સૌંદર્ય સમસ્યા .
- મારા ચહેરા પર માર વાગવાને કારણે ઘા પડયો હતો જેનું નિશાન રહી ગયું છે જે હવે ખૂબ ખરાબ દેખાય છે.
પ્રશ્ન: પગની એડીમાં ચીરા પડી જાય છે. ઘરગથ્થુ ઇલાજ જણાવશો.
એક મહિલા (ભાવનગર)
ઉત્તર: ત્રણ કપ પાણીમાં મૂળાના પાનને ઉકાળી તેમાં થોડું મીઠું તથા વિનેગાર ઉમેરી હુંફાળું થયા પછી તેમાં પગ બોળવા એડીના ચીરા પર હળવેથી લીંબુનું ફાડિયું રગડવું.
પ્રશ્ન: વાળમાંથી ખોડો દૂર કરવાના ઘરગથ્થુ ઉપચાર જણાવવા વિનંતી.
એક યુવતી (મુંબઇ)
ઉત્તર: ટામેટાના પલ્પમાં દહીં ભેળવી વાળના મૂળમાં લગાડી ૩૦ મિનિટ બાદ વાળ ધોવા. નાળિયેરના ખમણને વાળના મૂળમાં લગાડી ૧૫ મિનિટ રહી વાળ ધોવા. ઉત્તમ પરિણામ માટે ૧૦ દિવસમાં ત્રણ વખત કરવું.
પ્રશ્ન: હું ૧૫ વરસની યુવતી છું. મારી મમ્મી રસાયણયુક્ત ફેસપેક વાપરવા દેતી નથી. ત્વચાના નિખાર કાજે મારે ફેસપેક વાપરવા છે તો ઘરગથ્થુ રસાયણ વગરના ફેસપેક બનાવવાની રીત જણાવશો.
એક મહિલા, મુંબઇ
ઉત્તર: મેથીની ભાજી સમારી તેને સુકવી નાખવી. આ મેથીમાં પા કપ ગરમ દૂધ, એક ચમચી સૂકા વટાણાનો પાવડર, એક ચમચો તાજા બ્રેડક્રમ્સ અને એક ચમચી લીંબુનો રસ ભેળવી ઘટ્ટ પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી.
ઘઉંના લોટનું ચાળેલું થૂલું, દૂધનો પાવડર, કોર્નફ્લોર, ચણાનો લોટ સપ્રમાણ લઇ બરાબર ભેળવવું અને થોડું દહીં ઉમેરવું. ચહેરો ધોવા સાબુને બદલે આ પેસ્ટનો ઉપયોગ કરવો.
રૂના પૂમડાં પર સવારના ઝાકળ બિંદુઓ લઇ ચહેરા પર હળવા હાથે ઉપર તરફ લગાડવાથી રંગ નિખરશે.
ચાર ચમચા મૂળાના પાનના રસમાં બે ચમચા માખણ ઉમેરી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવી. એક કલાક બાદ ચહેરો ધોવો.
કલિંગરનો ગર અને દૂધ ભેળવી ચહેરા પર નિયમિત લગાવવાથી ફાયદો થશે.
પ્રશ્ન: ખીલના ડાઘા ચહેરા પરથી જતા નથી શું કરવું?
એક યુવતી (વલસાડ)
ઉત્તર: કોપરાના ખમણમાં મધ ભેળવી ચહેરા પર નિયમિત લગાડવાથી ફાયદો થશે.
પ્રશ્ન: હોઠ કાળા પડી ગયા છે ઘરગથ્થુ ઉપાય જણાવશો.
એક મહિલા, (મુંબઇ)
ઉત્તર: વાટેલી ગુલાબની પાંદડીમાં ઘરનું બનાવેલું માખણ (મીઠા વગરનું) ભેળવી હોઠ પર લગાડવાથી હોઠની કાળાશ પણ દૂર થશે. ઉપરાંત હોઠ ફાટી પણ નહીં જાય.
પ્રશ્ન: હું ૧૭ વરસની બારમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની છું. મારા વાળ બહુ ખરે છે. મને માનસિક તાણ પણ સતત રહે છે શું કરવું?
એક યુવતી (મુંબઇ)
ઉત્તર: માનસિક તાણને કારણે તમારા વાળ ખરે છે તેમાં કોઇ શક નથી. સૌ પ્રથમ તેમાંથી છૂટકારો મેળવો. યોગાસન કરવાથી માનસિક તાણથી અવશ્ય મુક્તિ મળશે. વાળમાં જૈતૂન, નાળિયેર તથા બદામનું તેલ સપ્રમાણ માત્રામાં ભેળવી રાતે સૂતાં પહેલાં વાળમાં મૂળિયા સુધી લગાડી બરાબર મસાજ કરવું. આહારમાં દૂધ, દહીં, પનીર, દાળ, ફળોનું પ્રમાણ વધારવું.
- જયવિકા આશર