સૌંદર્ય સમસ્યા .
- મારી ત્વચા રૂક્ષ છે. હું જ્યારે પણ ક્રિમ લગાડું છું ત્યારે થોડીવારમાં મારી ત્વચા કાળી પડી જાય છે. ચહેરો ધોયા બાદ સફેદ ચકતા જેવું દીસે છે.
હું ૩૯ વરસની મહિલા છું. મારા વાળ સફેદ થઇ ગયા હોવાથી હું હેરડાઇનો ઉપયોગ કરું છું. હું ઊચ્ચ ગુણવક્તાયુક્ત જ હેરડાઇ વાપરું છું તે જાણશો. છતાં થોડા સમયથી મેં નોંધ્યું છે કે મારા વાળ ખરવા લાગ્યા છે. મારી આ સમસ્યાના નિવારણનો ઉપાય જણાવશો.
એક મહિલા (વડોદરા)
તમે જે નોંધ્યું છે તે સાચું છે. ભલે ગમે તેટલી ઊચ્ચગુણવક્તાયુક્ત હેરડાઇ હોય પરંતુ તેમાં રહેલા રસાયણો વાળને હાનિ પહોંચાડે છે. તેથી વાળ ખરે છે. હેરડાઇ કર્યાથી પૂરું નથી થઇ જતું. હેરડાઇ કર્યા પછી વાળની વધારે સંભાળ લેવી જરૂરી છે. હેરડાઇ કર્યા બાદ તો શેમ્પુથી વાળ ધોવા તે તો સામાન્ય વાત છે. પરંતુ કોપરેલ અથવા બદામનું તેલ અથવા ઓલિવ ઓઇલથી વાળમાં મસાજ કરવું અને શક્ય હોય તો એકાદ-બે દિવસ વાળમાં તેલ રહેવા દેવું. તેમજ ટર્બન થેરપી કરી શકાય તો વાળ માટે ફાયદાકારક નીવડે છે.
હું ૨૮ વરસની યુવતી છું. મને એનિમિકની સમસ્યા છે અને તેની સારવાર પણ ચાલે છે. મારી સમસ્યા એ છે કે, મારી આંખની આસપાસ કાળા કુંડાળા છે જે મારા ગોરા ચહેરા પર સ્પષ્ટ તરી આવે છે. હું ફેશિયલ પણ કરાવી શકતી નથી તેનાથી કુંડાળા વધુ સ્પષ્ટ થાય છે. મારા આ કંુડાળાને મેકઅપથી કઇ રીતે છૂપાવી શકાય તે જણાવસો.
એક યુવતી (મુંબઇ)
યોગ્ય રીતે મેકઅપ કરવાથી આંખના કુંડાળા થોડી વાર માટે છુપાવી શકાય છે. તે માટે ચહેરાને ઊચ્ચગુણવક્તાયુક્ત ફેસવોશથી ધોવો અને પછી કાળા કુંડાળા તથા ચહેરા પર ડાઘ-ધાબા હોય તો કંસિલર લગાડવું. ત્યાર બાદ ચહેરા પર ત્વચાથી મેળ ખાતા શેડનું ફાઉન્ડેશન લગાડવું. અને પછી મનપસંદ મેકઅપ કરશો.
તમે એનિમિકની સારવાર કરો છો તે સારું છે. તેથી સાથે સાથે તમે તમારા આહાર પર પણ ધ્યાન આપશો તેમજ માનસિક તાણ અને અનિંદ્રાથી દૂર રહેશો. દિવસ દરમિયાન ૮-૧૦ ગ્લાસ પાણી પીવું. તમને યોગ તેમજ મેડિટેશન ફાવતું હોય તો તેનાથી પણ ફાયદો થશે.આંખ પર દૂધમાં ભીંજવેલી ખીરાની સ્લાઇસ મૂકવાથી ફાયદો થાય છે.
હું ૧૪ વરસની યુવતી છું. મારી ત્વચા રૂક્ષ છે. હું જ્યારે પણ ક્રિમ લગાડું છું ત્યારે થોડીવારમાં મારી ત્વચા કાળી પડી જાય છે. ચહેરો ધોયા બાદ સફેદ ચકતા જેવું દીસે છે.
એક યુવતી (રાજકોટ)
તમારા પત્ર પરથી જણાય છે કે તમારી સમસ્યા શરીરમાં પાણીની ઉણપને કારણે છે. તમને એવા ઉપચારની જરૂર છે જેનાથી ત્વચાની અંદર પાણી રહે. આ ઉપરાંત સાથે સાથે લેઝર અને યંગ સ્કિન માસ્કની થોડી સિટિંગ લેવાથી ફાયદો થશે. તેલયુક્ત ક્રિમનો ઉપયોગ ન કરતાં મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો સલાહ ભરેલું છે.
- જયવિકા આશર