Get The App

સહિયર સમીક્ષા .

Updated: Dec 26th, 2022


Google NewsGoogle News
સહિયર સમીક્ષા                                               . 1 - image


- મારી નણંદ 26 વર્ષની સાધારણ દેખાવની યુવતી છે. મારાં સાસુ-સસરાને તેનાં લગ્નની કોઈ ચિંતા નથી. અમે ઘણી જગ્યાએ તેનાં લગ્નની  વાતો ચલાવી પરંતુ કોઈ ને કોઈ ખામી શોધીને વાત આગળ વધવા નથી દેતાં! 

હું કિશોરવયના બે પુત્રોનો ૪૨ વર્ષનો પિતા છું. માતાપિતાના છૂટાછેડા બાદ દાદા-દાદીએ મને મોટો કર્યો. છૂટાછેડા બાદ માતા તેના પિયર ચાલી ગઈ. પિતાએ બહેનનાં લગ્ન કરીને બનેવીને ઘરજમાઈ બનાવી દીધા. આજે અમારા ઘર પર તેમનો કબજો છે અને અમે ભાડાના મકાનમાં રહીએ છીએ.

હું લગ્ન બાદ માતાને મારી પાસે લેતો આવ્યો છું. પરંતુ તે અમારી સાથે એડજસ્ટ થઈ શકી નહીં અને ફરી પિયર ચાલી ગઈ. આ વાતથી મારા પિતા મારાથી નારાજ છે. તેઓ કહે છે કે, હું તેમનો દીકરો નથી. બીજી તરફ માનો આરોપ છે કે હું મારા પિતા પર ગયો છું. આ રીતે બાળપણથી જ મા-બાપના પ્રેમથી વંચિત રહ્યો છું. આખરે આમાં મારો શો દોષ હતો?

એક ભાઈ (વડોદરા)

* પારસ્પરિક મતભેદોને લીધે માતા-પિતા અલગ થઈને પોતાની ઈચ્છાનુસાર જીવન જીવવા લાગ્યાં છે. પરંતુ બંનેના અલગ રહેવાને કારણે બાળકોને જ સૌથી વધુ નુકસાન ભોગવવું પડે છે. બાળકો માતા-પિતાના પ્રેમથી વંચિત થઈ જાય છે. તમારે પણ આ અભાવથી દુ:ખ ભોગવવું પડયું છે. પરંતુ તમને એ વાતનો સંતોષ હોવો જોઈએ કે તમને તમારાં દાદા-દાદીનો સહકાર મળી રહ્યો, જેમણે ખૂબ સારી રીતે સારસંભાળ લીધી.

તમને જે નથી મળ્યું તેના માટે તમારે શોક કરવો વ્યર્થ છે. તમારો પત્ની અને બાળકોથી હર્યોભર્યો પરિવાર છે. તમારે તેમની સાથે ખુશ રહેવું જોઈએ અને તમારે તમારાં બાળકોને એ બધી ખુશીઓ આપવી જોઈએ જેનાથી તમે વંચિત રહી ગયા છો.

હું ૨૫ વર્ષની પરિણીતા અને અઢી વર્ષના પુત્રની માતા છું. સાસુ-સસરા બંને નોકરીમાંથી નિવૃત્ત થયેલાં છે. દીકરાના જન્મ પહેલાં હું નોકરી કરતી હતી, આથી સાસુના સ્વભાવને જાણી શકી નહીં. પરંતુ છેલ્લાં ત્રણ વર્ષથી હું ઘરે જ છું. દીકરાને સંભાળવાની સાથે ઘરનાં કામકાજમાં હું તેમને પૂરેપૂરી મદદ કરું છું. આમ છતાં, પણ તેમને હંમેશાં મારે માટે ફરિયાદ રહે છે. દરેક વખતે તેઓ પોતાની પરણાવેલી દીકરીનાં જ વખાણ કરતાં રહે છે.

હું જવાબ તો આપતી નથી પરંતુ મનમાં ને મનમાં મૂરઝાયા કરું છું. પતિને ફરી નોકરી માટે કહું છું તો તેઓ કહે છે કે દીકરાની સંભાળ કોણ રાખશે? સાસુ તો તેને સંભાળી શકે તેમ નથી. મારું પિયર નજીકમાં જ છે અને મારો દીકરો મારાં મા-બાપ સાથે વધુ લાગણી ધરાવે છે. પરંતુ સાસુ-સસરા મારા પિયરમાં પણ દીકરાને રાખવા માટે રજા આપશે નહીં. મારે શું કરવું?

એક મહિલા (સુરત)

* થોડાં સમય બાદ તમારો દીકરો શાળાએ જવા લાગશે ત્યારે તેની સંભાળ માટે તમે કોઈ નોકરાણી રાખી શકો છો. તેનાથી તમારી સાસુને કોઈ વાંધો નહીં હોય. દીકરાની વ્યવસ્થા થતાં તમે ફરી નોકરીએ પણ જઈ શકશો.

મારી નણંદ ૨૬ વર્ષની સાધારણ દેખાવની યુવતી છે. મારાં સાસુ-સસરાને તેનાં લગ્નની કોઈ ચિંતા નથી. અમે ઘણી જગ્યાએ તેનાં લગ્નની  વાતો ચલાવી પરંતુ કોઈ ને કોઈ ખામી શોધીને વાત આગળ વધવા નથી દેતાં! ક્યારેક છોકરાના દેખાવમાં ખામીઓ કાઢે છે તો ક્યારેક તેના ઘર-પરિવારની ખામીઓ કાઢે છે. જો આવું જ ચાલતું રહ્યું તો નણંદનાં લગ્ન કરવાં શક્ય  બનશે નહીં, અમારે શું કરવું?

એક મહિલા (વલસાડ)

* ઘરના કોઈ વડીલ કે એવા કોઈ મિત્ર અથવા સગા-સંબંધીઓના માધ્યમથી (પોતાનાં સાસુ-સસરાને) સમજાવવાં કે તેમની પુત્રીની ઉંમર ઘણી થઈ ચૂકી છે. જો તેઓ છોકરાઓની આ રીકે ખામીઓ જોતાં રહ્યા તો તેમની પુત્રીની લગ્નની ઉંમર વીતી જશે. દરેક મુરતિયામાં તેમને ગમતી વાત જોવા મળશે નહીં. ક્યાંક ને ક્યાંક તો સમાધાન કરવું જ પડે છે.

હું ૪૫ વર્ષીય  વિધવા છું. પતિના મૃત્યુને દસ વર્ષ થઈ ચૂક્યાં છે. મેં ઘણી મુશ્કેલીએ બે બાળકોનો ઉછેર કર્યો છે. દીકરાએ તેની પસંદગીની છોકરી લગ્ન માટે નક્કી કરી છે. મને દીકરાની પસંદ સામે કોઈ વાંધો નથી. લગ્નની કંકોતરી લઈને હું જ્યારે મારા ભાઈ પાસે ગઈ તો તેમણે મને આડું-અવળું સંભળાવ્યું કે મેં બાળકોને વધુ પડતી છૂટ આપી દીધી છે. 

છોકરાંઓને સાચાં-ખોટાંની કંઈ સમજ છે? લગ્નવિવાહ એ કોઈ છોકરાના ખેલ નથી. એક દિવસ મારે પોતાના નિર્ણયથી પસ્તાવું પડશે. તેમની વાતો સાંભળીને હું ગભરાઈ ગઈ છું. ક્યાંક તેમની વાત સાચી ન પડે. મારે શું કરવું જોઈએ?

એક વિધવા (ભાવનગર)

* તમારો પુત્ર સમજદાર છે. તેણે પોતાના માટે જીવનસાથી પસંદ કરી છે અને તમને પણ જો તે પસંદ હોય તો લોકોની વાતોને મહત્ત્વ આપીને પોતાના મનને દુ:ખી ન કરવું. જિંદગી છોકરાઓની છે એથી તેમની પસંદ-નાપસંદ સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. 

- નયના


Google NewsGoogle News