Get The App

સહિયર સમીક્ષા .

Updated: Feb 27th, 2023


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મને 33 વર્ષની એક સહકર્મચારી સાથે  પ્રેમ છે. અમારો સ્વભાવ ઘણો મળતો આવે છે. પરંતુ તેની સમક્ષ મારા મળતી વાત હું રજૂ કરી શકતો નથી. 

* હું ૨૧ વર્ષનો છું. મને મારી જ જ્ઞાાતિની ૨૧ વરસની એક યુવતી સાથે પ્રેમ છે. અમે ક્ષત્રિય છીએ. અમારે લગ્ન કરવા છે. પરંતુ અમારી અટક એક જ હોવાથી શું આ શક્ય છે? એક વાર અમે ફોરપ્લે કર્યું છે. અમે એકબીજા વગર રહી શકીએ તેમ નથી. શું અમારો પરિવાર આ વાત સ્વીકારશે? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવક (ભાવનગર)

* મારી જાણ પ્રમાણે એક જ અટક હોય તો લગ્નમાં વાંધો આવતો નથી. લગ્ન માટે ગોત્ર એક હોવું જોઇએ નહીં તેમજ લોહીની સગાઇ હોવી જોઇએ નહીં. બાકી તમારી જ્ઞાાતિની પ્રથા શું છે એની જાણકારી મેળવો. એના પર બધો આધાર રહ્યો છે. તમારો પરિવાર આ લગ્ન માટે સંમતી આપશે કે નહીં એ તેમના વિચાર તેમજ ઘણા કારણો પર આધારિત છે. આથી આ વાતની ગેરેન્ટી આપી શકાય તેમ નથી. તમારું કામ તમારી મરજી તેમની સમક્ષ રજૂ કરવાની છે અને એ સંબંધ સ્વીકારવો કે નહીં તે તેઓ બધી પરિસ્થિતિઓનો અભ્યાસ કરી નક્કી કરશે.

* હું ૨૯ વર્ષની છું. અને એક એવી નોકરી કરું છું જેમા આગળ વિકાસ શક્ય નથી. એક સમયે હું બોલકણી, મહત્વાકાંક્ષી યુવતી હતી અને લોકપ્રિય હતી. પરંતુ હવે હું શરમાળ એકાંતપ્રિય બની ગઇ છું. શું હવે મારે સારો પતિ શોધી પરણી જવું જોઇએ કે પછી નોકરી ચાલુ રાખવી જોઇએ એ બાબતે સલાહ આપશો.

એક બહેન (મુંબઇ)

* એક વાત સ્પષ્ટ સમજી લો કે યોગ્ય પાત્ર શોધી પરણી જવું અને કારકિર્દી આગળ વધારવી એ બંને એકબીજા સાથે સંકળાયેલા નથી. બંને એકબીજાથી સાવ અલગ છે અને તમે સરળતાથી આ બંને પાસા સંભાળી શકો છો. એવી ઘણી નારીઓ મળી આવશે. જેઓ સફળ કારકિર્દી સાથે ઘર ગૃહસ્થી પણ સારી રીતે જાળવી શકે છે. સૌ પ્રથમ તો તમારે તમારી જાત પર વિશ્વાસ ઉત્પન્ન કરવાનો છે. તમારી આ સમસ્યાના મૂળ શોધો અને એનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરો. જીવનનો આનંદ મેળવવાનું શરૂ કરો. તમારી નોકરીમાં કોઇ સમસ્યા હોય તો નવી નોકરી શોધો. સમસ્યાથી ગભરાઇને પીછેહઠ કરવાને બદલે એનો સામનો કરી તેને દૂર કરી આગળ વધો.

* હું ૨૬ વર્ષની છું. મારા એક મિત્ર સાથે મને પ્રેમ છે. પરંતુ એકવાર દિલ તૂટી ગયા પછી હવે મને પ્રેમ નામના શબ્દનો ડર લાગે છે. હું તેનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું. તેનો વિશ્વાસ કેવી રીતે કરવો?

એક યુવતી (સુરત)

* એક વાતનો ખ્યાલ રાખો કે કોઇ પણ બે વ્યક્તિ એક સરખી હોતી નથી. તેમનો સ્વભાવ પણ સરખો હોતો નથી. ખુશીને ડર  અને સલામતી સાથે કંઇ લેવા-દેવા નથી. આમા હિંમત અને વિશ્વાસ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી હિંમત કેળવી આગળ વધો. હિંમતે મર્દા તો મદદે ખુદા એ કહેવત તો તમને ખબર જ હશે.

* હું ૨૭ વર્ષનો છું. મારી સાથે કામ કરતી ૩૩ વર્ષની એક સહકર્મચારી સાથે મને પ્રેમ છે. અમારો સ્વભાવ ઘણો મળતો આવે છે. પરંતુ તેની સમક્ષ મારા મળતી વાત હું રજૂ કરી શકતો નથી. મને ડર છે કે અમારી વચ્ચેના ઉંમરના તફાવતને સમાજ સ્વીકારશે નહીં. મારે શું કરવું તે જણાવવા વિનંતી.

એક ભાઇ (અમદાવાદ)

* સમાજનો ડર તમને કેમ છે એ મને સમજાતું નથી. એક વાર તમારા લગ્ન થઇ ગયા પછી કોઇ સામે ચાલીને તમારી પત્નીની ઉંમર પૂછવા આવશે નહીં. તમારા નજીકના પરિવાર સિવાય બાકી કોઇ મહત્ત્વનું નથી અને તેમને સમજાવવાનું કામ તમારું છે. પરંતુ સૌ પ્રથમ તો તમારે તમારા પ્રિય પાત્રની મરજી જાણવાની છે. એક પક્ષીય પ્રેમમાં નિરાશાનો સામનો કરવાની તૈયારી રાખવી પડે છે. તે તમને પ્રેમ કરતી ન હોય તો તમારે તેને ભૂલી જઇ તમારી જિંદગીમાં આગળ વધવાની તૈયારી રાખવી પડશે.

* હું ૧૮ વરસની છું. અને ૨૧ વર્ષના એક છોકરા સાથે મને પ્રેમ છે. અમારા આ પ્રેમને ત્રણ વરસ થયા છે. મારા મમ્મી-પપ્પાને આ સંબંધનો વિરોધ છે. બંનેમાંથી કોને પસંદ કરવા એ મૂંઝવણ મને સતાવે છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (ગુજરાત)

* લગ્ન માટે હજુ તમારી ઉંમર ઘણી નાની છે. આથી લગ્નનો વિચાર હમણા માંડી વાળો અને ભણી-ગણીને તમારું સ્થાન મજબૂત બનાવવાના પ્રયત્નો કરો. સમયને સમયનું કામ કરવા દો. આગળ જતા તમારો પ્રેમ મજબૂત રહે અને તમે તમારા નિર્ણયમાં મક્કમ હશો તો તમારા મમ્મી-પપ્પા જરૂર એની સાથે તમારા લગ્ન કરાવી દેશે. લગ્ન પૂર્વે બંનેએ આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરવાની જરૂર છે. પગભર થયા પછી જ લગ્નનો વિચાર કરવો.

-નયના


Google NewsGoogle News