સૌંદર્ય સમસ્યા .
- મારા વાળ શુષ્ક અને નિસ્તેજ થઇ ગયા છે. વાળ મુલાયમ કરવાના ઉપાય જણાવશો.
હું ૨૨ વરસની યુવતી છું. બજારમાં મળતા સુખડના લાકડાનો ઉપયોગ વધુ સારો કે પછી પાવડર વાપરવો હિતાવહ ગણાય તે જણાવશો.
એક યુવતી (અમરેલી)
ચહેરા પર ફોલ્લીઓ થાય ત્યારે માત્ર સુખડ લગાડવામાં આવે છે, પણ અન્ય ઉપચાર માટે સુખડને ફેસપેક સાથે મિશ્રિત કરી લગાવાય છે.
બંને રીતે લગાડવા માટે સુખડનો પાઉડર વધુ સારો છે. પરંતુ માત્ર સુખડની પેસ્ટ જ લગાડવાની હોય તો તેનું લાકડું ઘસીને લગાડવું વધારે હિતાવહ છે.
હું ૧૮ વરસનો યુવક છું. મારા ચહેરા પર મસા છે. જે દેખાવમાં ખરાબ લાગે છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતો યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવક(સુરત)
કોઇ ત્વચા રોગ વિશેષજ્ઞા પાસે આ મસા કપાવી નાખો. આથી દુખાવો ઓછો થશે. સમય ઓછો લાગશે તથા મસા કાયમ માટે દૂર થશે.
હું ૨૬ વરસની યુવતી છું. મારા વાળ શુષ્ક અને નિસ્તેજ થઇ ગયા છે. વાળ મુલાયમ કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (ખંભાત)
વાળમાં તેલથી મસાજ કરવાથી વાળ મુલાયમ થાય છે. દર પખવાડિયે વાળમાં એક ઇંડુ લગાડો.વાળ ધોતા પહેલાં અડધો કલાક મેંદી લગાવી, સુકાઇ ગયા બાદ વાળ ધોવા. એ સિવાય તમે બજારમાં મળતા કંડિશનરનો ઉપયોગ કરી શકો છો.
હું ૨૪ વરસની યુવતી છું. મારા નીચેના હોઠની બિલકુલ નીચે ચોખાના દાણા જેટલો લાલ ડાઘો છે, જેના કારણે મારા હોઠ મોટા લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (અમદાવાદ)
માત્ર નિશાન હોય તો ચહેરા પર ફાઉન્ડેશન કર્યા બાદ જ્યાં લાલ ડાઘ હોય ત્યાં જરા વધારે ફાઉન્ડેશન લગાડવાથી આ ડાઘને છુપાવી શકાશે. અગર ઘેરા રંગની લિપસ્ટિક ગમતી હોય તો તેનો ઉપયોગ કરી શકાય.
હું ૧૯ વરસની યુવતી છું. મારા ચહેરાની ત્વચા શુષ્ક છે. ચહેરો ધોયા પછી ત્વચા ખેંચાવા લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.
એક યુવતી(મુંબઇ)
ત્વચા ખેંચાતી હોય એવું લાગતું હોય તો સાબુથી ચહેરો ન ધોતાં મલાઇ, દૂધ દહીં વગેરેથી ધોવો ત્યાર પછી પણ ત્વચા શુષ્ક લાગે, તો ઊચ્ચગુણવક્તાયુક્ત કોલ્ડ ક્રિમ લગાવી ત્વચા પર મસાજ કરવો. ત્યાર બાદ ૨૦-૨૫ મિનિટ પછી ચહેરો ધોઇ નેપકિનથી હળવા હાથે લૂછવો.
હું ૪૪ વરસની ગૃહિણી છું. મેં હજી સુધી કદી બ્લિચ કરાવ્યું નથી. મને એવો ભ્રમ છે કે બ્લિચ કરવાથી ચહેરા પર કાળા ધાબા પડી જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતો ઉપાય જણાવશો.
એક મહિલા (વલસાડ)
તમારો ભ્રમ સાવ ખોટો તો નથી જ. બ્લિચમાં રસાયણ ો હોવાથી ત્વચા પર તેની વિપરિત અસર થાય તે સ્વાભાવિક છે પરંતુ બ્લિચનો ઉપયોગ વારંવાર થતો હોય ત્યારે જ આ સમસ્યા થાય છે. હવે તો ઊચ્ચગુણવક્તાયુકત સૌંદર્ય પ્રસાધનો પણ બજારમાં મળે છે તેનાથી થોડી ઓછી આડ અસર થઇ શકે છે.
- જયવિકા આશર