ્ટ પાસે જઈને તમારા દાંત અને પેઢાં જરૂર સાફ કરાવો. દાંત પીળા પડવા અને તેમાંથી લોહી નીકળવું એ બાબત દર્શાવે છે કે તમે હજુ સુધી તમારા દાંત અને પેઢાંની સંભાળ પ્રત્યે બેદરકાર રહ્યા છો અને તેના કારણે તમને પાયેરિયા થઈ ગયો છે.
પ્રશ્ન : મારી ઉંમર ૨૧ વર્ષની છે. મારા પેટ ઉપર પ્રસૂતિ પછી પડતા ડાઘા નાભિથી ખૂબ જ ઉપર સુધી પડેલા છે. જેના કારણે મને સાડી પહેરવામાં ખૂબ જ શરમ અને સંકોચનો અનુભવ થાય છે. કૃપા કરી મને આ ડાઘ દૂર કરવાનો ઉપાય જણાવો.
- એક યુવતી (અંજાર)
તમે તમારી સ્કીન અને મસલને ટોનઅપ કરવા માટે નિયમિત વ્યાયામ કરો. સ્ટ્રેચ માર્કને દૂર કરવા માટે માઈક્રોડર્માબ્રેશન ટેક્નિકનો ઉપયોગ કરો. રિંકલ્ડ સ્કિનને દૂર કરવા માટે કોસ્મેટિક સર્જન પાસે એબડોમિનોપ્લાસ્ટિક સર્જરી કરાવી શકાય છે.
પ્રશ્ન : મારી ઉંમર ૧૮ વર્ષ છે. મારી ત્વચા શ્યામ છે. હું કાચા દૂધમાં કેસર ભેળવી લગાવું છે. કોઈ ઘરગથ્થુ ઉપાય પણ જણાવશો.
- એક યુવતી (ભરુચ)
ત્વચાને ગોરી બનાવવા માટે એક ચમચી કાકડીનો રસ, થોડાં ટીપાં લીંબુના રસના અને એક ચમચી હળદર મિક્સ કરો. આ લોશનને કોટનથી સમગ્ર ચહેરા પર અને ગરદન પર લગાવો. અડધા કલાક બાદ ચહેરાને પાણીથી ધોઈ નાખો. ખરેખર ચહેરાના રંગમાં નિખાર આવશે.
- જયવિકા આશર