સૌંદર્ય સમસ્યા .
- મારા વાળ ટ્રિમ કરાવ્યા પછી થોડો સમય વધે છે અને પછી એક નિશ્ચિત લંબાઇ થઇને અટકી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
હું ૨૩ વરસની યુવતી છું. મારા વાળ ટ્રિમ કરાવ્યા પછી થોડો સમય વધે છે અને પછી એક નિશ્ચિત લંબાઇ થઇને અટકી જાય છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (ભાવનગર)
તમારા આહાર પર વિશેષ ધ્યાન આપશો.રોજિંદા આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારશો. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત વાળમાં તેલ માલિશ કરવું.ત્યાર બાદ ગરમ પાણીમાં જાડો ટુવાલ પલાળી નિચોવી વાળ ફરતે બાંધવો.સુકાઇ જાય પછી ફરી કરવું.શેમ્પૂ કર્યા બાદ કંડિશનરનો ઉપયોગ જરૂર કરવો.
હું ૨૪ વરસની યુવતી છું. છેલ્લા કેટલાંક દિવસથી મારા હાથે-પગે ખંજવાળ આવે છે.મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક યુવતી (વાપી)
ખંજવાળ આવવાનું કારણ પહેલા શોધો.તે દરમિયાન એક પાણી ભરેલી એક નાની બાલદીમાં થોડાં ટીપાં ડેટોલ નાખી સ્નાન કર્યા બાદ હાથ-પગ ધુઓ. તેનાથી કીટાણુ નાશ પામતા ખંજવાળ આપોઆપ દૂર થઇ જશે. આ સિવાય, લીમડાના પાનને ઉકાળી નવશેકા પાણીથી ત્વચા સાફ કરવી. સિન્થેટિક વસ્ત્રો બને ત્યાં સુધી ન પહેરવા.ખંજવાળતી વખતે નખ ન લાગે તેનું ધ્યાન રાખવું. ત્વચા પર કોઇ પણ પ્રકારના સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવો નહીં.
મને પરમેનન્ટ આઇબ્રો કરાવવાનું મન છે.શું તેની કોઇ વિપરીત અસર થાય ?તે કરાવતી વખતે ત્વચા કે પાંપણને હાનિ થાય ? મારી આ મૂંઝવણનું સમાધાન કરશો.
એક યુવતી (મુંબઇ)
પરમેનન્ટ આઇબ્રોઝ ટેટુની ઇન્કમાંથી કરવામાં આવે છે. પરમનન્ટ આઇબ્રોઝ કરાવતી વખતે ઉપયોગમાં લેવાયેલી સોય જીવાણુમુક્ત કરેલી હોવી જોઇએ. કરનારે ચેપ લાગે નહીં તકેદારી રાખવી જોઇએ.તેમજ જે જગ્યાએ કરાતી હોય તે જગ્યાએ સ્વચ્છતા જળવાવી જોઇએ.જો વ્યવસ્થિત કાળજી ન લેવામાં આવે તો હર્પિસ વાઇરસ ઇન્ફેકશન થઇ શકે છે. બેકટેરિયલ ઇન્ફેકશનની શક્યતા પણ વધી જાય છે. કાળુ ટેટુ ત્રણ-ચાર વરસ બાદગ્રે રંગનું થઇ જતું હોય છે. તેને કાઢવાની પદ્ધતિ પણ બરાબર જાણી લેવી.
હું ૩૬ વરસની મહિલા છું. મારા હાથની આંગળીઓ પર કાળા ધાબા પડી ગયા છે. ઘણા ઉપાયો કર્યા પરંતુ ફરક પડતો નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક મહિલા (અમદાવાદ)
હાથને દિવસમાં બે વખત ગ્લિસરીનયુક્ત સાબુથી ધોવા. અનેક દરેક વખતે હેન્ડક્રિમ લગાડવું.ઘરના દરેક કામ જાતેજ કરતા હો અને વારંવાર સાબુવાળા હાથ થતા હોય તો ગ્લોવ્ઝ પહેરવા સલાહભરેલું છે.
મારી વય ૨૦ વરસની છે. નાનપણમાં મને ચિકનપોક્સ નીકળ્યા હતા. જેના ડાઘ હજી ગયા નથી તેને દૂર કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)
ચિકનપોક્સના ડાઘ કાયમી રીતે દૂર થાય તેવી શક્યતા નહીંવત છે. પરંતુ તેને હળવા જરૂર કરી શકાય.રૂને દૂધમાં ભીંજવી ચહેરા પર થોડી વાર રગડવું. દસ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.
હું ૨૦ વરસની યુવતી છું. મારા વાળ થોડા સમયથી ખરે છે. વાળને મજબૂત કરવાના ઉપાય જણાવશો.
એક યુવતી (પાલઘર)
હળવા શેમ્પૂથી વાળ ધોવા.અઠવાડિયામાં એકવાર સરસવના તેલથી વાળમાં હળવું માલિશ કરવું.આ ઉપરાંત સમતોલ આહાર લેવો અને પ્રોટીનયુક્ત ભોજન લેવું.મહાભૃંગરાજ તેલ નાખવાથી પણ ફાયદો થાય છે.
- સુરેખા મહેતા