સહિયર સમીક્ષા .
- હું જે યુવતી સાથે પ્રેમ કરું છું તેને હજુ સુધી માસિક આવતું નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ મારે એ જાણવું છે કે શું તે સામાન્ય રીતે સહવાસ કરી શકે છે?
હું ૨૦ વરસનો છું. મેં ઘણી છોકરીઓ સાથે જાતીય સંબંધ બાંધ્યા છે. દરેક વખતે હું કોન્ડોમનો ઉપયોગ કરું છું. પરંતુ છેલ્લી વાર સંભોગ દરમિયાન કોન્ડોમ ફાટી ગયું હતું. એ વખતથી મને મારા શિશ્નના ઉપલા ભાગમાં ખંજવાળ અને બળતરા થાય છે. આનું કારણ શું હોઈ શકે છે?
- એક યુવક (ગોધરા)
* આનું કારણ રબરની એલર્જી કે યોનિનું ઈન્ફેક્શન હોઈ શકે છે. તમારા ફેમિલિ ડોક્ટરની સલાહ લો. તેઓ કોઈ દવા લખી આપશે જેનાથી તમને ફાયદો થશે. તમારી આ આદત જોખમી છે. એક કરતા વધુ પાર્ટનર સાથે સેક્સ માણવાથી એઈડ્સનો ખતરો રહે છે આ ઉપરાંત ગુપ્તરોગની પણ સંભાવના વધી જાય છે. આથી તમારો આ અખતરો બંધ કરો અને આમ પણ આ માટે તમારી ઉંમર ઘણી નાની છે. હમણા ભણવામાં કે કારકિર્દી બનાવવા પર ધ્યાન આપો. કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન નોતરે છે.
હું ૩૨ વરસની છું, મને બે સંતાન છે. મેં હમણા જ સંતાનો થાય નહીં એ માટે ઓપરેશન કરાવ્યું છે. મારે એ જાણવું છે કે ઓપરેશન પછી મારે શું તકેદારી રાખવી જોઈએ? શરીર સંબંધથી અમારે કેટલો સમય દૂર રહેવું જોઈએ?
- એક બહેન (સુરત)
* આ એક સામાન્ય ઓપરેશન છે. આમા વધુ સંયમ પાળવાની જરૂર નથી. ગણતરીના દિવસોમાં જ તમે સામાન્ય જીવન જીવી શકો છો. સમાજમાં ફેલાયેલા અંધવિશ્વાસોથી દૂર રહો. ઓપરેશનથી શરીર પર કોઈ ઊંધી અસર પડતી નથી. દરેક અંગ પહેલા જેવું જ કામ કરે છે. કામેચ્છા કે માસિક પર પણ કોઈ અસર થતી નથી. બધુ સામાન્ય જ રહે છે. હોર્મોન્સના સ્તરમાં પણ કોઈ ફરક પડતો નથી. ઉલટાનું ગર્ભ રહેશે નહીં એ ચિંતા દૂર થવાથી કેટલીક સ્ત્રીઓ અગાઉની સરખામણીમાં વધુ યૌન સુખ અનુભવે છે. તમારા ડોક્ટરે જ તમને કેટલા દિવસ સુધી આરામ કરવો વગેરેની સૂચના આપી હશે. અને આપી નહીં હોય તો તેમની સલાહ લો.
હું ૨૦ વરસની છું, મારી હથેળીઓ અને તળવા પર બાળપણથી જ ઘણો પરસેવો વળે છે. આ ઉપરાંત મારી હથેળીઓ પર કાળા ધાબા પણ છે. આનું કારણ શું હોઈ શકે છે? મેં થાયરોઈડની તપાસ પણ કરાવી છે એનો રિપોર્ટ પણ નોર્મલ છે. યોેગ્ય માર્ગ દર્શન આપવા વિનંતી.
- એક યુવતી (મુંબઈ)
આ સમસ્યાનું કારણ તમારી સંવેદનશીલતા હોઈ શકે છે. પ્રસ્વેદ ગ્રંથિઓની સક્રિયતાને કારણે પરસેવો વળે છે. સ્વેદ ગ્રંથિઓની સક્રિયતા પાછળ ઘણા કારણો કામ કરે છે. પીડા, ડર, ક્રોધ તેમ જ ચિંતાને કારણે પણ આમ થઈ શકે છે. શું તમે વધુ પડતા સંવેદનશીલ કે ચિંતિત છો? આમ હોય તો ચિંતા છોડી દો. સહજ રીતે જીવવાનું શરૂ કરો. કાળા નિશાનોથી વાત છે તો એ માટે તમને ડોક્ટર જ સહાય કરી શકશે. તબીબી તપાસ વિના એનું કારણ જાણી શકાય તેમ નથી. તમારે કોઈ નિષ્ણાત ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવાની જરૂર છે.
હું જે યુવતી સાથે પ્રેમ કરું છું તેને હજુ સુધી માસિક આવતું નથી મારે તેની સાથે લગ્ન કરવા છે પરંતુ મારે એ જાણવું છે કે શું તે સામાન્ય રીતે સહવાસ કરી શકે છે? તેનામાં કામોત્તેજનાની ઉણા હોઈ શકે છે? તેના યૌન અંગો સામાન્ય રીતે કામ કરી શકે છે? મારી પ્રેમિકાની ઉંમર ૨૬ વર્ષ છે તે સહજ જાણવા ખાતર લખ્યું છે.
- એક યુવક (અમદાવાદ)
* તમારા બધા જ પ્રશ્ન વૈવાહિક જીવનના સામાન્ય સુખ સાથે જોડાયા છે અને આ પરિસ્થિતિમાં આ પ્રશ્ન મૂંઝવે એ સ્વાભાવિક છે. તમારી પ્રેમિકાની સંપૂર્ણ તબીબી તપાસ જરૂરી છે. ડોક્ટરી તપાસ પછી જ જાણી શકાશે કે તેનામાં શું કમી છે અને તેનો ઈલાજ શક્ય છે? માસિક નહીં આવવા પાછળ ઘણા કારણ જવાબદાર છે. હવે વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. આથી હોર્મોન્સ ચિકિત્સાથી ફેર પડી શકે છે. પરંતુ એ શક્ય છે કે નહીં તે માત્ર ડોક્ટર જ જણાવી શકે તેમ છે. પરંતુ તે માતૃત્વ પ્રાપ્ત કરી શકશે કે નહીં એક પ્રશ્ન છે.
- નયના